રાજકોટ,તા. 16
ગુજરાતની ચૂંટણીમાં ફરી એક વખત ત્રણ એગ્રીયંગ મેન મેદાનમાં છે પરંતુ 2017 કરતાં સિનારિયો જુદો છે. 2015ના પાટીદાર અનામત આંદોલનના પગલે હાર્દિક પટેલ ગુજરાત અને દેશમાં જાણીતો બની ગયો હતો અને તે 2017માં કોંગ્રેસ પક્ષની સાથે જોડાઇને પરિણામોમાં ફરક પાડી હતી જ્યારે જીજ્ઞેશ મેવાણી કે જે ગુજરાતમાં નવા દલીત ચહેરા તરીકે ઉપસી આવ્યા હતા તેણે વડગામમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી અને ભાજપને પરાજીત કર્યા તો ત્રીજા યુવા ચહેરા અલ્પેશ ઠાકોરે રાધનપુરમાંથી કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડી અને વિજેતા બન્યા પરંતુ બાદમાં આ ત્રણેય યુવા નેતાઓનું રાજકીય કલ્ચર બદલાઇ ગયું.
હાર્દિક પટેલ બાદમાં કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ બન્યા પરંતુ અંતે ભાજપમાં સામેલ થઇ ગયા અને અલ્પેશ ઠાકોર પણ લાંબો સમય વિપક્ષમાં બેસી શક્યા નહીં અને ધારાસભ્યપદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ ગયા પરંતુ પેટાચૂંટણીમાં પરાજીત થયા જ્યારે જીજ્ઞેશ મેવાણી હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને વડગામ પરથી ફરી ચૂંટણી લડે છે.
હાર્દિક પટેલને ભાજપે વિરમગામમાંથી ટીકીટ આપી છે જ્યારે અલ્પેશ ઠાકોરને લાંબી મથામણ બાદ ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડવા જણાવ્યું છે અને હવે આ ત્રણ યુવા ચહેરાઓ કે જેમાં બે ભાજપમાં અને એક કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે તેઓ ફરી એક વખત સેન્ટ્રલ સ્ટેજ પર આવી ગયા છે. અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણના નવા મત વિસ્તારમાં સ્થાનિક ઠાકોર સમાજ અને ભાજપના કાર્યકર્તાઓનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
હાર્દિક પટેલે લાંબો સમય સુધી પોતાના વતન વિરમગામમાં જે રીતે ચૂંટણી લડવાની તૈયારી કરી અને ભાજપમાં જોડાયા બાદ આ મત વિસ્તારમાં સતત સક્રિય રહ્યા અને ગઇકાલે ઉમેદવારી નોંધાવી તે સમયે ભાજપના અનેક ટોચના અગ્રણીઓ પણ હાજર હતા તેથી હાર્દિક માટે વિજય સરળ હોય તેમ લાગે છે જ્યારે અલ્પેશ ઠાકોરને નવા મત વિસ્તારમાં સેટ થવું મુશ્કેલ બનશે અને આ મત વિસ્તાર એ કોંગ્રેસનો ગઢ છે.
વડગામમાં જીજ્ઞેશ મેવાણી સામે ભાજપે ગત ચૂંટણીમાં કોંગ્રેસની ટીકીટ પર પરાજીત થયેલા મણીભાઈ પટેલને ટીકીટ આપી છે જેઓ જીજ્ઞેશને ગુરુ ગણાય છે અને આથી જ આ ત્રણ એંગ્રી મેનનું ભવિષ્ય ગુજરાતની વિધાનસભા ચૂંટણી નક્કી કરશે.
હાર્દિક પટેલે ભાજપના સ્થાનિક નેતાઓએ સ્વીકારી લીધો હોય તેમ મનાય છે. તેણે પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ સોગંદનામાના સ્વરુપમાં જાહેર કર્યો છે જેમાં તેણે વિરમગામને જિલ્લો અપાવવાની ખાતરી આપી છે. જ્યારે અલ્પેશ ઠાકોર હજુ પોતાના મત વિસ્તારમાં સ્વીકાર્ય બનશે કે કેમ તે પ્રશ્ર્ન છે. જીજ્ઞેશ મેવાણી માટે વડગામ એ ટફ જાહેર થાય તેવી શક્યતા છે. અને આથી હવે આ ત્રણેયની ટક્કર પર ગુજરાતનું ધ્યાન કેન્દ્રીત થયું છે.