જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં ફોર્મ ચકાસણી દરમ્યાન 77 ફોર્મ માન્ય

16 November 2022 02:09 PM
Jamnagar Elections 2022 Politics
  • જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં ફોર્મ ચકાસણી દરમ્યાન 77 ફોર્મ માન્ય

કુલ 439 ફોર્મ ઉપડયા પછી 145 ફોર્મ ભરાયા હતાં: ફોર્મ ચકાસણી દરમ્યાન 72 ફોર્મ થયા રદ: કાલાવડમાં 6, જામનગર ગ્રામ્યમાં 12, જામનગર ઉત્તરમાં 22, જામનગર દક્ષિણમાં 21 અને જામજોધપુર બેઠકમાં 12 ઉમેદવારી પત્ર રહ્યા માન્ય: આવતીકાલે સાંજે આખરી ચિત્ર દેખાશે

જામનગર તા.16:
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી લડવા માટે 439 ઉમેદવારી ફોર્મ પડયા બાદ માત્ર 145 ઉમેદવારી પત્રો ભરાયા પછી ગઇકાલે ફોર્મ ચકાસણી બાદ 73 ફોર્મ માન્ય રહ્યા છે. હવે આવતીકાલ બપોરના 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચાવાની કામગીરી પૂર્ણ થયા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.

જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠક આવેલી છે. 76 કાલાવડ (અ.જા.અનામત), 77 જામનગર ગ્રામ્ય, 78 જામનગર ઉત્તર, 79 જામનગર દક્ષિણ અને 80 જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર દાવેદારોએ ફોર્મ ઉપાડવા ભારે ઉત્સાહ દેખાડયો હતો પરંતુ તા.14ની બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રક (ચૂંટણી ફોર્મ) રજૂ કરવાની મુદત પુરી થઇ ત્યાં સુધીમાં ઉપાડવામાં આવેલા 439માંથી માત્ર 145 લોકોએ જ ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતું.

કાલાવડની બેઠક ઉપર 16, જામનગર ગ્રામ્યની બેઠક ઉપર 31, જામનગર ઉત્તરની બેઠક ઉપર સૌથી વધુ 41, જામનગર દક્ષિણની બેઠક ઉપર 33 અને જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર 24 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા.

સોમવારે ફોર્મ ભરવાની કાર્યવાહીની મુદત પુરી થઇ ગઇ હતી. આ પછી ગઇકાલે પાંચેય વિધાનસભા બેઠકો ઉપર રજૂ થયેલા ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી જે-તે બેઠકના રિટનીંગ ઓફિસર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને અંતે કુલ 145માંથી 72 ઉમેદવારી પત્રકો જુદા-જુદા કારણસર ચકાસણી દરમ્યાન રદ કરવાને પાત્ર જણાતા રદ કરી નાખવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

વિધાનસભા બેઠક મુજબ જોઇએ તો કાલાવડ બેઠકમાં 10 ફોર્મ, જામનગર ગ્રામ્ય બેઠકમાં 19 ફોર્મ, જામનગર ઉત્તર બેઠકમાં 19 ફોર્મ, જામનગર દક્ષિણ બેઠકમાં 12 ફોર્મ અને જામજોધપુર વિધાનસભા બેઠકમાં 12 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.

ચકાસણી દરમ્યાન 72 ફોર્મ રદ થયા પછી પાંચ બેઠકો ઉપર માન્ય રહેલા ઉમેદવારી પત્રકની સંખ્યા જોઇએ તો કાલાવડમાં 6, જામનગર ગ્રામ્યમાં 12, જામનગર ઉત્તરમાં 22, જામનગર દક્ષિણમાં 21 અને જામજોધપુરમાં 12 ફોર્મ માન્ય રહ્યા છે. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં 145માંથી 73 ફોર્મ માન્ય રહ્યા છે તેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement