► ભેંસાણામાં આરોપીનું મોઢું કાળુ કરી સરઘસ કાઢયાના ગુનામાં એક વર્ષની સજાનો હુકમ થયા બાદ બી.પી. સોનારા સામે ખાતાકીય તપાસ કર્યા પછી ડીજીપીના આદેશથી ફોજદાર બનાવી મોરબી હેડ ક્વાર્ટરમાં મુકાયા
મોરબી તા.18
સતત વિવાદમાં રહેલા પોલીસ અધિકારી બી.પી. સોનારા સામે ડાઉન ગ્રેડની કાર્યવાહી થઈ છે. ડીજીપી આશિષ ભાટિયાના આદેશથી તેમને પીઆઈમાંથી 3 વર્ષ માટે પીએસઆઈ બનાવી દેવાયા છે અને હાલ ચૂંટણી કામગીરી ચાલતી હોવાથી તેઓને સાઈડ પોસ્ટ એટલે કે હેડ ક્વાર્ટરમાં મૂકી દેવાયા છે.
પી.બી. સોનારાએ વેલેન્ટાઈનડેના દિવસે છેડતીના મુદ્દે યુવાનનું મોઢુ કાળુ કરી મુછ કાઢી મુંડન કરી ભેંસાણની બજારમાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પ્રકરણમાં કોર્ટમાં જતા બી.પી. સોનારા અને ત્રણ પોલીસ મેનને 2017માં ભેંસાણ કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી જે સજાનો હુકમ જૂનાગઢ સેસન્સ કોર્ટે કાયમ રાખ્યો હતો.
એ બાદ ડીજીપીને રિપોર્ટ કરવામાં આવતા ખાતાકીય તપાસના અંતે પોલીસ ઈન્સ્પેક્ટર બી.પી. સોનારાને કસુરવાન ઠેરવી ત્રણ વર્ષ માટે ફોજદાર બનાવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે અને ગઈકાલ રાત્રે હુકમની બજવણી પણ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે, બી.પી. સોનારા છેલ્લે વાંકાનેર સીપીઆઈ તરીકે ફરજમાં હતા. હાલ વિધાનસભાની ચુંટણીના કારણે આચારસંહિતા હોય પીએસઆઈ બી.પી. સોનારાને મોરબી હેડક્વાર્ટર ખાતે મુકી દેવામાં આવ્યા છે. અહીં તેઓને જિલ્લા કંટ્રોલ રૂમની કામગીરી સોંપવામાં આવી છે. પી.આઈ. સામે આ કાર્યવાહી થતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે.