છેલ્લા પાંચ વર્ષથી વાહનોના વપરાશનું પ્રમાણ વધતા જીવલેણ અકસ્માતોની રોજિંદી ઘટનામાં થતો વધારો

18 November 2022 12:12 PM
Botad
  • છેલ્લા પાંચ વર્ષથી વાહનોના વપરાશનું પ્રમાણ વધતા જીવલેણ અકસ્માતોની રોજિંદી ઘટનામાં થતો વધારો

પારિવારિક, સામાજીક સ્તરે જાગૃતિ લાવવાની આવશ્યકતા

► વાહનોના વપરાશ પર લોકોએ સ્વયં નિયંત્રણ રાખવાની જરૂર છે

બોટાદ, તા. 18
દરેક શહેરમાં છેલ્લા પ થી 7 વર્ષના ગાળામાં ઉતરાયણ હોય, દશેરા હોય કે દિવાળી હોય વાહનોના શોરૂમવાળા અને ઉત્પાદકો ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનો ગીફટ સ્કીમના લાભો આપતા હોય છે. જયારે અમુક ચોકકસ મોડેલો બજારમાં મળતા નથી છતાં ટુ વ્હીલરને ફોર વ્હીલરની માંગ એટલી બધી વધી ગઇ છે. વાહનોનું બુકીંગ પણ કરાવવું પડે છે. અમુક રકમ (ડીપોઝીટ) આપે છે અત્યારે હાલનું જનરેશન વાહનો ઉપર ફીદા થઇ રહ્યું છે.

આવા સમયમાં વાહનો વધુ વેચાણથી પેટ્રોલ, ડિઝલ, ગેસનો વપરાશ ખુબ જ વધ્યો છે. વપરાશ વધારાના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવો કુદડે ને ભુસકે વધ્યા છે. પ્રદુષણ અને મોંઘવારી વધી છે. રોડ અને રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધવાથી સમસ્યા ગંભીર બની છે. હાલના સમયમાં છાપાના ફેરીયા પણ વાહન લઇ છાપાની ડીલીવરી કરી રહ્યા છે. જયારે એક જમાનો એવો હતો કે છાપાના ફેરીયા પગે ચાલીને હાથમાં છાપા રાખીને ઘરે ઘરે પહોંચાડતા હતા ત્યારબાદ સાયકલ પર થેલા રાખીને છાપા ઘરે ઘરે પહોંચાડતા હતા અને આજે વાહનો દ્વારા ડીલેવરી થાય છે.

જીવલેણ અકસ્માતો રોજિંદી ઘટના બની રહ્યા છે જે આગળના દિવસોમાં વધશે અકસ્માતમાં લોકોના અંતરીયાળ મોતના કરૂણ બનાવો વધતા જાય છે. આ ગંભીર બનતી સમસ્યા અટકાવવાનું અશકય બન્યું છે. ત્યારે વાહનોનો આડેધડ વપરાશ વધી રહ્યો છે.

સુખી સંપન્ન કુટુંબોમાં જેટલા ઘરના સભ્યો તેટલા વાહનો જોવા મળે છે. થોડા અંતરે ચાલીને જવામાં કે સાયકલના ઉપયોગ કરવામાં શરમ આવે છે કે આળસ થાય છે.
અમરેલી શહેરમાં ઘણા વર્ષો પહેલા એક અઠવાડિયામાં એક દિવસ ધારાસભ્ય સહિત મોટા ભાગના લોકો સાયકલનો ઉપયોગ કરતા હતા અને પેટ્રોલ ડિઝલનો બચાવ કરવાની કોશીશ કરતા હતા. ભારતના દરેક નાગરિકે અઠવાડિયા એક દિવસ વાહનોનો ઉપયોગ બંધ રાખવો જોઇએ.

આર.ટી.ઓ. વાળાએ વાહનોના લાયસન્સ આપવામાં પુરતી કાળજી રાખવી જોઇએ. તેવી શહેરમાં ચર્ચાઓ થાય છે. ઘણી જ જગ્યાએ ઘરે બેઠા ટુ વ્હીલરના લાયસન્સો મળી જાય છે. તો આ .પ્રેશ્ન ઘણો ગંભીર છે. વાહનોના લાયસન્સ આપતા સમયે પુરેપુરી ચકાસણી કરવાની જરૂર છે. ઘણા જ અકસ્માતો ડ્રાઇવરો ડ્રાઇવીંગની ભુલના કારણે થાય છે. ઓછી આવડતવાળો ડ્રાઇવરને લાયસન્સ આપતી વેળાએ સતાવાળાઓએ પુરેપુરી ખાતરી કે ચકાસણી કરીને લાયસન્સ ઇશ્યુ કરવા જોઇએ તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

છેલ્લે વાહનોના વધતા વેચાણ અને તેના આડેધડ ઉપયોગથી અનેક બાબતો વિચાર માંગી લે તેવી છે. આ બાબતે પારીવારીક-સામાજીક સ્તરે જાગૃતિ લાવવાનો સમય પાકી ગયો છે. અંતરીયાળ કોઇની જીંદગી જોખમાય નહીં પ્રદુષણ વધે નહીં ખોટા ખર્ચા વધે નહીં પેટ્રોલ, ડીઝલ કે ગેસનો દુવ્યર્થ થાય નહીં માટે વાહનોના વપરાશ ઉપર લોકોએ સ્વયં નિયંત્રણ રાખવાની જરૂર હોય તેમ જણાય છે.


Advertisement
Advertisement
Advertisement