રાજકોટ, તા.18
ચૂંટણીને કારણે અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો પ્રચાર-પ્રસાર વેગવંતો બની જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે ત્યારે અલગ-અલગ જિલ્લાઓમાં આજે ભાજપ નેતાઓની અલગ-અલગ જિલ્લાઓમાં સભા યોજાઈ હોવાથી દિલ્હીથી ચાર્ટર પ્લેન મારફતે તમામનું રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરાણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જેના કારણે આજે એરપોર્ટ આખો દિવસ વ્યસ્ત રહ્યું હોય તેમ સવારથી લઈ સાંજ સુધી ચાર્ટર પ્લેન, હેલિકોપ્ટર અને મુસાફરોની ફ્લાઈટની સતત અવર-જવર રહેવા પામી હતી. એકંદરે આજના એક જ દિવસમાં 19 જેટલા વિમાન રાજકોટમાં આવ્યા હોવાનું અને અહીંથી જ ઉડાન ભરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ આવી પહોંચ્યા બાદ અહીંથી બીજા ચાર્ટર પ્લેન મારફતે માણાવદર પહોંચ્યા હતા. આવી જ રીતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજકોટથી મોરબી જવા માટે ઉડાન ભરી હતી. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાંજે ચાર્ટર ફ્લાઈટમાં રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીંથી ચાર્ટર પ્લેન મારફતે કચ્છ પહોંચ્યા હતા.
આવી જ રીતે કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંઘ હેલિકોપ્ટર મારફતે રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીંથી પોરબંદર માટે રવાના થયા હતા. તેમની પોરબંદર ઉપરાંત ગોંડલમાં પણ સભા યોજાશે. આ ઉપરાંત આઠ જેટલી ફ્લાઈટ જે દૈનિક રાજકોટ અવર-જવર કરે છે તેનું પણ રાબેતા મુજબ સંચાલન થયું હોવાથી રાજકોટે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 19 જેટલી ફ્લાઈટનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા હોવાથી તેઓ પણ રાજકોટ એરપોર્ટ પર જ ઉતરાણ કરીને અન્ય સ્થળ ઉપર પહોંચશે ત્યારે તે અંગેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ આજે રાજકોટમાં સભાને સંબોધન કરવાના હોવાથી તેઓ માટે પણ ખાસ ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
બીજી બાજુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર વધુ બળવત્તર બનશે ત્યારે આગામી દિવસોમાં પણ એરપોર્ટ અત્યંત વ્યસ્ત રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે આટઆટલી ફ્લાઈટનું સંચાલન કરવા છતાં મુસાફરો માટેની એક ફ્લાઈટને પણ રિ-શેડ્યુલ મતલબ કે મોડી-વહેલી કરવી પડી નહીં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને અત્યારે એરપોર્ટ ઉપર વધુ એક એપ્રન તૈયાર થઈ ગયું હોવાથી ચાર્ટર પ્લેન તેમજ મુસાફરોની ફ્લાઈટનું ઉતરાણ તેમજ ઉડાન શક્ય બન્યા છે.