► વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટ એરપોર્ટથી જ ધોરાજી માટે રવાના થાય તેવી શક્યતા: ચૂંટણીને કારણે નેતાઓની સતત અવર-જવર રહેનાર હોવાથી સામાન્ય મુસાફરોને તકલીફ ન પડે તે માટે ગોઠવાતી ખાસ વ્યવસ્થા
રાજકોટ, તા.16
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ બરાબર વાગવાનું શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ રાજ્યના અલગ-અલગ શહેરો-જિલ્લાઓમાં વિદ્યુતવેગી પ્રચારકાર્યમાં લાગી ગયા છે. મોટાભાગે દિગ્ગજ નેતાઓ એક શહેરથી બીજા શહેરમાં જવા માટે પ્લેન ઉપર જ પસંદગી ઉતારતાં હોવાને કારણે દરેક એરપોર્ટ ઉપર અત્યારે ચાર્ટર પ્લેનની સતત અવર-જવર જોવા મળી રહી છે. આવી જ સ્થિતિ શુક્રવારથી લઈ ત્રણ દિવસ સુધી જોવા મળવાની છે. ચૂંટણીના પ્રથમ તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્રમાં મતદાન થવાનું હોય અહીંના મતદારોને રિઝવવા માટે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતરી રહી છે.
શુક્રવારે રાજકોટમાં એક સાથે ત્રણ-ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓ ચાર્ટર પ્લેન મારફતે આવી રહ્યા છે. આ મુખ્યમંત્રીઓમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. આ ત્રણેય મુખ્યમંત્રીઓની મોરબીમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે આ ત્રણેય પોતપોતાના રાજ્યોમાંથી ચાર્ટર પ્લેન મારફતે સીધા રાજકોટ આવી પહોંચશે અને અહીંથી તેઓ મોરબી જવા માટે રવાના થશે. આવી જ રીતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની પણ રાજકોટ-68માં જાહેરસભા ગોઠવાઈ હોય તેઓ પણ ચાર્ટર પ્લેન મારફતે જ રાજકોટ આવી પહોંચશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ધોરાજી, વેરાવળ, અમરેલી, સોમનાથ સહિતના જિલ્લાઓમાં આવી રહ્યા હોવાથી તેઓ પણ રાજકોટ એરપોર્ટ પરથી જ અન્ય જિલ્લાઓમાં જવા માટે પ્રયાણ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ અંગેનો સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ચૂંટણીને કારણે રાજકીય નેતાઓની સતત અવર-જવર અને તેમના ચાર્ટર પ્લેનની આવક-જાવક વધુ પ્રમાણમાં રહેનાર હોવાથી સામાન્ય મુસાફરોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અત્યારથી જ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. રાજકોટ એરપોર્ટ પર રાહતની વાત એ છે કે વધુ એક એપ્રન (પાર્કિંગ) કાર્યરત થઈ ગયું હોવાથી ચાર્ટર પ્લેનનું સરળતાથી ઉતરાણ અને પાર્કિંગ થઈ શકશે અને આ સાથે જ અન્ય રાજ્યોની ફ્લાઈટ પણ આવક-જાવક કરી શકશે.
બીજી બાજુ હવાઈ મુસાફરોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો હોવાને કારણે ચૂંટણી સંપન્ન ન થાય ત્યાં સુધી એરપોર્ટ ઉપર જડબેસલાક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત નેતાઓની અવર-જવરને કારણે કાર્યકરો તેમજ સ્થાનિક નેતાઓના પણ એરપોર્ટ ઉપર સતત આંટાફેરા જોવા મળી રહ્યા છે.