♦ દેશના પૂર્વોતર ક્ષેત્રોમાં પ્રવાસન અને રોજગારી ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ : અત્યંત આધુનિક વિમાની મથકથી સરહદી ક્ષેત્રોમાં સુરક્ષા માટે પણ નવી સુવિધા
ઇટાનગર,તા. 19
દેશમાં વિકાસ માટે હવે લટાકવવાના અને ભટકાવવાના દિવસો પૂરા થયા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશમાં એરપોર્ટને ખુલ્લુ મુકતા જણાવ્યું હતું કે અમે એક કામ કરવાની સંસ્કૃતિ સાથે આવ્યા છીએ અને જે યોજનાઓનો શિલાન્યાસ કરીએ છીએ અને તેનું ઉદ્દઘાટન કરીને લોકોની સુવિધામાં વધારો કરીએ છીએ.
અરુણાચલ પ્રદેશનું આ ત્રીજુ હવાઈ મથક છે અને અત્યંત આધુનિક છે. દેશમાં પૂર્વોતરના રાજ્યોમાં જે રીતે લોકોના પ્રવાસન સહિતનું આવાગમન વધી રહ્યું છે તેમાં આ હવાઈ મથક એ સૌથી વધુ સુવિધાપૂર્ણ પુરુ થશે. શ્રી મોદીએ આ ઉપરાંત 600 મેગાવોટ વીજળી ઉત્પાદન કરતા કેમાંગ હાઈડ્રો પ્રોજેક્ટને પણ ખુલ્લો મુકયો હતો. જેના કારણે સમગ્ર અરુણાચલ પ્રદેશ અને પહાડી ક્ષેત્રોમાં વીજળીની ઉપલબ્ધતા સતત બની રહેશે.
શ્રી મોદીએ કહ્યું કે મેં જ્યારે 2019માં આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો તે સમયે એ ટીકા થઇ હતી કે ચૂંટણી આવી રહી છે તેથી એરપોર્ટના શિલાન્યાસ સહિતના પથ્થરો મુકાઇ રહ્યા છે પરંતુ આજે તેનું ઉદ્દઘાટન કરીને ટીકાકારોના મોઢા પર તમાચો માર્યો છે અને ફક્ત અરુણાચલ પ્રદેશ નહીં દેશમાં અમારી પ્રાથમિકતા એ વિકાસની છે અને તેમાં પૂર્વોતરના રાજ્યોને અમે પ્રાથમિકતા આપીએ છીએ.
અહીં 600 મેગાવોટ હાઈડ્રો પાવર પ્રોજેક્ટને કારણે 24 કલાક વીજળી ઉત્પાદન થશે જ્યારે ડોની પોલો એરપોર્ટ એ 645 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં બોઇંગ-747 સહિતના અત્યંત આધુનિક વિમાનો પણ લેન્ડ થઇ શકશે તેમજ ઉડી શકશે.