સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની ચમત્કારીક અતિ જાજરમાન, વિશાળ અને દેશની ભવ્ય મૂર્તિની સ્થાપના થશે

14 November 2022 05:39 PM
Botad Dharmik Rajkot
  • સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની ચમત્કારીક અતિ જાજરમાન, વિશાળ અને દેશની ભવ્ય મૂર્તિની સ્થાપના થશે

► સને-2022ના અંત સુધીમાં સુપ્રસિધ્ધ તીર્થધામ : સાળંગપુરનો આ સમગ્ર પ્રોજેકટ આર્ટ ને આર્કિટેકટનો અતિ સુંદર સમન્વય છે : દાદાની આ ભવ્ય અને જાજરમાન મુર્તિ મુળ રાજસ્થાની નરેશભાઈ કુમાવત હરીયાણાના માનેસર ખાતે મુર્તિને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.

► સાળંગપુર ખાતેની શ્રી હનુમાન દાદાની ભવ્ય અને વિશાળ મૂર્તિની આ છે ઝલક : મુખારવિંદ 6.5 ફુટ લાંબુ 7.5 ફુટ પહોળુ મુગટ 7 ફુટ ઉંચો 7.5 ફુટ પહોળો દાદાની ગદા 27 ફુટ લાંબી 8.5 ફુટ પહોળી હશે . મુર્તિ માટે મધ્યમ 17 ફુટ ઉંડો મજબુત બેઝ હશે બેઝ ઉપર શ્રી યંત્રની આકૃતી અંકીત થશે ને બેઝ દિવાલ ઉપર દાદાનું પૂર્ણ જીવન ચરીત્ર કંડારશે.

રાજકોટ : જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડ જણાવે છે કે સનાતન હિન્દુ ધર્મના કરોડો માનવીના હૃદયમાં વસેલા અને દેશ-વિદેશની ચારે દિશામાં બીરાજમાન કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે પ્રતિષ્ઠા થનાર અતિ વિશાળ ભવ્ય અને જાજરમાન મૂર્તિ અંગે જણાવે છે. સ્વામીનારાયણ ભગવાનનું નામ ધર્મ સેવા અને સનાતન ધર્મના રક્ષણના પ્રસાર પ્રચાર માટે દેશ અને વિશ્વમાં અજોડ કાર્ય સાથે જોડાયેલ વડતાલ સ્વામીનારાયણ પંથ મંદિર સાથે સંલગ્ન સાળંગપુર શ્રી કષ્ટભંજન ધાર્મિક તીર્થ રાજય અને દેશમાં સુપ્રસિધ્ધ છે. આ પ્રસિધ્ધ તીર્થધામમાં મળેલ માહિતી મુજબ ટુંકા ગાળામાં રાજય અને સમગ્ર દેશની ઉંચી વિશાળ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે જેની સંકલીત વિગત આ પ્રમાણે છે.

સમગ્ર ભારત અને વિશ્વમાં કિંગ સાળંગપુર ધામ ખુબ જ પ્રસિધ્ધ છે જેમાં કષ્ટભંજન હનુમાન મહારાજનું અતિપુરાણ ભવ્ય મંદિર છે. આ મંદિર 9,17,700 સ્કે. ફુટમાં પથરાયેલ છે. આ મંદિરની મુલાકાતે દેશ-વિદેશથી દર મહિને અંદાજે 15 થી 16 લાખ ભાવિકો દર્શન માટે આવે છે અને દરરોજ અંદાજીત દશ હજાર દર્શનાર્થી ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. ભાવિકો ભકતોજન માટે સુંદર 500 રૂમનું ગેસ્ટ હાઉસ છે. અતિ વિશાળ ભવ્ય અને જાજરમાન સાળંગપુર નવ નિર્મિત પ્રોજેકટ આ મુજબ છે. શ્રી હનુમાન દાદાની અતિ ભવ્ય મૂર્તિની મુખારવિંદ 6.5 ફુટ લાંબુ, 7.5 ફુટ પહોળુ હશે, ગદાધારી શ્રી હનુમાનજીની ગદા 27 ફુટ લાંબી અને 8.પ ફુટ પહોળી હશે. રક્ષક દેવના હાથ 6.5 ફુટ લાંબા અને 4 ફુટ પહોળા હશે શ્રી હનુમાનજી દાદાના પગ 8.5 ફુટ લાંબા અને 4 ફુટ પહોળા હશે, શ્રી હનુમાન દાદાના પગના કડા 1.5 ફુટ ઉંચા અને 3.5 ફુટ પહોળા હશે

