(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ,તા.18
ગુજરાતના આંગણે વિધાનસભા ચૂંટણીનું મહાપર્વ આવી પહોંચ્યુ છે અને ગીર સોમનાથ જિલ્લામાં તા.01/12/2022ના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે જિલ્લાની ચાર વિધાનસભાના મતવિસ્તાર માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. સમગ્ર જિલ્લામાં આચારસંહિતા અમલી છે ત્યારે તંત્ર દ્વારા વાહનોની સઘન તપાસ, રોકડ રકમની હેરફેર અટકાવવા સહિતના પગલા લેવાની કામગીરી અંગે આચારસંહિતાને અનુરૂપ વિવિધ ક્ષેત્રીય કામગીરી કરવામાં આવી રહી છે.
નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક લેવડદેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લાની 90 સોમનાથ, 91 તાલાળા, 92 કોડીનાર (એસ.સી), 93 ઉના આ ચારે મતવિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, વીડિયો વ્યૂઈંગ ટીમ, વીડિયો સર્વેલન્સ ટીમ કાર્યરત છે.ગીર સોમનાથમાં ડારી પાટીયા, તાલાળા બાયપાસ તેમજ સોમનાથ બાયપાસ પાસે જ્યારે તાલાળામાં ઘંટીયા-પ્રાંચી ફાટક, રાખેજ ફાટક, માધુપુર ચોકડી, ચિત્રોડ ચોકડી પાસે, કોડીનારમાં પેઢાવાડા, ડોળાસા અને રોણાજ ચોકડી પર જ્યારે ઉનામાં ગાંગડી ચેકપોસ્ટ, કેસરીયા તેમજ ગીરગઢડા ચેકપોસ્ટ અને અહેમદપુર-માંડવી રોડ પર ચેકપોસ્ટ પર સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત છે.