જસદણ બેઠકમાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ રજૂ કર્યો: ભોળાભાઈ કરતા કુંવરજીભાઈનો ખર્ચ વધારે

21 November 2022 12:32 PM
Jasdan
  • જસદણ બેઠકમાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ રજૂ કર્યો: ભોળાભાઈ કરતા કુંવરજીભાઈનો ખર્ચ વધારે

ચા-પાણી, ભોજન, મંડપ, સર્વિસ, પેટ્રોલ-ડિઝલનો ખર્ચ દર્શાવ્યો

જસદણ,તા.21
જસદણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ચૂંટણી ખર્ચ રજૂ કર્યા હતા. જસદણ બેઠકના ચૂંટણી અધિકારી રાજેશ જી. આલ સમક્ષ ઉમેદવારોના ખર્ચ એજન્ટો દ્વારા ચૂંટણી માટે કરેલા ખર્ચ રજૂ કરવામાં આવ્યા હતા. જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ તારીખ 14-11 થી તારીખ 17-11 સુધીનો કુલ 3,58,180 રૂપિયાનો ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં ફોર્મ ભરવાના દિવસે 1720 વ્યક્તિનો 110 રૂપિયા મુજબ ભોજનનો ખર્ચ 1,89,200, ખુરશી ભાડું 8600 મંડપ સર્વિસના 15380, રેલીમાં ચા-પાણીના 7500, પ્રચાર માટેની ગાડીમાં પેટ્રોલ-ડીઝલનો ખર્ચ, ડીજેનો ખર્ચ, ઉમેદવારી કરવાની ડિપોઝિટ વગેરે દર્શાવ્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે તારીખ 10-11 થી તારીખ 17-11 સુધીનો કુલ 1,30,330 નો ખર્ચ રજૂ કર્યો છે. જેમાં ફોર્મ ભરવાના દિવસે 300 વ્યક્તિનો નાસ્તાનો ખર્ચ 21000 રૂપિયા, ચા. - પાણીના રૂ. 4000, સાઉન્ડ સિસ્ટમના રૂ. 3000, મંડપ સર્વિસના રૂ. 9000, પેટ્રોલ ડીઝલ ખર્ચ રૂ. 5000, બેનર ખર્ચ રૂ. 8000, ડીજેનો ખર્ચ, ચૂંટણી ડિપોઝિટ વગેરે દર્શાવવામાં આવ્યા છે.

અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મકવાણાએ પેટ્રોલ ડીઝલ ખર્ચ સ્ટેશનરી વગેરે મળી 40569 નો ખર્ચ, શામજીભાઈ ડાંગરે ડિપોઝિટ તેમજ નોટરી મળીને કુલ 12,500 નો ખર્ચ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરાએ 3300 ભોજન ખર્ચ, સ્ટેશનરી નોટરી ડિપોઝિટ વગેરે મળીને કુલ 21240 રૂપિયાનો ખર્ચ રજૂ કર્યો હતો. જોકે આ નિયમ મુજબ ખર્ચ રજૂ કર્યો છે બાકી ચૂંટણીમાં છાનેખૂણે તમામ પક્ષો ઉમેદવારો કેટલો ખર્ચ કરતા હોય છે તે હવે દરેક જાણે જ છે.


Advertisement
Advertisement
Advertisement