રાજકોટ-70માં ભાજપનું નામ જુનુ પણ ઉમેદવાર નવા : ત્રણ લેઉવા પટેલ વચ્ચે ટકકર

18 November 2022 05:04 PM
Rajkot Elections 2022 Politics
  • રાજકોટ-70માં ભાજપનું નામ જુનુ પણ ઉમેદવાર નવા : ત્રણ લેઉવા પટેલ વચ્ચે ટકકર

♦ વિધાનસભાની દક્ષિણ બેઠક પરથી સીટીંગ ધારાસભ્યને કાપી ઉદ્યોગપતિ રમેશભાઇ ટીલાળાને ટીકીટ આપી કમળના નામે જ ચૂંટણી જીતવા ભાજપની રણનીતિ

♦ રમેશભાઇ ટીલાળાનું નામ વેપાર-ધંધામાં વધુ, પક્ષ અને લોકોમાં ઓછું જાણીતું : નવા ઉમેદવારને જીતાડવાની જવાબદારી જુના નેતાઓ અને કાર્યકરો ઉપર વધુ

♦ કોંગ્રેસના હિતેષ વોરા જિલ્લામાંથી આવે છે : ઇતિહાસ ફેરવવાનો મોટો પડકાર : કોઠારીયા રોડના વોર્ડ નં.17-18, જુના રાજકોટના વોર્ડ નં.13-14 નિર્ણાયક

♦ કોઇ એક જ્ઞાતિની મોનોપોલી નથી : લેઉવા પટેલ, લોહાણા, કડિયા, રાજપૂત, પ્રજાપતિ, મુસ્લિમ સહિતના મતોના આધારે ભાજપ જીતતો આવ્યો છે : ત્રણે પક્ષને રહેશે દોડાદોડી

♦ રાજકોટ ગ્રામ્ય કોંગે્રસમાંથી આવતા હિતેષ વોરાને પણ મતદારો વચ્ચે ઓળખ ઉભી કરવામાં પગે પાણી ઉતરી જશે

રાજકોટ, તા. 18
રાજકોટની વિધાનસભાની ચાર બેઠકની ચૂંટણી માટે તમામ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે 2,58,447 મતદાર ધરાવતી રાજકોટ-70 (દક્ષીણ)ની બેઠક પર ભાજપે આ વખતે સીટીંગ ધારાસભ્યને રજા આપીને નવા ઉદ્યોગપતિ ઉમેદવાર રમેશભાઇ ટીલાળાને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે જિલ્લાના પૂર્વ પ્રમુખ હિતેષ વોરાને ટીકીટ આપી છે. તો પ્રથમ વખત ચૂંટણી જંગમાં ઉતરનાર આમ આદમી પાર્ટીએ શિવલાલ બારસીયાને વહેલા ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હોય, અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પણ પ્રચાર શરૂ કરી દીધો છે.

દક્ષિણની આ બેઠકમાં સૌથી મોટા વોર્ડ નં.17, 13, 14 રહ્યા છે. વોર્ડ નં.17 અને 8નો પણ એક પાર્ટ આવે છે તો વોર્ડ નં.7ના પણ મતદારોની સંખ્યા નોંધપાત્ર રહેલી છે. આ વિધાનસભા મતક્ષેત્ર સામાન્ય રીતે ભાજપ સાથે રહેલો છે. આ મત વિસ્તારમાં સામેલ તમામ વોર્ડના કોર્પોરેટરો ભાજપના છે. તો કુલ મતદારો પૈકી કોઠારીયા રોડના 82 હજાર જેટલા મતદારો આ વખતે પણ નિર્ણાયક બને તેમ છે.

