સૌરાષ્ટ્રની 48 બેઠકો ઉપર 457 ઉમેદવારો વચ્ચે ખેલાશે કસોકસનો જંગ

18 November 2022 12:08 PM
Rajkot Elections 2022 Politics Saurashtra
  • સૌરાષ્ટ્રની 48 બેઠકો ઉપર 457 ઉમેદવારો વચ્ચે ખેલાશે કસોકસનો જંગ

નામાંકનપત્રો પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થવા સાથે જ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ રાજકીય ગરમાવો : ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે આરપારની લડાઇ : ટોચના નેતાઓના પ્રવાસ શરૂ..

રાજકોટ, તા. 18
ગુજરાત વિધાનસભાની આગામી તા.1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં નામાંકન પત્રો પરત ખેંચવાની મુદ્દત ગઇકાલે પૂર્ણ થતા જ સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 48 બેઠકોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનેલ છે. આ બેઠકો પર હવે 457 ઉમેદવારો વચ્ચે કસોકસનો ચૂંટણી જંગ ખેલાશે.

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ દ્વારા નામાંકન પત્ર પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થતા જ હરીફ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાની વિધાનસભાની આઠ બેઠકો પર 65 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

આવી જ રીતે જામનગર જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠક પર 28 ઉમેદવારોએ નામાંકનપત્રો પરત ખેંચી લેતા હવે 45 ઉમેદવારો વચ્ચે આરપારનો ચૂંટણી જંગ જામશે તેમાં કાલાવડની બેઠક પર પાંચ, જામનગર ગ્રામ્યની બેઠક પર 6, જામનગર ઉત્તરમાં 11, જામનગર દક્ષિણમાં 14 અને જામજોધપુર વિધાનસભાની બેઠક પર 9 મળી જિલ્લાની કુલ 5 બેઠક પર 45 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

જયારે જુનાગઢની 5 બેઠક પર 39 ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠક પર 34 ભાવનગરની 7 બેઠક પર 66, પોરબંદર જિલ્લાની 2 બેઠક પર 24, અમરેલીની 5 બેઠક પર 49, દ્વારકાની 2 બેઠક પર 24, બોટાદ જિલ્લાની બે બેઠક પર 19 અને સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક 57 ઉમેદવારો વચ્ચે ચૂંટણીની લડાઇ લડાશે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ ખેલાશે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે.

વેરાવળ
ગીર સોમનાથ જીલ્લાની ચાર વિધાનસભાની બેઠક ઉપર 41 ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા જેમાં ગઇકાલે પરત ખેચવાના દિવસે 7 ફોર્મ પરત ખેચાતા ચાર સીટ માટે 34 ઉમેદવારો ચુંટણી જંગમાં રહેલ છે. આ વખતની વિધાનસભાની ચુંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારોનો ખેલ અપક્ષ ઉમેદવારો બગાડી શકે તેવી શક્યતાઓ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે.

ગીર સોમનાથ જીલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના ચારેય બેઠક ઉપર લડવા માટે કુલ 66 ઉમેદવારી ફોર્મ ભરાયેલ જે તમામ ફોર્મોની ચકાસણી દરમ્યાન 25 જેટલા ફોર્મ અમાન્ય થતા જીલ્લાની ચારેય વિધાનસભાની બેઠકો ઉપર 41 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલ હતા જેમાં ગઇકાલે ફોર્મ પરત ખેચવાના દિને 7 ફોર્મ પરત ખેચાતા 34 ઉમેદવારો રહેલ છે. જિલ્લામાં સૌથી વધુ તાલાલા તથા ઉનામાં 10 - 10 અને સૌથી ઓછા કોડીનારમાં 5 અને સોમનાથમાં 9 ઉમેદવારો ચુંટણી જંગમાં રહેલ છે. ગીર સોમનાથ જીલ્લાની ચાર વિધાનસભાની બેઠકમાં સોમનાથ બેઠક ઉપર 9 ઉમેદવારો ચુંટણી જંગમાં રહેલ છે.

ગોંડલ
ગોંડલ વિધાનસભા બેઠકમાં પાંચ ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા હતા. ગઇકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે અપક્ષ ઉમેદવાર મુકેશભાઇ માંડણકાએ પોતાનું ફોર્મ પરત ખેચતા હવે ચૂંટણી મેદાનમાં ભાજપના ગીતાબા જાડેજા કોંગ્રેસના યતિષભાઇ દેસાઇ આમ આદમી પાર્ટીના નિમિષાબેન ખુંટ તથા અપક્ષ મુકેશભાઇ વરધાની વચ્ચે જંગ ખેલાશે.

ઉના
ઊના ગીરગઢડા તાલુકા વિધાનસભા 93 ની ચૂંટણીનું ચિત્ર ગઇકાલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સ્પષ્ટ થયું છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે શામજીભાઈ બોધાભાઈ સોલંકીએ પોતાનું ફોર્મ પરંત ખેંચતા ભાજપના ઉમેદવાર કાળુભાઇ ચનાભાઈ રાઠોડ તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર પુંજાભાઈ ભીમાભાઇ વંશ અને આપના ઉમેદવાર સેજલબેન ખુંટ વચ્ચે ત્રિકોણીયો જંગ થશે.

આ ઉપરાંત રાઈટ ટુ રીકોલ પાર્ટી ઈશ્વરભાઈ રામભાઇ સોલંકી, ભારતિય રક્ષક પાર્ટી પાચા ભાયા દમણીયા, રાષ્ટ્રીય સમાજ દળના શાંતિલાલ કિડેચા તેમજ 4 અપક્ષના ઉમેદવારો માનસિંહ બાલુભાઇ ગોહીલ, નિલેશભાઇ અનીલભાઇ ખોરાસી, ભાણજીભાઇ ખેતાભાઇ વાળા તેમજ બાલુભાઇ કરશનભાઇ વંશ આ વિધાનસભા ચૂંટણીમાં જંપ લાવેલ છે. ચૂંટણીના માહોલને બનાવવા તમામ પક્ષના નેતાઓ નાના મોટા વિવાદો મતભેદ દુર કરી સમાધાન કરી પોતાનાં ચૂંટણીના કામે લાગી જવાની સાથે જોરશોરથી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.

ભાવનગર
ભાવનગર શહેર અને જિલ્લાની 7 વિધાનસભા બેઠક માટે 84 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા બાદ ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા બે દિવસમાં કુલ 18 ઉમેદવારોએ તેમની ઉમેદવારી પરત ખેંચતા હવે કુલ 7 બેઠક માટે 66 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ભાવનગર શહેર અને જિલ્લાની 7 વિધાનસભા બેઠક માટે આગામી 1 ડિસેમ્બરના રોજ થનાર ચૂંટણી માટે કુલ 66 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારી ફોર્મ પરત ખેચવાના બે દિવસ દરમિયાન કુલ 18 ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. સૌથી વધુ ભાવનગર પશ્ચિમ બેઠક ઉપર 8 ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકમાં રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મળી કુલ 10 ફોર્મ માન્ય રહ્યા હતા, જે પૈકી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાવનગર પશ્ચિમમાં કુલ 23 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જે પૈકી 8 ફોર્મ પરત ખેંચાતા હવે 15 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જ્યારે ભાવનગર ગ્રામ્યમાં સૌથી ઓછા 7 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જે પૈકી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે માત્ર 6 ઉમેદવારો ચૂંટણી લડનાર છે.

જિલ્લાની મહુવા બેઠકમાં 12 પૈકી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 10 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તળાજા બેઠક પર 13 ઉમેદવારો પૈકી 3 ફોર્મ પરત થતા હવે 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. પાલીતાણા બેઠક ઉપર 8 પૈકી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે 7 ઉમેદવારો તેમજ ગારીયાધાર બેઠક ઉપર 11 ઉમેદવારો પૈકી એક ઉમેદવારે તેમનું ફોર્મ ખેંચતા હવે 10 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

જુનાગઢ
વિધાનસભાની સામાન્ય ચૂંટણીની ગઇકાલે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખમાં ચિત્ર સ્પષ્ટ થઇ સામે આવી ગયું છે. જુનાગઢ બેઠકમાં 9 ઉમેદવારો માણાવદર 7, માળીયાહાટીનામાં 5, કેશોદ 7, માંગરોળ 6 અને વિસાવદરમાં 5 સહિત કુલ 39 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં રહેવા પામ્યા છે.

