અમદાવાદ, તા. 18
ગુજરાત વિધાનસભાની 182 બેઠકની તા.1 અને 5 ડિસેમ્બરે બે તબકકામાં યોજાનારી ચૂંટણી માટે શાસક ભાજપ તમામ મહેનત કરી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા ભાજપ દ્વારા સંવાદ, સંકલ્પ અને સત્યનારાયણની કથા સાથે મહિલા મોરચાની તાકાત વધારવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. મહિલા મોરચા દ્વારા બુથ લેવલે સત્યનારાયણની કથાઓ શરૂ કરાઇ છે.
પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દિપીકા સર્વદાએ કહ્યું હતું કે ગુજરાતમાં 50 ટકા મહિલા મતદાર છે. તેમનો સંપર્ક, અપેક્ષાઓ જાણવી, સંવાદ સ્થાપિત કરવો અને વિવિધ કાર્યક્રમોનું સંચાલન કરવાની જવાબદારી મોરચો ઉપાડી રહ્યો છે. ભાજપ તરફથી જાહેર થનારા સંકલ્પ પત્રની માહિતી એકત્ર કરવાના હેતુથી મહિલા મોરચાના સભ્યો દરેક મંડળના દરેક બુથ પર શકિત કેન્દ્રોમાં સત્યનારાયણની કથા સંભળાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇને તાકાત મળે તે માટે આ આયોજન કરાયું છે.
છેલ્લા પાંચ દિવસથી મહિલા મતદારોની આશાઓની માહિતી એકત્ર કરાઇ રહી છે. બનાસકાંઠાના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ 10 હજાર મહિલા પશુ પાલકોની મુલાકાત લીધી હતી. સ્મૃતિ ઇરાનીએ કોલેજના છાત્રો સાથે સંવાદ કર્યો હતો. મહિલા મોરચો સંકલ્પ પેટી સાથે દરેક ગામમાં જઇ રહ્યો છે.
જુદા જુદા રાજયના મહિલા મોરચાના કાર્યકરો પણ ગુજરાતમાં પહોંચીને પ્રચારમાં લાગ્યા છે. બુથ લેવલે નાના નાના ગ્રુપમાં રામસેતુની જેમ સંપર્ક સેતુ બનાવવામાં આવી રહ્યો છે. આ અડધી મહિલા વસ્તીના ઉત્થાન વગર દેશનો વિકાસ શકય નથી. આથી ગુજરાતી તમામ બહેનો આ અભિયાનમાં જોડાઇ રહી છે.