રવિવારે 14 મુમુક્ષુઓનો સમુહ દીક્ષા મહોત્સવ

19 November 2022 04:01 PM
Rajkot Dharmik
  • રવિવારે 14 મુમુક્ષુઓનો સમુહ દીક્ષા મહોત્સવ

સુરતમાં વિરતિ વૃંદાવનનગરી વેસુ ખાતે આ. શ્રી કીર્તિયશસૂરીજી મ. આદિની નિશ્રામાં

► પ્રથમવાર 18 ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ : આવતીકાલે 14-14 મુમુક્ષુઓનો એક સાથે વર્ષીદાનનો વરઘોડો : સંધ્યા ભકિત, મહાપૂજા સહિતના અનેકવિધ કાર્યક્રમોના આયોજનો

રાજકોટ, તા. 19
મોહમાયા, અહંકાર, ક્રોધ, લોભ, પાંચ ઇન્દ્રીયો પર કાબુ મેળવી તેને નેસ્તનાબુદ કરવાના માર્ગે એક સાથે 14-14 પુણ્યાત્માઓ દીક્ષા ગ્રહણ કરવા જઇ રહ્યા છે. આગામી તા. ર0મી નવેમ્બરે વિરતિ વૃંદાવન ઉપધાન નગરી, બલર ફાર્મ, વેસુ ખાતે યોજાનારા સમુહ દીક્ષા મહોત્સવમાં એક સાથે 14 મુમુક્ષુઓ સંસાર સાગરની સફર ત્યજી મોક્ષ માર્ગે આગળ ધપવાનો પ્રારંભ કરશે.
જૈન શાસનને સાચવવી-જાળવીને આગળ ધપાવવામાં, ધબકતું રાખવામાં જેમનું અનેરૂ યોગદાન છે

તેવા આચાર્ય શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્ર્વરજી મહારાજાના અંતેવાસી અને આચાર્ય શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્ર્વરજી મહારાજના કૃપા પાત્ર આચાર્ય વિજય કીર્તિયશસૂરીશ્ર્વરજી મહારાજાએ જૈન શાસનમાં અનેક ગ્રંથ રત્નોને કેન્દ્રમાં રાખી વૈરાગ્ય નીતરતી વાણીમાં આપેલા ધર્મોપદેશથી પાવન થયેલા 14 મુમુક્ષુઓ સાંસારીક મોહ-માયા દુ:ખદાયીને સાધુ જીવન આનંદ-આનંદાયી હોવાની વાત હૈયા સરખી ઉતરી ગઇ પરિણામે 14 પુણ્યાત્માઓએ સંયમના સથવારે સાધના જગતમાં પ્રવેશવાનો અનુમોદનીય નિર્ણય કર્યો છે. પરિણામે એક સાથે 14-14 મુમુક્ષુઓને દીક્ષા ગ્રહણ કરાવતો સમુહ દીક્ષા મહોત્સવ અનેરા-અદમ્ય ઉત્સાહ સાથે સંઘવી પરિવાર તા. ર0મીએ યોજાશે.

દીક્ષા મહોત્સવના એક દિવસ પૂર્વ એટલે કે કાલે તા. 19મી નવેમ્બરે સવારે 8.30 કલાકે કે.પી.એમ.સંઘવી પરિવારના ગૃહેથી વર્ષીદાનના વરઘોડાની શોભાયાત્રા પ્રારંભ થશે. જે વેસુના વિવિધ વિસ્તારોમાં ફરી વિરતિ વૃંદાવન નગરી ઉપધાન ખાતે પૂર્ણ થશે. તુચ્છ વૈભવ અને સંપતિની ઝાકઝમાળ જેમને બાંધી નથી શકી તેવા 14 પુણ્યાત્માએ અક્ષત વધામણાનું અનેરૂ દ્રશ્ય ખડુ થશે.

વર્ષીદાનની શોભાયાત્રા પૂર્ણ થયા બાદ કાલે સાંજે પ.30 કલાકે સંધ્યા ભકિત-મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતભરમાં ખ્યાતિ પામેલા પાંચ સિધ્ધહસ્ત કલાકારો સહિત 30થી વધુ કલાકારો ભકિતના સૂર રેલાવી વાતાવરણને ભકિતથી તરબોળ કરી દેશે.

આચાર્ય શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્ર્વરજી, આચાર્ય હિતપરતસૂરીશ્ર્વરજી, આચાર્ય હર્ષ વર્ધનસૂરીશ્ર્વરજી, આચાર્ય નિર્મળદર્શનસૂરીશ્ર્વરજી, આચાર્ય હૃીંકારપ્રભસૂરીજી આદિ 300 જેટલા સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં યોજાનારા સમુહ દીક્ષા મહોત્સવને સફળતાપૂર્વક પાર પાડવા માટે કલ્યાણ મંદિર વેસુ ટ્રસ્ટના આગેવાનો-કાર્યકરો તેમજ 14-14 દીક્ષા મહોત્સવનું યજમાનપદુ સ્વીકારનારા સણવાલ નિવાસી શારદાબેન કીર્તિલાલ અનોપચંદભાઇ સંઘવી પરિવારના સભ્યો સતત જહેમત ઉઠાવી રહ્યા છે.

પ્રથમવાર 18 ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ કરાશે
વર્ષીદાનના વરઘોડાની શોભાયાત્રા જે જે વિસ્તારમાંથી પસાર થવાની છે એ તમામ વિસ્તારને આવરી લેવા માટે એક સાથે કુલ 18 ડ્રોન મારફતે પુષ્પવૃષ્ટિ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે ડ્રોન મારફતે પુષ્પ વૃષ્ટિ કરવાનો પ્રયાસ સંભવત: પ્રથમ વખત થતો જોવા મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement