ભાજપને માંડ 70 બેઠક મળશે, કોંગ્રેસની સરકાર બનશે: જગદીશ ઠાકોર

18 November 2022 12:20 PM
Rajkot Elections 2022 Politics
  • ભાજપને માંડ 70 બેઠક મળશે, કોંગ્રેસની સરકાર બનશે: જગદીશ ઠાકોર

♦ રાહુલ ગાંધીની સભાની તૈયારી માટે સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ રાજકોટમાં

♦ કોંગ્રેસને તોડવાના પ્રયાસમાં ભાજપનુ પોતાનુ ઘર જ સળગ્યુ છે: ભ્રષ્ટાચાર-મોંઘવારીથી લોકો છુટકારો ઝંખે છે: પ્રદેશપ્રમુખના પ્રહાર

રાજકોટ,તા.18
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જ બહુમતી સાથે સરકાર રચાશે. મોંઘવારી-ભ્રષ્ટાચાર સહિતના દુષણોથી થાકી ગયેલા મતદારો ભાજપને જાકારો આપશે. ભાજપને માંડ 70 બેઠકો જ મળશે. જયારે આમ આદમી પાર્ટી અત્યારે પણ કયાંય દેખાતી નથી.

21મીએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની રાજકોટમાં રેલી છે તેનું આયોજન ગોઠવવા તથા તૈયારીની સમીક્ષા કરવા આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ‘સાંજ સમાચાર’ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીની રાજકોટ રેલીથી સમગ્ર રાજયમાં કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોને નવો જુસ્સો મળશે અને વધુ તાકાત મળશે.

રાજકોટ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ તેઓની આજ દિવસે જાહેરસભા યોજાવાની છે. રાહુલની જાહેરસભાની તૈયારીના ભાગરૂપે આવતીકાલથી રાજયના સીનીયર નેતાઓ રાજકોટમાં કેમ્પ કરશે. જાહેરસભામાં હજારો લોકોની સ્વયંભુ હાજરી થવાનો તેઓએ દાવો કર્યો હતો.

ગુજરાતની વિધાનસભાના ચૂંટણી ચિત્ર વિશે તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ગત ટર્મ કરતા પણ કોંગ્રેસની બેઠક વધશે. સૌરાષ્ટ્ર-કચ્છે કોંગ્રેસને ભરપુર મત આપ્યા હતા. આ વખતે મતની ટકાવારીમાં વધુ વધારો થશે એટલું જ નહીં બેઠકો પણ વધશે.

માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં, સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ તરફી મહોલ જામેલો છે. રાજયમાં આ વખતે કોંગ્રેસની જ સરકાર બનશે અને 125 બેઠકો પર જીત મળશે. તેઓએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે બેફામ ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી પ્રજા થાકી ગઈ છે. ઉપરાંત ટીકીટ વ્હેંચણીથી ભાજપમાં આંતરિક ઝઘડાનો લાભ મળશે.

કોંગ્રેસના નેતાઓ-ધારાસભ્યોને સામેલ કરીને ભાજપે તેમને ટીકીટ આપવી પડી છે. મૂળ ભાજપી નેતાઓ કપાયા છે. કોંગ્રેસને તોડવાના પ્રયાસમાં ભાજપનુ જ ઘર સળગ્યુ છે. છાનેખુણે ભાજપ નેતાઓ જ એમ કહે છે કે આ વખતે જીતનું વાતાવરણ નથી.

જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, રામકીશન ઓઝા વગેરેએ રાજકોટના કોંગ્રેસ આગેવાનો સાથે લાંબી બેઠક પણ કરી હતી. 21મીએ રાજકોટ આવતા રાહુલ ગાંધીની જાહેરસભા માટે જવાબદારી સોંપી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement