► હાલ 2024ની લોકસભા ચૂંટણી અને મધ્યપ્રદેશ, છતીસગઢ, કર્ણાટક,રાજસ્થાન સહિતના રાજ્યોની ધારાસભા પૂર્વે રાજ્યોના સંગઠનમાં પણ મોટા ફેરફારની તૈયારી
► રાષ્ટ્રીય સંગઠનમાં પણ હવે બીજી કેડરને આગળ ધરાશે : તબક્કાવાર મંત્રીમંડળમાં પણ અનેક પીઢ નેતાઓની બાદબાકી બાદ નવા ચહેરા આવશે
► મધ્યપ્રદેશમાં ગુજરાત સ્ટાઇલથી મંત્રીમંડળ પણ બદલી શકે : કર્ણાટકમાં બોમ્મઇને બદલવા અંગે હજુ અનિર્ણિત : રાજ્યોની ચૂંટણીમાં અનેક પીઢ નેતાઓને વિદાય અપાશે
રાજકોટ,તા. 19
ગુજરાતની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપના રાષ્ટ્રીયથી લઇ અનેક રાજ્યોના સંગઠનમાં મોટા ફેરફારની તૈયારી છે. વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની બીજી ટર્મ ચાલુ છે અને 2024ની લોકસભા ચૂંટણી ઉપરાંત આગામી વર્ષે યોજાનાર કર્ણાટક, છતીસગઢ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ચૂંટણીમાં ભાજપ તેના સંગઠન અને કેન્દ્ર સરકારને વધુ મજબૂત રીતે રજૂ કરશે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ ભાજપની તમામની ચૂંટણી જીતની સંભાવના એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર કેમ્પેઇન પર છે અને કેન્દ્ર તથા પ્રદેશની સંગઠન ટીમો પણ મોદી ફેક્ટર વગર જીતી શકે તેમ નથી તે નિશ્ર્ચિત છે. આ સ્થિતિમાં હવે 2024માં પક્ષ મોટા બદલાવ ભણી જઇ રહ્યો છે
હાલમાં જ ભાજપની હૈદરાબાદની રાષ્ટ્રીયકાર્યકારણીમાં એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે 2014 અને 2019ની ચૂંટણીઓ જે લોકોમાં નવી આશા અને અપેક્ષાઓ સર્જીને જીતવામાં સફળતા મેળવી હતી તે કદાચ વધુમાં વધુ 2024 સુધી લંબાવી શકાશે પરંતુ 2024માં પણ પક્ષે એક નવા વિઝન સાથે લોકો સમક્ષ જવું પડશે અને તેથી તેના માટે ફક્ત સરકાર જ નહીં સંગઠનની ભૂમિકા પણ મહત્વની બની જશે. જે રીતે પક્ષ રાજ્યમાં તેની સેક્ધડ કેડરને આગળ વધારી રહ્યો છે અને તે જ રીતે કેન્દ્રમાં પણ હવે સરકાર અને સંગઠનમાં સેક્ધડ કેડરને મહત્વ અપાશે.
ભાજપે અત્યાર સુધી ગુજરાત મોડલ, વિકાસ મોડલ, ઉતરપ્રદેશ મોડલ તેમ અલગ અલગ મોડલના આધારે ચૂંટણી જીતી છે પરંતુ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા છે પરંતુ પક્ષે જો લાંબો સમય શાસન કરવું હોય તો હવે તેની પ્રદેશ અને જિલ્લા સુધીની ટીમને સક્ષમ બનાવવી પડશે.
જેમ ગુજરાતમાં હાલમાં જ નો-રિપીટ થિયરી સાથે મંત્રીમંડળ બદલાયું અને સંગઠનમાં પણ સી.આર. પાટીલ જેવા આક્રમક નેતાને સુકાન સોંપીને ભાજપની ટીમને મજબૂત બનાવાય તેવી જ પરિસ્થિતિ હવે પક્ષ કર્ણાટક, મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાનમાં કરવા જઇ રહી છે અને તેમાં આગામી સમયમાં ખાસ કરીને મધ્યપ્રદેશમાં પક્ષ નેતૃત્વ પરિવર્તન પણ કરશે તેવા સંકેત છે.
હાલના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ત્રણ ફુલ ટર્મ અને આ ચોથી ટર્મમાં સીએમ છે પરંતુ ચૂંટણી પૂર્વે ગુજરાત સ્ટાઇલથી તેમાં પણ બદલાવ લવાશે. પક્ષ કર્ણાટકમાં પણ હાલ મૂળ જનતાદળના બસવરાજ બોમ્મઇના નેતૃત્વમાં સરકાર ચલાવે છે પરંતુ ગુજરાત બાદ કર્ણાટક એક એવું રાજ્ય છે કે જ્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે અને જનતાદળ-એસ એક સ્થાનિક ફેક્ટર છે અને તેથી ભાજપ મુખ્યમંત્રી બદલે તેવા સંકેત છે. બોમ્મઇ મૂળ જનતાદળના છે પરંતુ લીંગાયત સમુદાયના હોવાથી અને પૂર્વ મુખ્યમંત્રી યેદીયપ્પાના ખાસ હોવાથી તેમને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું.
પક્ષ અહીં પણ બદલાવ કરે તેવા સંકેત છે. જેમ ગુજરાતમાં ભાજપે પ્રથમ કેડરના અનેક જાણીતા ચહેરાઓને અને પીઢ નેતાઓને ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા નહીં તેવી જ જ સ્થિતિ મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં થઇ શકે છે. પક્ષ હાલ ગુજરાત અને હિમાચલના ચૂંટણી પરિણામોની રાહ જોશે અને ત્યારબાદ ડીસેમ્બરથી ફેરફાર શરુ થઇ જશે તેમજ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં બજેટ બાદ કેન્દ્રીય મર્ંંત્રીમંડળમાં પણ થોડા ફેરફાર થઇ શકે છે.