મોરબી તા.18
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ સરતાનપર ચોકડી નજીક ગોજારો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહનના ચાલકે ઓટો રિક્ષાને હડફેટ લેતા રીક્ષા ચાલક એવા સૈયદ આધેડનું માથાના ભાગે વાહનના તોતીંગ વ્હીલ ફરી વળતા કમકમાટીભર્યું મોત નીપજયુ હતું.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ સરતાનપર ચોકડી પાસે આવેલા તુલસી પેટ્રોલ પંપ પાસેથી પોતાની ઓટો રીક્ષા નંબર જીજે 36 યુ 1119 લઈને જઈ રહેલા અકબરમિંયા હૈદરમિંયા કાદરી જાતે સૈયદ (ઉમર 55) નામના ઓટો રીક્ષા ડ્રાઇવરની રીક્ષાને ગઇકાલે વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધી હતી
ઓટો રિક્ષા રેલિંગ સાથે અથડાઈ હતી અને રિક્ષાના ચાલક અકબરમિંયા કાદરી રોડ ઉપર પડી ગયા હતા ત્યારે અજાણ્યા વાહનનું ટાયર તેઓના માથા ઉપરથી ફરી વળતા ઘટના સ્થળે આ આધેડનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકના ભાઈ બસીરમિંયા સૈયદએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરી છે.
એસિડ પી જતા
રફાળેશ્ર્વર ગામે રહેતી દમયંતીબેન રમેશભાઈ ચૌહાણ નામની 32 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર એસિડ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી તાલુકા પોલીસના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ઘુંટુ ગામે રહેતા વંદનાબેન રમેશભાઈ વિજુંવાડીયા નામની 26 વર્ષીય મહિલાને રામરાજ હોટલ નજીક અજાણ્યા બાઇક ચાલકે હડફટે લેતા સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે કુબેર સિનેમા નજીક યોગીનગર વિસ્તારમાં રહેતા પ્રેમીલાબેન ઉન્નીક્રિષ્ના નૈર નામની મહિલાને જૂની ઓરિએન્ટલ બેંક પાસે ત્રાજપર ચોકડી નજીક અજાણી બાઇકના ચાલાકે હડફેટે લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.