વેરાવળનાં ડારી ટોલબુથ ઉપર આપ પાર્ટીનાં ઉમેદવારની દબંગગીરી: બેરેક હટાવવાનું કહી કર્મચારીને ફડાકા ઝીંકયા

18 November 2022 12:43 PM
Veraval
  • વેરાવળનાં ડારી ટોલબુથ ઉપર આપ પાર્ટીનાં ઉમેદવારની દબંગગીરી: બેરેક હટાવવાનું કહી કર્મચારીને ફડાકા ઝીંકયા

સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ: ઉમેદવાર જગમાલ વાળા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ: સમગ્ર પથંકમાં ચકચાર જાગી

વેરાવળ,તા.18
વેરાવળ નજીક આવેલ ડારી ટોલબુથ ઉપર સોમનાથ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમાલભાઇ વાળા એ ટોલબુથના કર્મચારીને ફડાકા ઝીકી દીધા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી ફુટેજો સામે આવતા પ્રભાસ પાટણ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ નજીક હાઈવે ઉપર આવેલ ડારી ટોલબુથ ઉપર ફરજ બજાવતા ટોલકર્મી ધરમ રાણાભાઈ વાજા એ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે, બે દિવસ પૂર્વે મોડી રાત્રીના સમયે વ્હાઈટ કલરની નં.9133 મોટર કારમાં આમ આદમી પાર્ટીના સોમનાથ બેઠકના ઉમેદવાર જગમાલભાઇ વાળા ટોલબુથ ઉપર પહોંચેલ તે સમયે તેની આગળની મોટર કાર પસાર થવામાં થોડો સમય લાગ્યો હતો.

ત્યારે નં. 9133 મોટર કારમાંથી નીચે ઉતરીને કહેલ કે, હું જગમાલ વાળા છું અને તમો મારી ગાડી આવવાની હોય ત્યારે જ કેમ બેરેક રખાય તેમ કહીને બેએક ફડાકા ઝીકી દઈ અપશબ્દો બોલેલ હતા. બાદમાં મોટર કાર લઈ નીકળી ગયા હતા. આ બનાવમાં જગમાલ વાળાએ કરેલી સમગ્ર ઘટના ટોલબુથના સીસીટીવી કેમેરાઓમાં કેદ થયેલ અને જેમાં જોવા મળેલ મુજબ ટોલબુથ ઉપરનું ડિવાઈડર હટાવવા જેવી બાબતે એક મોટર કારમાંથી ઉતરેલ શખ્સે નીચે ઉતરી ટોલકર્મીને ફડાકા મારતો જોવા મળે છે. આ સીસીટીવી ફુટેજો અને ઉપરોક્ત વિગતો સાથે ટોલકર્મીએ ફરીયાદ કરતા પ્રભાસ પાટણ પોલીસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમાલભાઇ વાળા સામે આઈપીસી કલમ 323 અને 504 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પીઆઈ ગોહિલે જણાવેલ છે.


Advertisement
Advertisement
Advertisement