પૂરા રાજકોટમાં આ બેઠક પર ભાજપના આગેવાનો અને કાર્યકરોને પોતાના ઉમેદવારનું નામ સૌથી નવું લાગ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ જેટલી મજબુત રીતે વેપાર-ધંધા સાથે જોડાયેલા છે એટલા સક્રિય રીતે જાહેરમાં ભાજપના કાર્યક્રમો સાથે અગાઉ કયારેય જોડાયેલા રહ્યા નથી. તેમની ટીકીટ ખોડલધામ ફેકટરના કારણે પણ ફાઇનલ થયાની ચર્ચા હતી. રમેશભાઇ ટીલાળાનું નામ જાહેર થતા ન માત્ર સીટીંગ ધારાસભ્ય પરંતુ વર્ષોથી ટીકીટની લાઇનમાં રહેલા અર્ધો ડઝન નેતાઓના અરમાનો પર પાણી ફરી ગયું હતું. આ મતક્ષેત્રમાં ભાજપનો સંપર્ક અને પ્રચાર જોરશોરથી શરૂ થઇ ગયો છે, પરંતુ એક મોટા કાર્યકર વર્ગના મગજમાંથી હજુ જુના નેતાઓ નીકળતા નથી.

આ મતક્ષેત્રમાં ભાજપે ઉમેદવાર કરતા કમળના નામે વધુ મત માંગવાના છે. વિધાનસભામાં સામેલ તમામ વોર્ડમાં ભલે ભાજપના કોર્પોરેટર રહ્યા પરંતુ ત્રણ-ચાર વોર્ડમાં ભાજપના ઘર પણ ઘણી વખત ખખડતા રહે છે અને સમાચારોમાં ચમકતા રહે છે. વોર્ડ નં. 13, 14, 17 અને 18માં પાટીદાર મત વધુ છે. તો અન્ય ઓબીસી અને ઉજળીયાત જ્ઞાતિના મતદારો પણ એટલી જ સંખ્યામાં રહેલા છે. જુના રાજકોટના વોર્ડ નં. 7ના 42 હજારથી વધુ મત મહત્વના છે. કોઠારીયા રોડના વોર્ડ નં.17ના 62 હજાર અને વોર્ડ નં.18ના 20 હજાર મત પરિણામમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. માલવીયા કોલેજ પાછળના ભાગ સહિતના વોર્ડ નં.13ના અર્ધો લાખ અને કેનાલ રોડથી સોરઠીયાવાડી વચ્ચેના વોર્ડ નં.14ના 60 હજાર જેટલા મત પણ મુખ્ય છે. આ બંને વોર્ડમાં વેપાર ધંધા સાથે જોડાયેલી તમામ જ્ઞાતિના મતદાર પરિવારો રહે છે.

વિધાનસભામાં 53 હજાર લેઉવા પટેલ અને સાતેક હજાર કડવા પટેલના મત છે. આમ પાટીદાર મતની સંખ્યા 60 હજાર જેવી છે. બ્રહ્મસમાજના 16 હજાર, જૈન સમાજના 13 હજાર, લોહાણા સમાજના 14 હજાર, સોની સમાજના 12 હજાર, ક્ષત્રિય સમાજના સાડા સાત હજાર સહિતની ઉજળીયાત જ્ઞાતિના પણ 50 હજારથી વધુ મત રહેલા છે. તે સિવાય ઓબીસી સમાજના મતદારોનો સરવાળો પણ મોટો થાય છે. આમ રાજકોટ-70ની ચૂંટણી હોય કે કોર્પોરેશનના જુદા જુદા વોર્ડની, તમામ જ્ઞાતિના મતદારો નિર્ણાયક રહે છે.

મતક્ષેત્રમાં પ્રજાપતિ સમાજના 9800, કડીયા જ્ઞાતિના 17 હજાર, કોળી સમાજના 6 હજાર, રજપૂત સમાજના 15 હજાર, ભરવાડ સમાજના સાડા સાત હજાર, દલિત સમાજના 10 હજાર, મુસ્લિમ સમાજના 14 હજાર, સુથાર સમાજના 6800, લોધા જ્ઞાતિના 4100, ત્રણેક હજાર પરપ્રાંતીય તથા અન્ય નાની મોટી જ્ઞાતિના મતદારો રહેલા છે.

