► પ્રથમ વખત ત્રિપાંખીયા જંગની રસપ્રદ સ્થિતિ : આજે 15 કેન્દ્રીય મંત્રી અને ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ભાજપના 29 નેતાઓ 89 બેઠકો પર કેસરિયા પ્રચારનો પ્રારંભ કરશે : કાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રચાર રેલીઓ સંબોધશે
► આવતા સપ્તાહથી રાહુલ અને પ્રિયંકાનો સૌરાષ્ટ્રમાં વાયુવેગે પ્રચાર : અનેક વિધાનસભા બેઠકોને આવરી લેશે : સોનિયા ગાંધી પણ જોડાશે : આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલ પણ હવે ગુજરાતમાં વધુ ઝડપી પ્રવાસ કરશે : પંજાબમાંથી ‘આપ’ના હજારો કાર્યકર્તાઓ સૌરાષ્ટ્રથી સુરતમાં પહોંચી ગયા
રાજકોટ,તા. 18
સમગ્ર દેશનું ધ્યાન ખેંચનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે આજથી પ્રચારની આંધી ફૂંકાશે. એક તરફ ભારતીય જનતા પક્ષે તમામ 89 બેઠકો પર રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ સહિતના 29 નેતાઓને ગુજરાતમાં ઉતારીને ભાજપનો જબરો ક્રેઝ સર્જવાની તૈયારી કરી છે.
તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ તેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પુરી થયા બાદ હવે આજથી અનેક મત વિસ્તારોમાં સાયલન્ટ પ્રચારનો પ્રારંભ કર્યો છે અને આગામી સપ્તાહથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓ પણ ગુજરાતના પ્રવાસમાં જોડાઇ જશે. રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત રસપ્રદ ત્રિપાંખીયો જંગ ખેલાય રહ્યો છે અને તેમાં સૌથી મહત્વનું દિલ્હીની ચૂંટણી સતત બે વાર પ્રચંડ બહુમતીથી જીતીને હવે રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા ભણી જઇ રહેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલએ ગુજરાતને તેની ‘ઇનામદારીની રાજનીતિ’ની પ્રયોગશાળા બનાવવાનું શરુ કર્યું છે.
કોંગ્રેસ પક્ષ તેનું વજુદ બચાવી રાખવા માટે તેમજ ગુજરાતમાં મુખ્ય વિપક્ષ તરીકે યથાવત રહેવા માટે પણ જબરી બાજી લગાવી રહ્યું છે. આજે ભાજપના 29થી વધુ નેતાઓ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર પ્રચારનો પ્રારંભ કરશે જેમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ યોગી આદીત્યનાથ ઉપરાંત શિવરાજ ચૌહાણને પણ મેદાનમાં ઉતાર્યા છે.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા કચ્છ જિલ્લામાં આજે પ્રચાર કરશે જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાવનગર તેમજ સુરત, ઉતરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક ગીર સોમનાથ તાલાલા બેઠકોમાં પ્રચાર કરશે. બાદમાં આવતીકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
કોંગ્રેસ પક્ષનો પ્રચાર પણ આગામી સપ્તાહથી રંગ દેખાડશે. પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી તા. 21ના રોજ અને પ્રિયંકા ગાંધી તા. 25ના સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીનો પણ પ્રચાર કાર્યક્રમ નક્કી થઇ રહ્યો છે.
જ્યારે આમ આદમી પાર્ટી તરફથી આગામી દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ નિશ્ચિત થશે પરંતુ પંજાબ અને દિલ્હીમાંથી આપના હજારો કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ‘આપ’ માટે મહત્વની ગણાતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે પ્રચારમાં ઉતરી ગયા છે.