બ્રિટનના વડાપ્રધાનને ‘માતાજીની પછેડી’ની ગીફટ: કચ્છ-સુરતની કલાકૃતિઓ વૈશ્વિક નેતાઓને ભેટમાં આપતા મોદી

17 November 2022 11:41 AM
Surat Dharmik Gujarat India World
  • બ્રિટનના વડાપ્રધાનને ‘માતાજીની પછેડી’ની ગીફટ: કચ્છ-સુરતની કલાકૃતિઓ વૈશ્વિક નેતાઓને ભેટમાં આપતા મોદી

બાઈડનને હિમાચલના શ્રૃંગાર રસના રાધાકૃષ્ણના ચિત્ર આપ્યા: ફ્રાંસ-જર્મની-સિંગાપોરના નેતાઓને કચ્છના ‘અકીકના બાઉલ’ અપાયા

નવી દિલ્હી: ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમીટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશના સમૃદ્ધ વારસાને રજૂ કરતી કલાકૃતિઓ અને પરંપરાગત વસ્તુઓ વિશ્વ નેતાઓને ભેટમાં આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોદીએ અમેરિકાના પ્રમુખ જો બાઈડનને હિમાચલના કાંગરાના પેઈન્ટીંગ ભેટમાં આપ્યા હતા, જે રાધા કૃષ્ણનો ‘શ્રૃંગાર રસ’ દર્શાવે છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને હાથવણાટની ‘માતાની પછેડી’ ની ગીફટ આપી હતી, જે દેવી માનું કપડા પરનું પેઈન્ટીંગ છે.

મોદીએ ઓસ્ટ્રેલિયાના વડા એન્થની આલ્બેનીઝને છોટા ઉદેપુરના રાઠવા કારીગરોએ તૈયાર કરેલા ‘પિઠોરા’ની કલાકૃતિ આપી હતી, જયારે ઈટલીને મહિલા વડા જયોર્જિયા મેલાનીને ભેટમાં ‘પાટણના પટોળાના દુપટ્ટા’ આપ્યા હતા.

ફ્રાન્સ, જર્મની અને સિંગાપોરના નેતાઓને મોદીએ ‘અકીકના બાઉલ’ની ભેટ આપી હતી, જે ગુજરાતના કચ્છ પ્રદેશ સાથે સંકળાયેલ પરંપરાગત હસ્તકલાની કલાકૃતિ છે.

વડાપ્રધાનને દેશના વિવિધ પ્રદેશો સાથે સંકળાયેલી કલાકૃતિ ગિફટ આપીને ભારતની સમૃદ્ધ અને પ્રાચીન વારસાને વૈશ્વિક ઓળખ આપવાની તેમની પરંપરા નિભાવી છે. આ વખતે તેમણે હિમાચલ પ્રદેશ અને ગુજરાત સાથે સંકળાયેલા પરંપરાગત કલાકૃતિ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જોગાનુજોગ ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જયારે હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન યોજાયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોદીએ યજમાન દેશ ઈન્ડોનેશિયાના વડાને સુરતના કુશળ ધાતુકારોએ બારીકાઈથી બનાવેલી અનોખી કલાકૃતિ સમાન સિલ્વર બાઉલ (ચાંદીનો કટોરો) અને હિમાચલ પ્રદેશની પ્રખ્યાત કિન્નોરી શાલ ભેટમાં આપી હતી. તેમણે સ્પેનના નેતાને હિમાચલ પ્રદેશના મંડી અને કુલ્લુ પ્રદેશોની પ્રખ્યાત પિતલની શરણાઈનો સેટ ભેટમાં આપ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement