ઉના,તા.21
ઉના ભાવનગર નેશનલ હાઈવે રોડ પર આવેલ ઉના બાયપાસ બ્રિજના નીચેના ભાગેથી શહેર તરફ જતાં રસ્તા પર બન્ને સાઈડોમાં ધુળની ડમરીઓ ઉડતી હોય જેથી આ વિસ્તારમાં દુકાન ધરાવતા દુકાનદારોને માલસામાન ખરાબ થતો હોય જેથી રસ્તા બનવવા અગાઉ નેશનલ હાઈવે ઓથોરીટીને રજૂઆત કરી હતી. પરંતુ રસ્તાનું કામ ન થતાં દુકાનદારો દ્વારા આજે રસ્તા પર પથ્થરો તેમજ ઝાડની ડાળીઓથી આડાસ કરી રસ્તો બંધ કરી દેતાં રસ્તા પરથી પસાર થતાં મોટી સંખ્યામાં વાહનોનો ચકકાજામ થઈ જતાં લાંબી લાઈનો લાગી ગયેલ હતી.
આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને આ રસ્તો કોણે બંધ કર્યો છે. તે અંગે પૂછપરછ કરતા દુકાનદારો દ્વારા અગાઉ નેશનલ હાઈવેને રજુઆત કરી બિસ્માર રસ્તાને બનાવવા માંગ કરી હોય તેમ છતાં રસ્તો ન બનાવતા જેના કારણે દુકાનદારોને ધુળની ડમરીઓ ઉડતા ભારે મુશ્કેલી સહન કરવી પડતી હતી.જેથી આ વિસ્તારના દુકાનદારોએ રસ્તો બંધ કરી ચકકાજામ કરનાર ભાવેશ ધીરૂ પામક, જેન્તી વાલજી ગજેરા, મેજર કિશોર છગ, સાહીદ ઉસ્માન જાલોરી, હમીર પુંજારામ કરીમ ઈસ્માઈલ જેઠવા, તેમજ વિપુલ ભીમા સોસા સહીત સાત વ્યકિતઓની પોલીસે અટક કરી હતી. અને પોલીસ સ્ટેશને લાવી તમામ સાત વિરૂદ્ધ પોલીસે અટકાયતી પગલાં ભરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
ઉના ભાવનગર હાઈવે પર બાયપાસ બ્રિજના નીચેના રસ્તો બિસ્માર હોય દુકાનદારો હેરાન પરેશાન થતા હોય જેથી હાઈવે તંત્રને રજુઆત કરવા છતાં કોઈ કામગીરી ન કરાતા અંતે દુકાનદારો દ્વારા રસ્તા પર પથ્થરો તેમજ ઝાડની ડાળીઓ મુકી બન્ને સાઈડ રસ્તો બંધ ચકકાજામ કરતા અનેક વાહન વ્યવહાર કલાક સુધી ઠપ્પ થઈ જતાં વાહન ચાલકોને હાઈવે બાયપાસ ફરીને જવાનો વખત આવ્યો હતો.