કોંગ્રેસના હોર્ડિંગ્સના કોન્ટ્રાકટ ભાજપે રદ્દ કરાવી નાંખ્યા : કમિશ્નરને ફરિયાદ

16 November 2022 04:59 PM
Rajkot Elections 2022 Politics
  • કોંગ્રેસના હોર્ડિંગ્સના કોન્ટ્રાકટ ભાજપે રદ્દ કરાવી નાંખ્યા : કમિશ્નરને ફરિયાદ
  • કોંગ્રેસના હોર્ડિંગ્સના કોન્ટ્રાકટ ભાજપે રદ્દ કરાવી નાંખ્યા : કમિશ્નરને ફરિયાદ

► આગેવાનો સામે કેસ કરીને ફીટ કરવા સામે પોલીસને રજુઆત બાદ આજે વિપક્ષના મહાપાલિકામાં ધામા

► શાસકોના દબાણથી બુક કરેલી સાઇટસ રદ્દ : ઇન્દ્રનીલ રાજયગુરૂ, પ્રદિપ ત્રિવેદી સહિતના આગેવાનોની રજુઆત : કેસ કરવા અથવા બ્લેકલીસ્ટ કરવા માંગણી

રાજકોટ, તા. 16 : રાજકોટ શહેરના જુદા જુદા રોડ પર ટેન્ડરથી ખાનગી એજન્સીઓને ફાળવવામાં આવેલી હોર્ડિગ સાઇટ પર બોર્ડ લગાવવા બુકીંગ હોવા છતાં ભાજપ શાસકોના દબાણથી આ સાઇટ રદ કરાતી હોવાના આક્ષેપ સાથે આજે કોંગી આગેવાનો મહાપાલિકાએ દોડી આવ્યા હતા. મનપાએ ઉભી કરેલી અને એજન્સીઓને સોંપાયેલી સાઇટસ પર સરખો હકક મળે તેવી વ્યવસ્થા કરવા કોંગ્રેસે માંગણી કરી છે.

રાજકોટ પૂર્વના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ, પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, મનપા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સહિતના આગેવાનોએ હોર્ડિગ બોર્ડ અને કિયોસ્ક બોર્ડની સાઇટ ફાળવવાની માંગણી અંગે કમિશ્નરને રજુઆતમાં જણાવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારમાં મુખ્ય રોડ અને મુખ્ય ચોકમાં મનપાએ ટેન્ડરથી સાઇટ ઉભી કરી છે. એજન્સીઓને તે ટેન્ડરથી ફાળવવામાં આવે છે. હવે રાજકોટ કોર્પો.માં ભાજપનું શાસન હોવાથી આ સાઇટસ પર અગાઉથી બુકીંગ હોવા છતાં એજન્સીઓ પર ભાજપના શાસકો અને નેતાઓ દબાણ કરે છે.

કાયમી ધંધો બગાડવાની ધમકી આપી કોંગ્રેસે અગાઉથી બુક કરેલી સાઇટસ પણ રદ કરી દેવામાં આવે છે. વિધાનસભા-68 ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઇન્દ્રનીલભાઈ રાજગુરૂ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપૂત દ્વારા કુવાડવા રોડ, 80 ફૂટ રોડ, પારેવડી ચોક, ભક્તિનગર સહિતના વિસ્તારોમાં વિવિધ હોર્ડિંગ્સ અને કિઓસ્ક ડીસેમ્બર માસ સુધીના એગ્રીમેન્ટ કર્યા હોવા છતાં એજન્સી દ્વારા અમલ કરતા નથી. આ અમલ ન કરવાનું કારણ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પદાધિકારીઓ છે તેઓ તમામ એજન્સીને દબાવતા હોય અને ધમકાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસના આગેવાનો સાથે કરેલા એગ્રીમેન્ટનું એજન્સી પાલન કરે અન્યથા મહાનગરપાલિકા દ્વારા આ એગ્રીમેન્ટનું પાલન ન કરવા અને છેતરપિંડી કર્યાની ફરિયાદ કરવામાં આવે અને એજન્સીને બ્લેકલિસ્ટેડ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ રજુઆત કરવામાં પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, દિનેશ મકવાણા, રાજદીપસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.

કમિશ્નર દ્વારા આ અંગે એસ્ટેટ વિભાગ પાસેથી વિગત મંગાવીને ચકાસણી શરૂ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું. ચૂંટણી પૂર્વે કોંગ્રેસના અમુક આગેવાનોને ચેપ્ટર કેસમાં પોલીસ ફીટ કરવા લાગ્યાની ફરિયાદ સાથે ગઇકાલે કોંગ્રેસે પોલીસ તંત્રને ગજવ્યું હતું. તે બાદ આજે મહાપાલિકા કચેરીમાં પણ આક્ષેપો સાથે ઉગ્ર રજુઆત કરી હતી.

રાજકોટ-68ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂ, કોંગ્રસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી સહિતના આગેવાનોએ આજે હોર્ડિગ બોર્ડ મામલે કમિશ્નરને લેખિત ફરિયાદ કરી હતી. (તસ્વીર : પંકજ શીશાંગીયા)


Related News

Advertisement
Advertisement
Advertisement