♦ ભાજપે ગુજરાતમાં એક વખત 1998માં એક મુસ્લીમને ટીકીટ આપી હતી અને તે પણ હાર્યા તો કોંગ્રેસ પક્ષે પણ આ ચૂંટણીમાં હજુ સુધી છ લઘુમતી ઉમેદવાર ઉતાર્યા છે અને 1980 બાદ ગુજરાત વિધાનસભામાં કદી મુસ્લીમ ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ ડબલ ડીજીટમાં થયું નથી
♦ આમ આદમી પાર્ટી પણ સોફટ હિન્દુત્વ કાર્ડ ખેલી રહી છે અને અરવિંદ કેજરીવાલ ભાજપને એક પણ એવી તક આપવા માગતા નથી : લઘુમતી કાર્ડ ખેલ્યા વગર જ આ પક્ષે હજુ સુધીમાં ત્રણ મુસ્લીમ ઉમેદવારોને ટીકીટ આપી છે પરંતુ તેમાં કોઇ આક્રમકતા નથી
રાજકોટ,તા. 16
ગુજરાતની ચૂંટણીમાં હજુ સુધી વિકાસનો અને પરિવર્તનનો અવાજ સંભળાય છે પરંતુ સોફટ હિન્દુત્વની એન્ટ્રી થઇ નથી. 2017ની ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસના તે સમયના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક બાદ એક મંદિરોની મુલાકાત લઇને સોફટ હિન્દુત્વના હથિયારને ઉગામ્યું હતું જો કે કોંગ્રેસને જે વિજય મળ્યો તેમાં આ ફેક્ટરનું યોગદાન ઓછું હતું. રાજ્યમાં હજુ કોંગ્રેસનો પ્રચાર શરુ થયો નથી.ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના વિકાસના મંત્રના આધારે ચૂંટણી પ્રચારને આગળ ધર્યો છે.
તો બીજી તરફ પ્રથમ વખત ગુજરાતમાં ચૂંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ભાજપને તેના જ હથિયારથી મહાત કરવાનો પ્રયત્ન કરે છે જો કે તે કેટલો સફળ થશે તે પ્રશ્ર્ન છે. પરંતુ ગુજરાતમાં 9% ટકા જેટલા મુસ્લીમ વોટર હોવા છતા પણ અત્યાર સુધીમાં કોંગ્રેસે 6 મુસ્લીમ ઉમેદવારોને ટીકીટ આપી છે બીજી બાજુ ભાજપે હજુ એક પણ મુસ્લીમને ટીકીટ આપી નથી અને ભાજપએ ગઇ ચૂંટણીમાં પણ કોઇ મુસ્લીમ ઉમેદવાર ઉતાર્યા ન હતા.
સૌથી મહત્વનું એ છે કે આમ આદમી પાર્ટી પણ આ ચૂંંટણીમાં મુસ્લીમ મતદારો પ્રત્યે મૌન છે અને તેની પાછળ ભાજપ સામે લઘુમતી કાર્ડ ન ખેલવાની જે રણનીતિ છે તે માનવામાં આવે છે. અરવિંદ કેજરીવાલે ગુજરાત ચૂંટણીના પ્રચારના પ્રારંભે જ ચલણી નોટોમાં લક્ષ્મી અને ગણપતિની તસવીરોની માંગ કરીને પોતાનો દાવ સૌપ્રથમ ખેલ્યો હતો.
હાલમાં પણ તેઓ અયોધ્યામાં તીર્થયાત્રાનું વચન આપી રહ્યા છે પરંતુ ક્યાંય ભૂલે ચૂકે લઘુમતી કાર્ડ ખેલાય ન જાય તે સાવચેતી રાખે છે અને આથી જ કેજરીવાલ કે આમ આદમી પાર્ટીને હિન્દુ આદમી પાર્ટી કમસેકમ ગુજરાતમાં બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને કદાચ ભાજપની ચિંતા એ પણ છે કે જે મતદારો છેલ્લા 27 વર્ષના શાસન સામે એન્ટીઇન્કમબન્સીના રોગથી પીડાય છે તેના માટે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની શકે છે.
ગુજરાતમાં 1980માં 17 મુસ્લીમ ઉમેદવારો ઉભા રહ્યા હતા જેમાંથી 12 જીત્યા હતા અને 2017માં છ મુસ્લીમ ઉમેદવારોને કોંગ્રેસે ટીકીટ આપી હતી અને તેમાંથી ત્રણ જીત્યા હતા. 1980 બાદ કદી મુસ્લીમ ધારાસભાની સંખ્યા ડબલ ડીજીટમાં આવી નથી. 1990ની વિધાનસભા ચૂંટણીમાં રામજન્મ ભૂમિ અભિયાન અને હિન્દુત્વની રાજનીતિ પર ગયેલા ભાજપે કોઇ મુસ્લીમ ઉમેદવારોને ટીકીટ આપી નથી અને તબક્કાવાર કોંગ્રેસ પક્ષ પણ ઓછામાં ઓછા મુસ્લીમ ઉમેદવારો ઉભા રાખી રહ્યું છે. ભાજપે 1998માં ભરુચ જિલ્લાની વાગરા બેઠક પર મુસ્લીમ ઉમેદવારને ટીકીટ આપી પરંતુ તે હારી ગયા.
ભાજપે જે હિન્દુત્વની રણનીતિ અપનાવી છે તેના કારણે હવે અન્ય પક્ષોને પણ તેનો ફોલો કરવાની ફરજ પડી રહી છે અને રાજ્યની 10 બેઠકો એવી છે કે જ્યાં મુસ્લીમ મતદારોની સંખ્યા 26થી 61 ટકા જેટલી છે. જેમાં કોંગ્રેસને જમાલપુર-ખાડીયા અને દરિયાપુર ઉપરાંત વાંકાનેર બેઠક કે જ્યાં મુસ્લીમ મતદારોની સંખ્યા નોંધપાત્ર જેવી છે ત્યાં વિજય મળ્યો હતો. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ત્રણ મુસ્લીમોને ટીકીટ આપી છે જ્યારે અસ્સુદ્દીન ઔવેસીના એઆઈએમએના પક્ષે ચારને ટીકીટ આપી છે.