મોરબી તા.19
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના રામપર ગામે ખેત મજૂરી કરતા પરિવારનો પુત્ર ઝેરી દવા પી ગયો હતો જેની સારવાર માટે મોરબી લવાતા સારવાર દરમિયાન મોરબી ખાતે તેનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મુળી તાલુકામાં આવેલા રામપર ગામે રહેતા દશરથ વિજયભાઈ કુણાપરા કોળી નામના 16 વર્ષના સગીરે ઝેરી દવા પી લેતા તેને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હતું.બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસની તપાસમાં ખુલ્યુ હતુ કે મૃતક દશરથે પોતાના શેઠ પાસેથી ઉપાડ પેટે રૂા.5000 લીધા હતા અને તે પૈસા પડી જતા કે વપરાઈ જતા ઘરે શું જવાબ આપીશ તે ચિંતા અને બીકમાં તેણે ઉપરોક્ત પગલું ભરી દીધું હતું. મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ મુળી પંથકનો હોય સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી હતી.
જ્યારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતો ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા નામનો 24 વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરથી વાહનમાં જતો હતો ત્યારે ઢુવાના પુલ પાસે તેને અકસ્માતમાં ઈજાઓ થતા સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના જે.એ. ઝાલા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.
ખાણ ખનીજ કાર્યવાહી
મોરબીમાં જ્યાં જુઓ ત્યાં બાંધકામો ચાલી રહ્યા છે અને ખૂબ મોટાપાયે ખનીજ ખનન થઈ રહ્યું છે ત્યારે સમયાંતરે ખાણ ખનીજ વિભાગ દ્વારા એકલદોકલ કામગીરી કરવામાં આવતી હોય છે તે રીતે જ મોરબીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી પાસ પરમિટ કે પરવાના વિના ખનીજ લઈને નીકળેલ વાહન નંબર જીજે 13 એડબલ્યુ 7001 ને પકડી પાડીને દંડ વસૂલવા માટે પોલીસ હવાલે કર્યુ છે.
મારામારીમા ઈજા
સામા કાંઠે ભડીયાદ ગામ પાસે આવેલ વિદ્યાનગરમાં રહેતો સંજય ભરતભાઈ ચંદ્રવાડીયા નામનો 25 વર્ષનો યુવાન ઘર નજીક આવેલ પાનના ગલ્લે ગયો હતો ત્યાં તેને મારામારીમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.