મોરબીમાં 17, વાંકાનેરમાં 13, ટંકારામાં પાંચ ઉમેદવાર વચ્ચે જંગ

18 November 2022 11:48 AM
Morbi Elections 2022
  • મોરબીમાં 17, વાંકાનેરમાં 13, ટંકારામાં પાંચ ઉમેદવાર વચ્ચે જંગ

જિલ્લાની ત્રણ બેઠક પર 30 ફોર્મ રદ-15 પરત ખેંચાયા: મોરબી-માળીયામાં બે-બે બેલેટ યુનિટ મૂકવા પડશે

મોરબી તા.18
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મોરબી જીલ્લામાં કુલ મળીને 80 આગેવાનો દ્વારા તેના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની મંગળવારે ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લાની ત્રણ બેઠક માટે જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી 30 ફોર્મ રદ કરવામાં આવેલ હતા ત્યાર બાદ જે ઉમેદવારોના ફોમ બાકી હતા તેમાંથી 15 ફોર્મ પરત ખેચવામાં આવેલ છે જેથી હજુ પણ જિલ્લાની ત્રણ બેઠક માટે 35 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધુ ઉમેદવારો મોરબી માળીયા બેઠક ઉપર છે.

મોરબી જિલ્લાની મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો તેમજ અન્ય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે 36, વાકાનેર કુવાડવા બેઠક માટે 26 અને ટંકારા પડધરી બેઠક માટે 18 ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાંથી મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે 10, વાકાનેર કુવાડવા બેઠક માટે 9 અને ટંકારા પડધરી બેઠક માટે 10 ઉમેદવારી પત્રોને રદ કરવામાં આવેલ હતા.

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી કાંતિલાલ અમૃતિયા, કોંગ્રેસમાંથી જંયતિભાઇ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી પંકજ રાણસરિયા મેદાનમાં છે ટંકારા પડધરી બેઠક માટે ભાજપમાંથી દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસમાંથી લલીતભાઈ કગથરા અને આમ આદમી પાર્ટીમાંથી સંજયભાઈ ભટાસણા ચૂંટણી લડી રહ્યા છે અને વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપમાંથી જીતુભાઈ સોમાણી, કોંગ્રેસમાંથી મહમદ જાવેદ પીરજાદા અને આમ આદમી પાર્ટીમાંથી વિક્રમ સોરાણી મેદાનમાં છેતેના સહિત ત્રણ બેઠક માટે કુલ 50 ઉમેદવારો મેદાનમાં હતા.

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે 26, વાકાનેર કુવાડવા બેઠક માટે 17 અને ટંકારા પડધરી બેઠક માટે 7 ઉમેદવાર હજુ પણ ચૂંટણીનાં જંગમાં હતા તા 17 ના રોજ ઉમેદવારોમાંથી ઉમેદવારી પત્રો ખેચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી 9, વાકાનેર કુવાડવા બેઠક ઉપરથી બે દિવસમાં 4 અને ટંકારા પડધરી બેઠક ઉપરથી બે ઉમેદવારે તેમાં ફોમ પાછા ખેચી લીધેલ છે મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે 17, વાકાનેર કુવાડવા બેઠક માટે 13 અને ટંકારા પડધરી બેઠક માટે 5 ઉમેદવાર મેદાનમાં છે અને મોરબી માળીયામાં સૌથી વધુ 17 ઉમેદવારો મેદાનમા હોવાથી બે બેલેટ યુનિટ મૂકવા પડશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement