ડબલ ધમાકા: બિનનિવાસી ગુજરાતીઓ મતદાન કરશે અને પ્રમુખસ્વામી મહોત્સવમાં ભાગ લેશે

19 November 2022 11:24 AM
Ahmedabad Elections 2022 Gujarat Politics
  • ડબલ ધમાકા: બિનનિવાસી ગુજરાતીઓ મતદાન કરશે અને પ્રમુખસ્વામી મહોત્સવમાં ભાગ લેશે

ગુજરાત આવવાનો પ્રવાહ શરૂ: ફલાઈટ ફૂલ: વિમાની ભાડા દોઢથી બે ગણા થઈ ગયા

અમદાવાદ તા.19
ગુજરાતમાં ડિસેમ્બરમાં બે મહાપર્વ ઉજવાવા જઈ રહ્યા છે. પહેલો પર્વ વિધાનસભાની ચૂંટણીનો લોકશાહીનો પર્વ અને બીજો છે વિશ્ર્વભરમાં હિન્દુ સંસ્કૃતિની જયોતિને અખંડ રાખવાનો પ્રયાસ કરનાર બોચાણવાસી અક્ષર પુરુષોતમ સ્વામીનારાયણ સંસ્થાન (બીએપીએસ)ના પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દીનો મહોત્સવ, આ બેવડા મહાપર્વનો લાભ લેવા માટે ગુજરાત અને દેશ બહાર વસી રહેલા સેંકડો ગુજરાતીઓએ વેળાસર વતની વાટ પકડવાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. આને લીધે ડિસેમ્બર માસમાં ગુજરાત, ભારતના એરફેર બમણાંથી વધી ગયા છે.

લાંબા સમયથી ગુજરાતીઓ અમેરિકા, કેનેડા, બ્રિટન, આફ્રિકા, જર્મની, ઈટાલી, ફ્રાન્સ સહિતના દેશોમાં વ્યવસાય, ધંધા રોજગાર અને અભ્યાસ માટે વસવાટ કરી રહ્યા છે, પરંતુ આવા ભારતીયો, ગુજરાતીઓની સંખ્યા કરોડોમાં થવા માંડી છે. અલબત, ગુજરાતમાં ચૂંટણીઓ હોય એ પણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે અચુક આવનાર બિનનિવાસી ગુજરાતીઓનો વર્ગ સમૂહ હજારોમાં જય છે. આ જ કારણથી રાષ્ટ્રીય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપમાં એનઆરઆઈ માટેના વિશેષ સેલ હોય છે.

અમેરિકા અને બ્રિટનમાં વસતા ગુજરાતીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે વિશેષ આકર્ષણ છે. વિકસિત દેશોની હરોળમાં ભારતને લાવવા પ્રયાસો, વિદેશ નીતિ તેમજ ભારતનો હવે અવાજ વિશ્વના નેતાઓ સાંભળી રહ્યા છે. એનાથી ગુજરાતમાં થતી રાજકીય હલચલ પર નજર રાખતા ગુજરાતીઓ આ વખતે ચૂંટણીમાં મતદાન કરવાની સાથોસાથ કોવિડના બે અઢી વર્ષથી પોતાના સગાસબંધીઓને મળવા, પરિવારના સભ્યોના લગ્નો તેમજ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો લ્હાવો લેવા નવેમ્બરના અંતથી ગુજરાત આવવાની શરૂઆત કરશે.

અમેરિકા અને કેનેડાથી ગુજરાત, ભારત માટેની રિટર્ન ફલાઈટના ફેર સામાન્ય ફેર કરતા બમણાં થઈ ગયા છે. એમાં ડિસેમ્બર એટલે કે ક્રીસમસ તો એક કારણ ખરું, પરંતુ એક સાથે આટલી મોટી સંખ્યામાં ગુજરાત આવવા માટેની ફલાઈટ્સ બુક થઈ રહી છે. તેમ અમેરિકામાં ટ્રાવેલ્સ બુકીંગનું કામકાજ કરતા તુષાર પટેલે જણાવ્યું હતું. ન્યુજર્સીમાંથી જ મોટી સંખ્યામાં સત્સંગીનો હાલ અમદાવાદ આવી પહોંચ્યા છે.

અમદાવાદ ઉપરાંત ખેડા, આણંદ, નડિયાદ, સુણાવ, નાર જેવા નગરોમાં લાંબા સમયથી બંધ શેરીઓમાં ગાડીઓની હલચલ વધી ગઈ છે. મકાનો સાફસૂફ થઈને સ્વચ્છ થઈ ગયા છે. એક અંદાજ મુજબ દોઢથી બે લાખ કરતા વધુ એનઆરઆઈ, બિનનિવાસી ગુજરાતીઓ પ્રમુખ સ્વામી જન્મશતાબ્દિમાં ભાગ લેવા આવનારા છે. કોંગ્રેસ અને ભાજપના એનઆરઆઈ સેલ દ્વારા વિદેશમાં રહેતા પોતાના કાર્યકરોનો સંપર્ક કરી તેમને પ્રચાર માટે ખાસ બોલાવાયા છે. આવા ત્રણથી ચાર હજાર જેટલા આગેવાનો ગુજરાત આવી પહોંચ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement