રાજકોટ,તા. 19
ગુજરાતની ચૂંટણીમાં ભાજપ માટે કોંગ્રેસને ગુજરાત વિરોધી ચીતરવા માટે રાહુલ ગાંધીએ ફરી એક તક આપી દીધી છે અને હાલ મહારાષ્ટ્રની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે નર્મદા બંધ વિરોધી આંદોલનના પ્રણેતા મેઘા પાટકર સાથેની એક તસવીર ભાજપે જારી કરી છે. જેના કારણે હવે આગામી દિવસમાં ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ આ મુદ્દો ચગાવી શકે છે.
મેઘા પાટકરે એક સમયે નર્મદાના વિસ્થાપિતોના માટે આંદોલન ચલાવ્યું હતું. રાહુલ ગાંધીને મેઘા પાટકર સાથે દર્શાવીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડેસ્ક ગુજરાતના ટવીટને આગળ ધપાવ્યું હતું અને લખ્યું હતું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ફરી એક વખત બતાવ્યું છે કે તેઓ ગુજરાત અને ગુજરાતી વિરોધી છે. મેઘા પાટકરને તેમની યાત્રામાં જોડીને રાહુલ ગાંધીએ એ પણ દર્શાવ્યું છે કે જે લોકોએ દશકાઓ સુધી ગુજરાતને પાણીથી વંચિત રાખ્યા તેની સાથે તે ઉભા છે. ગુજરાત આ સહન કરી લેશે નહીં. ગઇકાલે આ યાત્રામાં મેઘા પાટકરની એન્ટ્રીએ ગુજરાતમાં હવે આ મુદ્દો ચગશે તે નિશ્ર્ચિત થઇ ગયું છે. અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીર એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે સમયે આ તસવીર અને ટવીટને પણ આડકતરી રીતે ચગાવી શકે છે.