રાજકોટ,તા.18
વિધાનસભા ચૂંટણીમાં અને ઉમેદવારી નોંધાવવાની તેમજ ફોર્મ ભરવાની પ્રક્રિયાની વચ્ચે ગુજરાતની નવસારી બેઠક પરથી પાસાના આરોપીએ નવસારી બેઠક પરથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.
નવસારી બેઠક પરથી રાજકોટ જેલમાંથી કેદી ઉમેદવાર બન્યો છે. રાજકોટની જેલમાં રહેલા પાસાના આરોપીએ નવસારી બેઠક પરથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. કેદીએ કલેક્ટરની મંજૂરી લઈ પોતાના વકીલ દ્વારા અપક્ષ માટેનું ફોર્મ ભર્યું છે. રાજકોટ જિલ્લામાં કુલ 65 ઉમેદવારો ચૂંટણી લડશે. રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવારો છે.
રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં કુલ 13 ઉમેદવારો છે. રાજકોટ દક્ષિણ બેઠકમાં કુલ 8 ઉમેદવારો મેદાને છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાં કુલ 11 ઉમેદવારો મેદાને છે. જસદણ બેઠક પર 6 ઉમેદવારો અને ગોંડલ બેઠક પર 4 ઉમેદવારો છે. જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવારો અને ધોરાજી વિધાનસભા બેઠક પર કુલ 7 ઉમેદવારો મેદાને છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં વિરોધના વંટોળ વચ્ચે બીજા તબક્કાની 93 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. કેટલાક બળવાખોર નેતાઓએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેમાં વાઘોડીયાથી મધુ શ્રીવાસ્તવ, પાદરાથી દિનુમામા, ધાનેરાથી માવજી દેસાઈ, ગાંધીનગરની દહેગામ બેઠક પરથી કામિનીબા તેમજ ખેરાલુમાં સાંસદના ભાઈ રામસિંહ ઠાકોરે પણ અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. બીજી બાજુ કોંગ્રેસે હાલોલ બેઠક પર છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. રાજેન્દ્ર પટેલે ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા ઉમેદવાર બદલવા પડ્યા છે.