જામનગરમાં ભાજપની યુઝ એન્ડ થ્રોની નીતિ; લોહાણા, બ્રહ્મ, સતવારા સમાજમાં ભડકો

16 November 2022 02:31 PM
Jamnagar Elections 2022 Politics
  • જામનગરમાં ભાજપની યુઝ એન્ડ થ્રોની નીતિ; લોહાણા, બ્રહ્મ, સતવારા સમાજમાં ભડકો
  • જામનગરમાં ભાજપની યુઝ એન્ડ થ્રોની નીતિ; લોહાણા, બ્રહ્મ, સતવારા સમાજમાં ભડકો

♦ ટીકીટ આપવાની જ ન હતી તો સેન્સના નાટક શા માટે કર્યા? જ્ઞાતિના હરખપદુડા આગેવાનો સમાજને મોઢુ દેખાડી શકતા નથી..

♦ દરેક ચૂંટણીમાં કમળને ખોબલે ખોબલે મત આપતા જ્ઞાતિજનો છેતરાઇ ગયા

♦ સૌથી મોટી જ્ઞાતિઓમાંથી એક પણ ટીકીટ ન આપતા મતદાનમાં પડઘા પડવા આગાહી

♦ શાસક પક્ષને ‘દેખાડી દેવા’ના હાકલા પડકારા સોશ્યલ મીડિયામાં શરૂ : હળાહળ અન્યાય

♦ જ્ઞાતિઓના આગેવાનોએ નિરીક્ષકો, મોવડી મંડળને કરેલી રજૂઆતો કચરા ટોપલીમાં ગઇ!

જામનગર, તા. 16
વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ વખતે ભાજપે કરેલા કેટલાક પ્રયોગ, માપદંડોની વાત વચ્ચે અનેક બેઠક પર મજબૂત જ્ઞાતિઓને ટીકીટમાં અન્યાય કરવાની મોટી હિંમત કરતા તેના પડઘા મતદાન ઉપર પડે તેવી આગાહીઓ થવા લાગી છે. ભાજપને કાયમ પ્રેમ આપતા જામનગર શહેરની ઉત્તર અને દક્ષિણની બેઠક પર શાસક પક્ષે ઉમેદવારના નામ જાહેર કરતા જ વિરોધ વંટોળ શરૂ થયો છે અને વિશાળ એવી લોહાણા, સતવારા, બ્રહ્મસમાજના મતદારોની લાગણી સાથે છેતરપીંડી કર્યાનો ઉગ્ર રોષ છલકાઇ ગયો છે.

રાજકોટની જેમ જ જામનગર વિધાનસભાની બેઠકો પર લોહાણા, જૈન, બ્રાહ્મણ, સતવારા જેવી મોટી જ્ઞાતિઓ ભાજપ સાથે વર્ષોથી રહી છે. આ વખતે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં કેટલીક નીતિઓમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. છતાં રાજકોટની જેમ જ જામનગરમાં પણ લોહાણા, બ્રાહ્મણ કે સતવારા સમાજના કોઇ ઉમેદવારને ટીકીટ આપી નથી. રાજકોટમાં છેલ્લે સુધી ભાજપમાંથી પ્રમુખ કમલેશ મીરાણીનું નામ આગળ હતું તો જામનગરમાં પણ લાલ પરિવારમાંથી કોઇને ટીકીટ આપીને ભાજપ આ વખતે લોહાણા સમાજને પ્રતિનિધિત્વ આપશે તેવું સમજાતું હતું. પરંતુ હવે ન માત્ર પાર્ટીના લોકો પરંતુ સામાન્ય મતદારો પણ ભાજપે બનાવટ કર્યાનો ઉભરો સોશ્યલ મીડિયામાં ઠાલવી રહ્યા છે.

