દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા બેઠક જે બે ટર્મથી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. તેમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઇશુદાન ગઢવી આવતા અહીં જંગ ત્રિપાંખીયો થયો છે ત્યારે ગઇકાલે કોંગ્રેસને મોટો ફટકો પડયો હતો.
પૂર્વ ધારાસભ્ય ખંભાળિયા મેરામણભાઇ ગોરીયા તેમના ટેકેદારો સાથે ઘોડા પર બેસી ઢોલ નગારા સાથે સરઘસ કાઢીને ભાજપનો ભગવો 1100 જેટલા કાર્યકરો સાથે જોડાઇને ધારણ કર્યો હતો. તથા તેમની સાથે પૂર્વ રાજયમંત્રી જેસાભાઇ ગોરીયાના પુત્ર દિલીપભાઇ ગોરીયા, જીતેન્દ્રભાઇ ગોરીયા, વિજય રાજયગુરુ, વૈભવ કછટીયા, માવજીભાઇ નકુમ, રામભાઇ ગોરીયા, મહેન્દ્રસિંહ જાડેજા વિ. જોડાયા હતા. જેમને ભાજપના નેતા તરૂણભાઇ યુગ તથા સુરેશભાઇ રાણાએ ભગવો પહેરાવ્યો હતો તથા મેરામણભાઇ ગોરીયાએ ભાજપના ઉમેદવારના વખાણ કરીને તેમના તરફથી 15 હજારથી વધુ મતો ભાજપના ખાતામાં પડશે તેમ કહીને અહીં તથા ગુજરાતમાં ભાજપ વિજેતા થશે તેવો આશાવાદ સાથે વિશ્વાસ વ્યકત કરીને 130થી 135 બેઠકો ગુજરાતમાં આવવા આશાવાદ કર્યો હતો.
ભાજપના ઉમેદવારી મુળુભાઇ બેરાની સામે 2014માં પેટા ચુંટણીમાં 1200 જેટલા મતે કોંગ્રેસમાંથી વિજેતા થનાર પૂર્વ ધારાસભ્ય મેરામણભાઇ ગોરીયા તે ખૂબ જ લોકચાહના ધરાવે છે. તેઓ ભાજપના સમર્થનમાં મુળુભાઇના ટેકામાં આવતા ખંભાળિયા બેઠક પર ભાજપની સ્થિતિ મજબૂત થઇ છે.