જુનાગઢ બેઠક પર કોંગીના ભીખાભાઇ જોષી, ભાજપના સંજય કોરડીયા, બહુજન સમાન પાર્ટીના મયુરભાઇ હરીલાલ રાણવા, ભારતીય જન પરિષદના દિલીપભાઇ રણછોડભાઇ ગોરફાડ, આમ આદમી પાર્ટીના ચેતન હરસુખભાઇ ગજેરા, અપક્ષ ઘનશ્યામ હીંમતભાઇ મશરૂ, મમતાબેન જયંતીભાઇ બોતવાડીયા, શશીકાંત કરશનભાઇ રાવત અને હરેશભાઇ મનુભાઇ સરધારા મળી કુલ 9 ઉમેદવારોઓ મેદાનમાં છે.

કેશોદ બેઠક પર ભાજપ દેવાભાઇ માલમ (મંત્રી પશુપાલન) કોંગી હીરાભાઇ જોટવા, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ધનાભાઇ મુનાભાઇ આંત્રોલીયા, આમ આદમી પાર્ટી રામજીભાઇ બાબુભાઇ ચુડાસમા, અપક્ષ અરવિંદભાઇ લાડાણી (પૂર્વ ધારાસભ્ય ભાજપ) અલ્પેશભાઇ ચંદુભાઇ ત્રાંબડીયા અને લલીતભાઇ ડેડાણીયા સહિત સાત ઉમેદવારો મેદાનમાં છે.

માણાવદરની બેઠક પર કોંગી અરવિંદ લાડાણી, ભાજપ જવાહર ચાવડા, બહુજન સમાજ પાર્ટી દેવદાન કાનાભાઇ મુંછડીયા, આમ આદમી પાર્ટી કરશનભાઇ ભાદરકા. પરબતભાઇ ભીખાભાઇ કરંગીયા, મહેશ પરમાર અને ભાવીન શાંતિલાલ રાઠોડ સહિત સાત ઉમેદવાર મેદાનમાં છે.

માંગરોળની બેઠકમાં ભાજપના ભગવાનજીભાઇ કરગટીયા, કોંગીના બાબુભાઇ વાજા, બહુજન સમાજ પાર્ટીમાં હંસાબેન માકડીયા, આમ આદમી પાર્ટીમાં પિયુષભાઇ પરમાર, ઓઇ ઇન્ડીયા મજલીસ એ એતિહાફુલ મુસ્લિમના સુલેમાન મોહમદભાઇ પટેલ અને અપક્ષ હમીરભાઇ લક્ષ્મણભાઇ ધામાનો સમાવેશ થાય છે.

વિસાવદરની બેઠક પર કોંગ્રેસમાંથી કરશનભાઇ નારણભાઇ વાડોદરીયા, બહુજન સમાજ પાર્ટી મનસુખભાઇ વાઘેલા, ભાજપ હર્ષદભાઇ રીબડીયા (કોંગીમાંથી આવેલ ધારાસભ્ય) આમ આદમી પાર્ટી ભુપેન્દ્રભાઇ ભાયાણી અને અપક્ષમાં ઇકબાલ હબીબભાઇ સમા સહિત કુલ પ ઉમેદવારો મેદાનમાં રહેવા પામ્યા છે.

રાજકોટ જિલ્લાની 8 બેઠકો ઉપર 65 ઉમેદવારો
રાજકોટ-68માં 8, 69માં 13, 70માં 8, 71માં 11 તેમજ જસદણમાં 6, ગોંડલમાં 4, જેતપુરમાં 8 અને ધોરાજીની બેઠક પર 7 ઉમેદવારો
રાજકોટ જિલ્લાની વિધાનસભાની આઠ બેઠક પર નામાંકનપત્રો પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા જ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની ગયું છે. આ આઠ બેઠકો પર 6પ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

68-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવારો, 69-રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં કુલ 13 ઉમેદવારો, 70-રાજકોટ દક્ષિણ વિધાનસભામાં કુલ 8 ઉમેદવારો, 71-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિધાનસભામાં કુલ 11 ઉમેદવારો અને 7ર-જસદણ વિધાનસભામાં કુલ 06 ઉમેદવારો 73-ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 04 ઉમેદવારો, 74-જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવારો, 75-ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા માટે કુલ જિલ્લામાં 6પ ઉમેદવારો ચૂંટણી લડશે એવું અધિક ચૂંટણી અધિકારીએ જણાવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement