► ભાજપના રતલામના ધારાસભ્યના નામે લખાયેલો પત્ર મધ્યપ્રદેશ પોલીસને મળતા જ એલર્ટ: કોંગ્રેસના પુર્વ મુખ્યમંત્રી કમલનાથને ગોળીએ ઉડાવાશે: પત્રમાં ઈન્દીરાનો પણ ઉલ્લેખ
ભોપાલ તા.18
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તા.23 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવશશે તે સમયે રાહુલ ગાંધીની હત્યા કરવાનો અને યાત્રામાં બોમ્બ વિસ્ફોટ સર્જવાનો ધમકીભર્યો પત્ર મળતા જ રાહુલ ગાંધીની સુરક્ષા કમાન્ડો તેમજ મધ્યપ્રદેશ પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
રાહુલ ગાંધી હાલ મહારાષ્ટ્રમાં તેમની ભારત જોડો યાત્રા આગળ વધારી રહ્યા છે અને મૂળ યોજના મુજબ તા.20 નવેમ્બરે તે મધ્યપ્રદેશમાં પ્રવેશવાની હતી પરંતુ ગુજરાત ચૂંટણીમાં રાહુલ ગાંધી પ્રચાર માટે આવી રહ્યા હોય હવે તા.23 નવેમ્બરે આ યાત્રા પુન: શરુ થશે અને મધ્યપ્રદેશમાં પ્રવેશશે તે સમયે એક ધમકીભર્યો પત્ર ભાજપના ધારાસભ્ય ચૈતન્ય કશ્યપના નામ પર લખાયો છે.
જેમાં રાહુલ ગાંધીની હત્યા કરવાનો અને યાત્રામાં અનેક સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી છે તથા શિખ રમખાણ માટે જવાબદાર કોંગ્રેસના નેતા અને પુર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ ગોળીએ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
પોલીસે આ પત્રની તપાસ શરુ કરી છે. આ પત્ર ગઈકાલે જુના ઈન્દોર થાણા ક્ષેત્રમાં મળ્યો હતો. એક વ્યાપારીક પ્રતિષ્ઠાન પર આ ધમકીભર્યો પત્ર આવ્યો હતો અને તે સ્થાનિક પોસ્ટ ઓફિસમાં પોસ્ટ થયો છે. જેમાં ઈન્દીરા ગાંધી અને કમલનાથનો પણ ઉલ્લેખ છે તથા જણાવ્યું કે ઈન્દોરમાં અનેક સ્થળોએ વિસ્ફોટ કરવામાં આવશે અને તેનાથી પુરો ઈન્દોર ધ્રુજી ઉઠશે તેમજ રાહુલ ગાંધીની યાત્રા દરમ્યાન હુમલો કરાશે અને રાહુલ ગાંધીને પણ તેના પિતા રાજીવ ગાંધી પાસે મોકલી અપાશે.
રતલામના ભાજપના ધારાસભ્યના નામે લખાયેલા પત્રમાં જો કે આ ધારાસભ્યોને કોઈ લાગતુ વળગતુ નથી તેવી પોલીસે સ્પષ્ટતા કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.