તેવી જ રીતે દાદાના હાથના કડા 15 ફુટ ઉંચા અને 2.5 ફુટ પહોળા હશે, દાદાના ગળાના આભુષણ 24 ફુટ લાંબા અને 10 ફુટ પહોળા હશે. દાદાની વિશાળ મૂર્તિ માટે ખાસ વિશાળ બેઝ બનાવાશે જેના માટે સેન્ટરમાં 14 ફુટ ઉંડો મજબુત બેઝ તૈયાર કરવામાં આવશે અને બેઝ ઉપર શ્રી યંત્રની આકૃતિ શોભા વધારશે અને બેઝની આકર્ષક વિશાળ દિવાલ ઉપર શ્રી હનુમાન દાદાનું સમગ્ર જીવન ચરિત્ર કંડારાશે અને વધુમાં આ બેઝ ઉપર યાત્રાધામ સાળંગપુર ધામનો પૂર્ણ ઇતિહાસ નજરે પડશે સમગ્ર મૂર્તિ 3-4 સ્ટેપમાં સ્થાપિત કરવામાં આવશે. દાદાના વિશાળ આંગણામાં ભકતજનો માટે 11,900 સ્કવેર ફુટમાં સ્ટેપવેલ બનાવાશે સાથો સાથ દર્શન માટે આવેલ ભકતો મનમોહક લાઇટ સાઉન્ડ એન્ડ કાઉન્ટનનો લાભ માણી શકશે.

કષ્ટભંજન દાદાની પરિક્રમા 754 ફુટ લાંબી હશે. સાળંગપુર દાદાનો આ પ્રોજેકટ પણ નર્મદા કાંઠેે ગુજરાતના પનોતા પુત્ર દેશના પ્રથમ વડાપ્રધાન લોખંડી પુરૂષ શ્રી સરદાર સાહેબના સ્ટેચ્યુને યાદી આપતું આર્ટ અને આર્કિટેકટ ભવ્ય સમાવેશ સાથે સનાતન હિન્દુ ધર્મને હિન્દુ સંસ્કૃતિની મહાન ગૌરવંતી અનુભુતીના ભવ્ય દર્શન થશે.દેશ અને દુનિયાના કરોડો ભકતોના કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી દાદાની આ વિશાળ અને ભવ્ય મૂર્તિ બનાવવાનું સૌભાગ્ય દેશના પ્રસિધ્ધ મૂર્તિ બનાવનાર મૂળ રાજસ્થાનના નરેશભાઇ કુમાવતના ફાળે આવેલ છે આ ભવ્ય મૂર્તિને ઘડવાનું કાર્ય હરીયાણાના માનેસરમાં ચાલી રહેલ છે.

દાદાની ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા બાદ સાળંગપુર ખાતે લાખો શ્રધ્ધાળુ દાદાના દર્શને આવશે આ બાબતને લક્ષમાં રાખી મંદિરના સંચાલક મંડળે શ્રધ્ધાળુઓની સગવડતા અને સુવિધા માટે અંદાજે એક હજારથી વધુ રૂમવાળુ ગેસ્ટ હાઉસ અને વિશાળ ભોજનાલય વિશાળ આધુનિક કેન્ટીન બાગ-બગીચાનું પર નિર્માણ કરશે.આ સમગ્ર પ્રોજેકટ પૂર્વ થતા બોટાદ અને સાળંગપુર દેશનું એક વિશાળ યાત્રાધામ બનશે જેથી બંને જગ્યાએ મોટાપાયે વિવિધ વેપાર ઉદ્યોગો હોટલો નાસ્તાગૃહો જેવો વેપાર સાથે પ્રજા માટે મોટી રોજગારીની તકો ઉભી થશે નર્મદા કિનારે બનેલ વિશ્વની વિશાળ અતિ ઉંચા શ્રી સરદાર સાહેબના સ્ટેચ્યુ બાદ ગુજરાતના સાળંગપુરમાં અતિ ભવ્ય દિવ્ય શ્રી કષ્ટભંજન દાદાની મૂર્તિ સ્થાપનાથી ગુજરાત દેશ અને દુનિયામાં એક વિશાળ પ્રવાસ ધામ અને ધાર્મિક યાત્રાધામમાં ગૌરવવંતુ રાજય બનશે.


તખુભા રાઠોડ
(મો. 98242 16130)


Related News

Advertisement
Advertisement
Advertisement