કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના વાશિમમાં ભારત જોડો યાત્રા દરમિયાન વીર સાવરકર મામલે વિવાદીત નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લીધે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ટકરાવ પેદા થયો છે. સાથે જ મહારાષ્ટ્રની રાજનીતિમાં આક્ષેપબાજી શરુ થઈ છે. આ ઘટનાક્રમ હેઠળ ઉદ્ધવ ઠાકરે જૂથ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડવા માટે વિચારી શકે છે.
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અરવિંદ સાવંતે ઈશારો કરતા કહ્યું કે વીર સાવરકરને લઈને રાહુલ ગાંધીએ જે કંઈ પણ કહ્યું, તેનાથી અમે સહમત નથી, અમે વીર સાવરકરની ખૂબ ઈજજત કરીએ છીએ, એવામાં સાવરકર વિરુદ્ધ કશુંય એવું સાંભળવું અમને પસંદ નથી.
શું રાહુલ ગાંધીના એ નિવેદનની અસર હવે મહારાષ્ટ્રમાં તેમના ગઠબંધન પર પડશે, તો અરવિંદ સાવંતે કહ્યું કે, એ મને ખબર નથી. જો કે, આ નિર્ણય પાર્ટીનું નેતૃત્વ કરશે. જો કે, આગળ અરવિંદ સાવંતે કહ્યું કે મને ખબર નથી કે કેટલાક લોકો આ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું અમે કોંગ્રેસ સાથેના ગઠબંધનથી અલગ થઈ જઈશું. હું તમને કહેવા ઈચ્છુ છું કે આ એ જ લોકો છે જેમણે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે પોતાનું ગઠબંધન બનાવ્યું હતું.
પીડીપી એ જ પાર્ટી છે જે વંદે માતરમ ગાતા ખચકાટ અનુભવે છે. આ લોકો (ભાજપ) બેવડું ચરિત્ર ધરાવે છે. આ સમગ્ર ઘટનાક્રમ પર રાજયસભા સાંસદ સંજય રાઉતે પણ નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું કે આવી રીતે અમે આગળ ચાલી શકીએ નહીં. શું અમારે ભવિષ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન રાખવું કે નહીં તે અંગેનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે લેશે. નિર્ણય ચોકકસ લેવાશે પરંતુ અમારે ઉતાવળ નથી. યોગ્ય સમયે નિર્ણય લેવાશે.