છેલ્લી બે ટર્મથી અહીં ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા. નવા સીમાંકન પૂર્વે પણ આ વિસ્તાર ભાજપ સાથે એકંદરે રહેતો હતો. આ વખતે સંજોગો બહુ બદલાયા નથી. પરંતુ રાજકીય સમીકરણો અને ઉમેદવારોની પસંદગીમાં તમામ માપદંડ ફરી ગયા છે. રમેશભાઇ ટીલાળાને ભાજપનો જ એક વર્ગ પેરાશૂટ ઉમેદવાર માને છે. માત્ર કોઇ એકલ દોકલ જ્ઞાતિના સહારે ચૂંટણી જીતી નહીં શકાય તેવું માનતા કાર્યકરો વિકાસ અને કમળના નામે જ મત માંગી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસીયા પણ વેપાર જગતમાંથી આવે છે. તેમને પ્રચારનો વધુ સમય મળ્યો છે તો કોંગ્રેસના ઉમેદવાર હિતેષ વોરા પણ લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. આમ ત્રણે મુખ્ય પક્ષ અહીં લેઉવા પટેલ ઉમેદવારને ટીકીટ આપી હોય, આ બેઠક પરનો ચૂંટણી જંગ એટલો સરળ નહીં રહે તેવો મત છે.

ખોડલધામના બે ભૂતપૂર્વ ટ્રસ્ટી વચ્ચે જંગ : ટ્રસ્ટના મુખ્ય જવાબદારો કોની સાથે રહેશે?
ત્રણે મુખ્ય ઉમેદવાર પક્ષની દ્રષ્ટિએ હરીફ પણ જુના કનેકશન વાઇ-ફાઇ જેવા..!
રાજકોટ-70માં ચૂંટણી લડતા ભાજપ, કોંગ્રે્સ અને આમ આદમી પાર્ટીના ત્રણે ઉમેદવાર લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. તો બે તો સમાજની ધાર્મિક સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રહી ચૂકયા છે. તો કોંગ્રેસના ઉમેદવારનું કનેકશન પણ ભૂતકાળમાં કોઇને કોઇ રીતે આ ઉમેદવારો સાથે રહ્યું છે.

ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા પહેલા રમેશભાઇ ટીલાળાએ ખોડલધામ ટ્રસ્ટમાંથી રાજીનામુ આપ્યું હતું. ચૂંટણી જંગમાં ઉતરવા સાથે ટ્રસ્ટી પદ છોડવું પડે છે. તે અગાઉ આમ આદમી પાર્ટીના શિવલાલ બારસીયા પણ ખોડલધામ ટ્રસ્ટમાં એકટીવ હતા. ધાર્મિક સંસ્થા દ્વારા કોઇ રાજકીય પ્રચાર કરવામાં નહીં આવે તેવી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ ટ્રસ્ટના અમુક આગેવાનો પક્ષો સાથે કોઇને કોઇ રીતે જોડાયેલા હોય છે. આથી કોણ કોની સાથે રહે છે તે મહત્વનું બનશે.

આપના ઉમેદવાર શિવલાલ બારસીયા પણ ઉદ્યોગ જગતમાંથી આવે છે. ભાજપ, આપના ઉમેદવારનું બેકગ્રાઉન્ડ ઉદ્યોગ જગત સાથે જોડાયેલું છે. ઉદ્યોગ, સમાજ અને ધાર્મિક સંસ્થાઓની દ્રષ્ટિએ કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરા અને રમેશભાઇ ટીલાળા વચ્ચે સારા સંબંધ છે. આમ ત્રણે ઉમેદવારનું જુનુ નેટવર્ક તો એક જ ટાવરમાંથી ઘણા લોકોને મળતું રહેતું હતું તે ઉલ્લેખનીય છે.

રાજકોટ-70માં સૌથી વધુ મતદાર લેઉવા પટેલ : મુખ્ય તમામ જ્ઞાતિના મતો મહત્વના
જૈન, લોહાણા, કડીયા, રજપૂત, સુથાર, મુસ્લિમ, પ્રજાપતિ સમાજના વધુ લોકો
રાજકોટ-70 (દક્ષિણ)ની બેઠક પર 2.59 જેટલા કુલ મતદાર છે. જેમાં સૌથી વધુ લેઉવા પટેલ મતદારો હોવા છતાં ઓબીસી સહિતની મુખ્ય તમામ જ્ઞાતિના મતદારો પણ મહત્વના છે. ભાજપે આ વખતે નવા ઉમેદવાર તરીકે રમેશભાઇ ટીલાળાને ટીકીટ આપી છે.

આ મતક્ષેત્રમાં 54 હજાર જેટલા લેઉવા પટેલ અને 6924 જેટલા કડવા પટેલ મતદાર છે. બ્રાહ્મણ મતદારોની સંખ્યા 16 હજારથી વધુ અને કડીયા જ્ઞાતિના 17 હજાર જેટલા મતદારો છે. લોહાણા સમાજના 14500થી વધુ, પ્રજાપતિના 9800, કોળી જ્ઞાતિના છ હજાર, સોની સમાજના 12700થી વધુ, રજપૂત સમાજના 15500, ક્ષત્રિયના સાડા સાત હજાર, ભરવાડ સમાજના સાડા સાત હજાર, દલિત સમાજના દસેક હજાર, મુસ્લિમ સમાજના 14 હજાર જેટલા, સુથાર સમાજના 6800, વાળંદ સમાજના 2700, લુહાણ જ્ઞાતિના 3100, લોધા જ્ઞાતિના 4100થી વધુ મતદારો રહેલા છે. આમ આ વોર્ડમાં માત્ર પટેલ નહીં પરંતુ લગભગ તમામ મુખ્ય જ્ઞાતિના મત જ નિર્ણાયક હોય છે.

કાકા-મામા-ભત્રીજા વચ્ચે સ્પર્ધા : મતદારો કયાંક ‘મામા’ નહીં બને ને?
રમેશભાઇ, હિતેષભાઇ અને શિવલાલભાઇ પોતપોતાના વતનના કારણે સંબંધી છે
રાજકોટ દક્ષિણમાં ભાજપના ત્રણ લેઉવા પટેલ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ છે. સામાસામે હરીફ હોવા છતાં ત્રણે ઉમેદવારો વચ્ચે કાકા-ભત્રીજા અને મામાનો દુર દુરનો સંબંધ પણ રહેલો છે.

199પથી ભાજપ પાસે રહેલી આ બેઠક પર રમેશભાઇ ટીલાળા સામે કોંગ્રેસના હિતેષ વોરા અને આમ આદમી પાર્ટીના શિવલાલ બારસીયા ચૂંટણી લડે છે. હિતેષ વોરા અને રમેશભાઇ એક જ ગામના અને એક જ સમાજમાંથી આવતા હોવાથી હિતેષભાઇ રમેશભાઇને કાકા કહે છે. તો શિવલાલભાઇ બારસીયા હિતેષ વોરાના મામાના ગામના છે. આથી શિવલાલભાઇને મામા કહે છે. આ રીતે પણ તેમના ટેકેદારો અને જ્ઞાતિના અમુક લોકો માટે આ બેઠક રસપ્રદ બની છે.

આ બેઠક પર ભાજપે નવા નકકોર ઉમેદવાર ઉતાર્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર જિલ્લામાંથી આવે છે અને આપના ઉમેદવાર પણ વેપાર જગતમાંથી આવે છે તે ઉલ્લેખનીય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement