રેલીઓનો રેલો: ગુજરાત ગજાવતાં મોદી-રાહુલ-કેજરીવાલ

21 November 2022 11:27 AM
Rajkot Elections 2022 Gujarat Politics Saurashtra
  • રેલીઓનો રેલો: ગુજરાત ગજાવતાં મોદી-રાહુલ-કેજરીવાલ
  • રેલીઓનો રેલો: ગુજરાત ગજાવતાં મોદી-રાહુલ-કેજરીવાલ

♦ મોદીની સુરેન્દ્રનગર-જંબુસર-નવસારી, અમિત શાહની જામખંભાળિયા-કોડીનાર-માળિયા હાટીના, યોગી આદિત્યનાથની પોરબંદર-સંખેડા-મહેમદાવાદમાં જાહેરસભા

♦ રાહુલ ગાંધી પહેલીવાર ગુજરાતના ચૂંટણી પ્રચારમાં જોડાશે; રાજકોટ-મહુવામાં સભા ગજવશે: કેજરીવાલની આજે અમરેલીમાં જંગી જાહેરસભા

♦ પ્રથમ તબક્કાના મતદાન આડે નવ દિવસનો સમય બાકી રહ્યો છે તે પહેલાં ત્રણેય પક્ષના ટોચના નેતાઓ મતદારોને પોતાની તરફે કરવા પૂરી તાકાત સાથે મેદાને ઉતર્યા

રાજકોટ, તા.21
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના તમામ રાજકીય પક્ષો એક્શનમાં આવી ચૂક્યા છે. પ્રથમ તબક્કાના મતદાન આડે હવે નવ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે આ દિવસોમાં મતદારોને પોતાની તરફે કરવા માટે દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ આજે જાણે કે ગુજરાતમાં રેલીઓનો રેલો આવી પહોંચ્યો હોય તેવી રીતે આખા રાજ્યને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના ગજવી રહ્યા છે. વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં ત્રણ જનસભાને સંબોધન કરશે તો અમિત શાહ તાબડતોબ ચાર રેલીઓ કરી પક્ષ માટે માહોલ ઉભો કરશે.

ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિતના મોટા નેતાઓ જનસભાને સંબોધન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પણ આજે પહેલીવાર ચૂંટણી પ્રચારમાં સામેલ થશે. તેઓ આજે સુરતના મહુવા અને રાજકોટમાં જનસભાને સંબોધન કરવાના છે. અત્યાર સુધી રાહુલ ગાંધી ચૂંટણીપ્રચારમાં નહીં જોડાતાં અનેક ચર્ચાઓએ પણ જોર પકડી લીધું હતું.

બીજી બાજુ તેઓ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હોવાને કારણે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં સામેલ થઈ શકતા નથી તેવો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો હતો ત્યારે હવે તેમણે ભારત જોડો યાત્રા થંભાવીને આજથી ચૂંટણી પ્રચારમાં જોડાઈ જશે. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય 40 જેટલા સ્ટાર પ્રચારકો પણ તબક્કાવાર ગુજરાતમાં જનસભાઓને સંબોધન કરવા માટે આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રચારકોમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતનાઓનો સમાવેશ થાય છે.

આવી જ રીતે છેલ્લા ઘણા સમયથી ગુજરાતથી દૂર થઈ ગયેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરીથી ગુજરાતમાં આવી પહોંચ્યા છે અને જનસભાઓને સંબોધન કરી રહ્યા છે. તેઓના અચાનક ગાયબ થઈ જવાને કારણે તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી અને એક ચર્ચા તો એવી પણ ચાલી પડી હતી કે કેજરીવાલે ગુજરાતમાં સરન્ડર કરી દીધું હોવાથી હવે તેઓ અહીં આવવાનું ટાળી રહ્યા છે.

જો કે આજથી તેઓની અચાનક એન્ટ્રી થવાને કારણે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને તેઓ પણ આમ આદમી પાર્ટીની તરફેણમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે એડીચોટીનું જોર લગાવી દેશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ જેવા કે મનિષ સીસોદીયા, રાઘવ ચઢ્ઢા, ભગવંત માન સહિતના પણ આજથી ગુજરાતમાં તબક્કાવાર સભાઓને સંબોધન કરશે. કેજરીવાલ આજે અમરેલીમાં જાહેરસભાને સંબોધન કરશે.

બીજી બાજુ ભાજપ દ્વારા એક જ ઝાટકે અનેક બેઠકોને સંબોધન કરી લેવાનો વ્યુહ અખત્યાર કરવામાં આવ્યો હોય તેવી રીતે સ્ટાર પ્રચારકોની ફૌજ ઉતારી દેવામાં આવી છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એક જ દિવસમાં ત્રણ જગ્યાએ સભાને સંબોધન કરશે. આજે સૌથી પહેલાં તેમણે સુરેન્દ્રનગરમાં સભા સંબોધી હતી તો ત્યારપછી જંબુસર અને નવસારીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું.

આવી જ રીતે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે સૌરાષ્ટ્રમાં મુકામ કરીને જામખંભાળિયા, કોડીનાર અને માળિયા હાટીનામાં જનસભા સંબોધી હતી તો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે પોરબંદર, સંખેડા અને મહેમદાબાદમાં ભાજપનો પ્રચાર કર્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement