સોમનાથના દરિયામાં શંકાસ્પદ બોટનો પીછો: નેવી-કોસ્ટગાર્ડની જ મોકડ્રીલ

18 November 2022 12:44 PM
Veraval
  • સોમનાથના દરિયામાં શંકાસ્પદ બોટનો પીછો: નેવી-કોસ્ટગાર્ડની જ મોકડ્રીલ

મરીનની સ્પીડ બોટમાં એસઓજીની ટીમ દોડી

વેરાવળ તા.17
ગીર સોમનાથ જીલ્લાના દરીયા કીનારાની સુરક્ષા ચકાસવા માટે મોકડ્રીલ યોજાયેલ જેમાં દરીયામાં પેટ્રોલીંગ કરી રહેલ ત્યારે શંકાસ્પદ બોટ ઉપર નજર પડતા તુરંત તેનો પીછો કરી પકડી કિનારા ઉપર લાવી ચેકીંગ હાથ ધરી શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ કરતા મોકડ્રીલ હોવાનું જાહેર થવાથી સુરક્ષા એન્જસી અને પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો.

રાજ્યના લાંબા દરીયા કિનારાની સુરક્ષાની ચકાસવા માટે સી વિજીલ-2022 મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ મોકડ્રીલ કવાયતમાં કોસ્ટલ સિકયુરીટી વ્યવસ્થાને હાઇએલર્ટ ઉપર રાખી પોલીસ ઉપરાંત ઇન્ડીયન નેવી, કસ્ટમ, કોસ્ટગાર્ડ, જી.એમ.બી., ફીશરીઝ વિગેરે એજન્સીઓ ભાગ લઈ છે. આ કવાયતમાં રેડફોર્સની ફરજમાં રહેલ અધિકરી, કર્મચારીઓ દ્વારા રાજ્યના લાંબા દરીયા કિનારા પર આવેલ અગત્યના સરકારી સંસ્થાનો, ધાર્મિક સ્થળો, ઓધૌગીક એકમો સહિતના કોઇપણ સ્થળે દરીયાઇ બોટ કે અન્ય વાહન મારફત એટેક કરવાનો પ્રયાસ કરે છે.

આ કવાયત બે દિવસથી ચાલી રહી હતી.દરમ્યાન ગત રાત્રીના સમયે વેરાવળના દરિયામાં એક શંકાસ્પદ માણસો સાથેની બોટ ફરી રહી હતી અને આ સમયે દરીયામાં સોમનાથ મરીનની સરકારી સ્પીડ બોટમાં એસ.ઓ.જી. ના પીઆઈ એ.બી.જાડેજા, પીએસઆઈ કે.ડી.કરમટા, વેરાવળ પીઆઈ એસ.એમ.ઈશરાણી સ્ટાફ સાથે દરીયામાં પેટ્રોલીંગ કરી રહેલ અને તેઓની નજર શંકાસ્પદ બોટ ઉપર પડતા જ તુરંત તેનો પીછો કરીને પકડી પાડયા બાદ કિનારા ઉપર લાવવામાં આવેલ અને ચેકીંગ હાથ ધરીને તેમા રહેલ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ કરતા ઇન્ડીયન નેવી તથા કોસ્ટગાર્ડના રેડફોર્સનો સ્ટાફ હોવાનું અને તેઓ વેરાવળ બંદર જેટી ઉપર એટેક કરવાના પ્લાન સાથે આવેલ હોવાનું જાણવા મળેલ હતું.

આ કવાયત મોકડ્રિલ હોવાનું અંતે જાહેર થતા સુરક્ષા એન્જસી અને પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો. તો દરીયાઇ સુરક્ષા અંગે ગીર સોમનાથ પોલીસ તંત્ર સાબદુ અને સતર્ક હોવાની પ્રતિતિ પોલીસ સ્ટાફે કરાવી હતી.


Advertisement
Advertisement
Advertisement