સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ‘ગુમ’ થયેલા ‘આપ’ના કંચન જરિવાલાએ ફોર્મ પાછુ ખેંચ્યુ

16 November 2022 01:40 PM
Surat Elections 2022 Politics
  • સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ‘ગુમ’ થયેલા ‘આપ’ના કંચન જરિવાલાએ ફોર્મ પાછુ ખેંચ્યુ

‘આપ’ દ્વારા ઉમેદવારના અપહરણનો આરોપ : ‘આપ’ના ઉમેદવાર ચૂંટણી અધિકારી પાસે ધક્કામુક્કી વચ્ચે પહોંચ્યા

સુરત,તા. 16 : ગુજરાતમાં એક તરફ વિધાનસભા ચૂંટણી માટેની ઉમેદવારી નોંધાવા માટે ધસારો છે તે સમયે જ સુરતની પૂર્વ વિધાનસભા બેઠકમાં આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરિવાલા પહેલા ‘ગુમ’ થયા હતા અને બાદમાં આજે તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચીને પોતાનું ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લીધું હતું.

સુરતની પૂર્વ વિધાનસભા બેઠકમાં પાટીદારોનો જંગ છે અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરિવાલાએ સક્ષમ ગણાતા હતા પરંતુ અચાનક જ ગઇકાલે તેઓ ગુમ થઇ ગયા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો હતો અને આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટવીટ કરીને ભાજપ ગુજરાતમાં ડરી ગયું છે અને આપના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચી લેવા માટે દબાણ કરી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો હતો અને તે બાદ નાટ્યાત્મક દ્રશ્યોમાં કંચન જરિવાલા સુરત પૂર્વ બેઠકના ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચી ગયા હતા અને પોતાનું ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લીધું હતું

જેના કારણે ભાજપ માટે આ બેઠકમાં વધુ મજબૂત વાતાવરણ બન્યો હોવાનો દાવો છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ગુજરાતમાં પક્ષનું ચૂંટણી સંકલન કરી રહેલા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આક્ષેપ કર્યો કે ભાજપના ગુંડાઓ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીથી એટલા ડરે છે કે અમારા સુરત પુર્વના ઉમેદવારનું અપહરણ કરીને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા ફરજ પાડી છે.

પરંતુ ગુજરાતની જનતા ભાજપની આ ગુંડાગીરીનો જવાબ આપશે અને આમ આદમી પાર્ટીને વિજેતા બનાવશે. સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જબરો જંગ છે અને મહાનગરપાલિકાના પરિણામો સમયે જે રીતે આપ દ્વારા 27 બેઠકોમાં વિજય મેળવ્યો હતો તે બાદ અહીં પાટીદાર વિસ્તારોમાં આપની ટક્કર વધી છે.


‘આપ’ના ઉમેદવારના ફોર્મ વિવાદમાં ઉપવાસ પર ઉતરતા મનીષ સીસોદીયા
ચૂંટણીપંચ સમક્ષ ન્યાયની માંગ: ભાજપ પર આક્ષેપ
સુરત તા.16 : સુરતમાં આમ આદમી પાર્ટીના સુરત પુર્વના ઉમેદવાર કંચન ઝરીવાલા દ્વારા આજે તેમનું ફોર્મ પાછુ ખેંચી લેવાતા જબરો વિવાદ સર્જાયો છે. એક તરફ ઝરીવાલાએ દાવો કર્યો છે કે મે રાજીખુશીથી ફોર્મ પાછુ ખેંચી લીધું છે અને મારા પર કોઈનું દબાણ નથી. તેઓ ગઈકાલથી જ ગુમ હતા અને આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો કે ભાજપે હાઈજેક કર્યા છે. વોર્ડ નં.13માં ગત કોર્પોરેશન ચૂંટણીમાં 14 હજારથી વધુ મત મેળવનાર ઝરીવાલાને ફોર્મ પાછુ ખેંચી લેવાના મુદે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ ભાજપ પર આક્ષેપ કરીને ઉપવાસ પર ઉતરી ગયા છે અને ચૂંટણીપંચને સમગ્ર વિવાદમાં દરમ્યાનગીરીની માંગ કરી છે. જેનાથી સમગ્ર વિવાદે નવો વળાંક લીધો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement