રાજકોટ,તા. 19
એક તરફ રાજકોટમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આંધી જેવો પ્રચાર થઇ રહ્યો છે તે સમયે વિધાનસભા-71માં જે બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના સ્થાને બે ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને ટીકીટ આપ્યા બાદ હવે કાર્યકર્તાઓમાં જબરી ચર્ચા છે. આ મત વિસ્તારમાં અનેક ભાજપ અગ્રણીઓ ટીકીટ માટે લાઇનમાં હતા અને તેઓ છેલ્લા પાંચ વર્ષથી મતક્ષેત્રમાં સતત મહેનત કરી રહ્યા હતા.
સેન્સ સમયે પણ તેઓએ પોતાની દાવેદારી કરી હતી પરંતુ મોવડી મંડળે ફરી એક વખત ભાનુબેન બાબરીયાને જ ઉમેદવાર તરીકે પસંદ કરતા કાર્યકર્તાઓમાં કચવાટ છે. પક્ષ દ્વારા જો મહિલા ઉમેદવારને જ પસંદ કરવાના હોય તો પણ અહીં અનેક સક્ષમ મહિલાઓ દાવેદાર હતા. જ્યારે ભાનુબેન અગાઉ બે વખત ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે અને બાદમાં તેઓ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ વોર્ડ નં. 1માં પક્ષના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.
હવે ફરી ધારાસભાની ચૂંંટણીમાં ઝંપલાવ્યું છે. ભુતકાળમાં બાબરીયા ફેમીલીને પણ આ વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી અને ફક્ત એકટર્મ માટે લાખાભાઈ સાગઠીયાને ધારાસભ્ય તરીકે રાખવામાં આવ્યા અને ફરી ટીકીટ બાબરીયા ફેમીલી તરફ ગઇ છે અને તેથી શું અમારે એક જ ફેમીલીને ચૂંટવા તેવી ચર્ચા વિધાનસભા-71માં થઇ રહી છે.