જામનગરમાં દક્ષિણની બેઠક માટે પાટીદાર સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તો ઉત્તર બેઠક પર પેરાશૂટ ઉમેદવાર આવ્યા છે. આથી મોટી અન્ય જ્ઞાતિઓમાં કકળાટ થવા લાગ્યો છે. હવે તા.1ના રોજ થનારા મતદાનમાં આ રોષનો મોટો પડઘો પડશે તેવી આગાહી રાજકીય વિશ્ર્લેષકો કરવા લાગ્યા છે.
જામનગરના સામાજીક, વેપાર-ધંધા, રાજકીય ક્ષેત્રમાં લોહાણા, બ્રાહ્મણ, સતવારા સમાજનું મહત્વનું યોગદાન છે. આ વખતે ભાજપ જામનગરમાં આ પૈકી કોઇ એક જ્ઞાતિના ઉમેદવારને ટીકીટ આપશે તેમ સમજવામાં આવતું હતું. આ લાગણી અને માંગણી છેતરામણી સાબિત થઇ છે. પૂરા ગુજરાતમાં ભાજપે એક માત્ર વાંકાનેરમાં રઘુવંશી ઉમેદવાર જીતુ સોમાણીને (વ્યકિતગત તાકાત) ટીકીટ આપી છે. તે સિવાય જ્ઞાતિનો ટીકીટમાં તો કાંકરો કાઢી નાખ્યો છે. આ તમામ મુદ્દા ભાજપને ચૂંટણીમાં ભારે પડી શકે છે.

જામનગર ઉત્તર અને દક્ષિણની બેઠક માટે વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ માટે ઉમેદવારોને લઇ આ વખતે પ્રથમથી જ વિરોધનો વંટોળ શરૂ થયો હોય તેવું રાજકીય વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પણ જામનગર દક્ષિણની બેઠક માટે પાટીદાર સમાજના ઉમેદવારને મેદાનમાં ભાજપ દ્વારા ઉતારવામાં આવતા અન્ય સમાજમાં નારાજગીનો છૂટ જોવા મળી રહ્યો છે.

તો જામનગર ઉતરની બેઠક ઉપર પેરાશૂટ ઉમેદવારને મેદાનમાં ઉતારી દીધા છે. ખાસ કરીને ઘણા વર્ષોથી જ ભાજપ માટે સતત દોડતા અને ચૂંટણીમાં પણ ભાજપને જ મત આપી વિજય બનાવનાર લોહણા સમાજ, સતવારા સમાજ અને બ્રહ્મ સમાજના ઉમેદવારોએ દાવેદારી કરી હોવા છતાં તેમજ જ્ઞાતિ લેવલે પણ સમીકરણને જોતા લોહાણા પરિષદ, સતવારા સમાજ , બ્રહ્મ સમાજ દ્વારા આ વર્ષે આ વખતે ની વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિ માટે મતદાન કરીને તાકાત બતાવવા એટલે કે સમાજની એકતા બતાવવા ચક્રો ગતિમાન થયા છે.

જ્ઞાતિઓના આ અસંતોષની અસર જામનગરની બંને બેઠકો ઉપર પડે તેવી રાજકીય પંડિતો ચર્ચા કરી રહ્યા છે. એટલું જ નહીં સક્ષમ લોહાણા સમાજ, બ્રહ્મ સમાજ, સતવારા સમાજના સમક્ષ દાવેદારોને માટે પણ સમાજના આગેવાનો દ્વારા ભાજપના આગેવાનોને રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં ભાજપ દ્વારા ફરી અન્યાય કરાયાની લાગણી વ્યકત થઇ છે. આ રોષની અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ઉપર પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

સતવારા સમાજના આગેવાનો અને મતદારોએ પણ લગભગ દરેક ચૂંટણીમાં સતત મતદાન કરીને એટલે કે ખોબે ખોબે મતદાન કરીને ભાજપને વિજયી બનાવેલ છે. મહાનગરપાલિકામાં વિધાનસભામાં તેમજ સંસદની ચૂંટણીમાં પણ અગ્રેસર રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં નિરીક્ષકો અને પ્રદેશ મોવડી મંડળ ને લોહાણા સમાજ, બ્રહ્મ સમાજ, જૈન સમાજ, સતવારા સમાજના આગેવાનોએ રજૂઆતો કરી હતી આમ છતાં જ્ઞાતિ સમાજની વોટ બેંકો ને અવગણીને અન્ય પેરાશુટ ઉમેદવારને ટિકિટ અપાતા ભાજપ માટે ઉમેદવારોની પસંદગીમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિની લાગણી સાથે રમત રમવામાં આવી હોવાનો સુર ઉઠી રહયો હોવાનું જાણવા મળે છે. શહેરમાં રાજકીય ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી છે જેની અસર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ઉપર પડે તે તેઓ તેવું રાજકીય પંડિતો પણ માની રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement