મોરબી પાલિકાએ હવે ‘બચવા’ માટે તાબડતોબ સર્કયુલેટીવ ઠરાવ કર્યો!

19 November 2022 11:08 AM
Morbi Rajkot
  • મોરબી પાલિકાએ હવે ‘બચવા’ માટે તાબડતોબ સર્કયુલેટીવ ઠરાવ કર્યો!

અજંતા સાથે ‘ખાનગી’માં નિર્ણય કર્યો હતો-હાઇકોર્ટમાં કેસ લડવા પ્રમુખ અને ચીફ ઓફિસરની સહીથી તત્કાલ કાર્યવાહી: બે એડવોકેટ રોકશે: બેદરકારી બાદ હવે પ્રજાના ખર્ચે કાનુની લડાઇ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.19
મોરબી નગરપાલિકાની માલિકી વાળા જુલતાપુલનો છેલ્લે ઓરેવા ગ્રુપ સાથે જે કરાર કરવામાં આવ્યો હતો તે કરારને જનરલ બોર્ડમાં લેવામાં આવ્યો ન હતો પરંતુ હાલમાં જ્યારે ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ હાઇકોર્ટમાં સુઓમોટો અને પીએલઆઇની સુનવણી એક સાથે ચાલી રહી છે ત્યારે તેમાં બચવા માટે નગરપાલિકાએ સિનિયર એડવોકેટને મોરબી નગરપાલિકાની રજૂઆત કરવા માટે રોકયા છે. તે માટે તેની એડવોકેટ ફી તથા આ કેસ માટે જે કોઈપણ ખર્ચ થાય તે મંજૂર કરવા તાબડતોબ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં પાલિકાના અમુક સભ્યોએ સહમતિ દર્શાવી છે જેથી આ મુદ્દો ચૂંટણીમાં રાજકીય રીતે રંગ પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

મોરબીની મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ ગત 30 તારીખના રોજ સાંજના સમયે ધડાકા ભેટ તૂટી પડ્યો હતો આ પુલ ઉપર પોતાના પરિવારજનો સાથે બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકો હરવા ફરવા માટે આવ્યા હતા ત્યારે પુલ તૂટી પડતા બાળકો સહિત કુલ મળીને 135 લોકોના મોત નીપજ્યા હતા જેથી ન માત્ર મોરબી કે ગુજરાત દેશ અને દુનિયામાં આ ઘટનાના પડઘા પડ્યા હતા. તેમ છતાં પણ સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી ન લેવામાં આવતા હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં સુોમોટો તેમજ પીએલઆઇની એક સાથે સુનાવણી ચાલી રહી છે ત્યારે પાલિકાની પછેડી દબાઈ હોવાથી તાત્કાલિક સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે.

હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપ સાથે છેલ્લે ગત માર્ચ મહિનામાં જે કરાર કરવામાં આવ્યો હતો તે કરારનો ઠરાવ પાલિકાના જનરલ બોર્ડમાં કરવામાં આવ્યો ન હતો જેથી કરીને તે કરારની સામે હાલમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને જુદી જુદી એજન્સીઓ દ્વારા ઝૂલતો પુલ તૂટી પડવા મુદ્દે તપાસ ચલાવવામાં આવી રહી છે તેની સાથોસાથ હાઇકોર્ટમાં સુઓમોટો અને પીએલઆઇની સુનવણી પણ એક સાથે ચાલી રહી હોય નગરપાલિકા તરફે આ કેસમાં સિનિયર એડવોકેટ રોકવાની જરૂરિયાત લાગતા તાત્કાલિક ધોરણે પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે ઠરાવ કરીને સિનિયર એડવોકેટને નગરપાલિકા તરફે રજૂઆત કરવા માટે રોકવાની કવાયત શરૂ કરવામાં આવી છે કુલ મળીને બે એડવોકેટને મોરબી નગરપાલિકાની હાઇકોર્ટમાં રજૂઆત કરવા માટે રોકવા અને તેમાં એડવોકેટની ફી તેમજ આ કેસ માટે જે કંઈ ખર્ચ થાય તે ખર્ચ મંજૂર કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીએ છે કે નગરપાલિકા દ્વારા ગત માર્ચ મહિનામાં જ્યારે ઓરેવા ગ્રુપ સાથે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી હાલમાં પાલિકાના બચાવ માટે એડવોકેટ પાલિકાના ખર્ચે રોકવા માટેનો તાબડતોબ સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે આવી રીતે જુલતા પુલની જવાબદારી સોંપવા માટે પાલિકાના પ્રમુખ કે જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા સર્ક્યુલેટિવ ઠરાવ કેમ કરવામાં આવ્યો ન હતો તે પણ તપાસનો વિષય છે અને સામાન્ય રીતે દરેક નગરપાલિકામાં પાલિકાના પેનલ એડવોકેટ હોય છે પરંતુ મોરબી નગરપાલિકા દ્વારા વર્ષોથી જે વકિલોને પેનલ એડવોકેટમાં રાખવામાં આવ્યા હોય તેમાં કેમ કોઈ સિનિયર વકીલનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો ? તે પણ ચર્ચાનો વિષય છે હાલમાં થતી રાજકીય ચર્ચા મુજબ પાલિકાના અધિકારી, પદાધિકારીઓ સહિતનાઓએ રાખેલી બેદરકારી કે કરેલી ભૂલનો ખર્ચ પાલિકાની તીજોરીમાંથી થાય તે કેટલા અંશે વ્યાજબી છે ?


Related News

Advertisement
Advertisement
Advertisement