શિવરાજપુર બીચ- કચ્છ સહિત ત્રણ સ્થળોએ કેરેવાન ટુરીઝમ શરૂ થશે

21 November 2022 02:37 PM
kutch Gujarat Travel
  • શિવરાજપુર બીચ- કચ્છ સહિત ત્રણ સ્થળોએ કેરેવાન ટુરીઝમ શરૂ થશે

♦ હોટલમાં રહેવાની જરૂર નહીં, ખાસ વાહનમાં જ તમામ સુવિધા ઉપલબ્ધ હશે

♦ બસ જેવા ખાસ વાહનમાં જ રહેવાનુ અને ફરવાનુ: એક-એક સપ્તાહના પેકેજ: ખાસ પાર્ક માટે સાપુતારામાં જમીન લેવાઈ ગઈ, શિવરાજપુર તથા કચ્છના રૂદ્રાણી ડેમ નજીક જમીન મેળવવા પ્રક્રિયા

અમદાવાદ: ગુજરાતીઓ પ્રવાસન શોખ માટે જાણીતા છે. તેમાં પણ એનઆરઆઈ સીઝનમાં આવતા ગુજરાતીઓને પણ પ્રવાસ દરમિયાન તેમને ઘર જેવું જ રહેવાનું અને જમવાનું જોઈતું હોય છે. ગુજરાતીઓના આ શોખને ધ્યાનમાં રાખીને જ ગુજરાત ટુરીઝમ દ્વારા રાજયમાં પ્રથમવાર ‘કેરેવાન ટુરીઝમ’ કોન્સેપ્ટ રજુ કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત રાજયના ત્રણ જાણીતા પ્રવાસન સ્થળ સાપુતારા, (બ્લ્યુ ફલેગ બીચ) શિવરાજપુર બીચ અને કચ્છના રુદ્રાણી ડેમ ખાતે ગુજરાત ટુરીઝમ દ્વારા ‘કેરેવાન પાર્ક’ બનાવાઈ રહ્યું હોવાનું ગુજરાત ટુરીઝમના સૂત્રો જણાવે છે. જેથી ટુરીસ્ટ પરિવાર સાથે ઘર જેવી જ સુવિધા ધરાવતાં કેરેવાન વ્હીકલમાં રહી શકે અને ટુરીસ્ટ પ્લેસનો આનંદ લઈ શકશે.

દરેક વેકેશનમાં દેશના અને રાજયનાં જાણીતાં પ્રવાસન સ્થળો ગુજરાતી ટુરીસ્ટોથી ઉભરાય છે. મોટાભાગના ટુરીસ્ટ પ્લોસ ઉપર ગુજરાતી જમણ ઉપલબ્ધ હોય છે. આમ છતાં ગુજરાતી સહિત કોઈપણ ટુરીસ્ટ હોય તે દરેકને ટુરીસ્ટ પ્લેસ ખાતે ઘર જેવું રહેવાનું અને જમવાનું ન મળી શકે એ સ્વાભાવિક છે. ગુજરાતી સહિત કોઈપણ પ્રવાસીને પ્રવાસ દરમ્યાન ઘર જેવું જમવાનું અને રહેણાંક મળે તે માટે પ્રવાસન ઈતિહાસમાં રાજયમાં પ્રથમવાર ગુજરાત ટુરીઝમ ‘કેરેવાન ટુરીઝમ’નો કન્સેપ્ટ લઈને આવ્યુંં છે.

કેરેવાન ટુરીઝમ અને કેરેવાન પાર્ક કોન્સેપ્ટ અંગે ગુજરાતી ટુરીઝમના એક ઉચ્ચ અધિકારી કહે છે કે, ગુજરાત ફરવા આવતા એનઆરઆઈ હોય કે અન્ય પ્રવાસી દરેકને તેમનાં મનગમતાં ટુરીસ્ટ પ્લેસ ઉપર મનગમતું ભોજન મળી રહે એ માટે કેરેવાન પાર્ક- ટુરીઝમ કન્સેપ્ટ રજુ કરાયો છે. જેમાં ટુરીસ્ટ માટે ખાસ મોડીફાઈડ કરાયેલી જુદી જુદી કેરેવાન બસમાં 6,8,10 અને 12 વ્યક્તિ રહી શકે તેવી કેરેવાન બસ અમે પીપીપી ધોરણે રજુ કરીશું.

જેમાં લકઝુરીયસ હોટલ જેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરાશે. દરેક બસમાં એરકન્ડીશનર, કિચન, ટોઈલેટ, બાથરૂમ અને સુવાની વ્યવસ્થા હશે. તદુપરાંત તેમાં ટેલીવીઝન અને ઈન્ટરનેટની પણ સુવિધાઓ ઉપલબ્ધ હશે. જેથી ટુરીસ્ટને બિલકુલ ઘર જેવી ફીલિંગ આવશે.

રાજયમાં સાપુતારા, શિવરાજપુર બીચ અને કચ્છના રુદ્રાણી ડેમ ખાતે અમે કેરેવાન પાર્ક બનાવી રહ્યાં છીએ. જયાં રાત્રે કેરેવાન બસને પાર્ક કરી શકાય. કેરેવાન ટુરીઝમ અંતર્ગત પ્રાથમીક તબકકે સાપુતારામાં રૂા.4 કરોડના ખર્ચે અને શિવરાજપુર બીચ અને રૂદ્રાણી ડેમ ખાતે રૂા.બે-બે કરોડના ખર્ચે કેરેવાન પાર્ક તૈયાર થઈ રહ્યાં છે. આ ત્રણેય સ્થળના જુદા જુદા 4 દિવસથી માંડીને એક અઠવાડિયાના કેરેવાન બસ પેકેજમાં આસપાસના સ્થળોએ પ્રવાસીઓને ફેરવવામાં આવશે.

આ દરેક ટુરીસ્ટ પ્લેસ ખાતે આખા દિવસના સાઈટસીન બાદ ટુરીસ્ટને લઈ બસને કેરેવાન ખાતે પાર્ક કરી શકાશે. આથી અમે દરેક કેરેવાન પાર્કને તમામ પ્રકારની સુવિધાઓથી સજજ બનાવી રહ્યાં છીએ. દરેક પાર્કમાં અંદાજે 10 કેરેવાન પાર્ક કરી શકાશે. જયાં દરેક બસ માટે ઈલેકટ્રીક ચાર્જીંગ પોઈન્ટ, વોટર કનેકશન અને વેસ્ટ કલેકશન પોઈન્ટ પણ મુકાશે.

તદુપરાંત કેરેવાન પાર્કમાં ગાર્ડન એરિયા, કિચન એરિયા, કેફેટેરિયા, કેમ્પફાયર એરિયા પણ બનાવાશે. જેથી દિવસભરના પ્રવાસ બાદ પાર્કના કિચન એરિયામાં પણ ટુરીસ્ટ પોતાનું મનગમતું ભોજન બનાવી શકશે અને પરિવાર સાથે કેમ્પ ફાયર જેવી એકટીવીટી પણ કરી શકાશે.

સૂત્રો કહે છે કે, કેરેવાન પાર્ક બનાવવા સાપુતારામાં જમીન મેળવી લેવાઈ છે. શિવરાજપુર બીચ અને કચ્છના રૂદ્રાણી ડેમ ખાતે જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ રહી છે. આગામી સમયમાં સરકારની મંજુરી મળ્યા બાદ અન્ય સ્થળોએ પણ આ જ પ્રકારે કેરેવાન પાર્ક બનાવશે. અલબત, આ માટેની તમામ પ્રક્રિયા હજી ચાલી રહી છે.

હાલ રાજયમાં તૈયાર થઈ રહેલા કેરેવાન પાર્ક અને આસપાસના ટૂરીઝમ સ્પોટ
સાપુતારા: શબરી ધામ, ડોન ધોધ, પંપા સરોવર, અંજનકુંડ, વાંસદા નેશનલ પાર્ક, વધઈ બોટનિકલ ગાર્ડન.
શિવરાજપુર બીચ: દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર તીર્થ, માધવપુર ઘેડ તથા અન્ય સ્થળ.
રૂદ્રાણી ડેમ-કચ્છ: ધોરડો, સફેદ રણ, ભુજ સીટી, નિરોણાં વિલેજ, કાળો ડુંગર, ભારત-પાકિસ્તાન બોર્ડર.

કેરેવાનમાં લકઝુરીયસ હોટલ જેવી સુવિધા
દરેક કેરેવાન બસ એરકન્ડીશન્ડ હશે અને તેમાં 6થી12 વ્યક્તિઓના રહેવા, સૂવા અને જમવાની વ્યવસ્થા હશે. જેમાં કિચન, સીટીંગ એરિયા, ટેલિવિઝન, ઈન્ટરનેટ, વોશબેઝીન, ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા હશે.

કેરેવાન પાર્કમાં પણ ઘણી એકટીવીટી. સાપુતારા, શિવરાજપુર બીચ અને કચ્છ ખાતે બની રહેલા કેરેવાન પાર્કમાં રાત્રે 10 જેટલી બસ પાર્ક કરી શકાશે. જયાં તમામ પ્રકારની સિકયુરીટી સાથે કેફેટેરિયા, ગાર્ડન, કોમ્પફાયર એરિયા, સીટીંગ એરિયા ઉપરાંત કિચન એરિયા પણ હશે. જયાં પ્રવાસી ઈચ્છે તો મનગમતું ભોજન પણ જાતે બનાવી શકશે.


Related News

Advertisement
Advertisement
Advertisement