સિનિયર V/s જુનિયર મતદારોનો જંગ ! 24% મતદારોએ કોંગ્રેસનું શાસન જ જોયું નથી

21 November 2022 03:06 PM
Rajkot Elections 2022 Politics Saurashtra
  • સિનિયર V/s જુનિયર મતદારોનો જંગ ! 24% મતદારોએ કોંગ્રેસનું શાસન જ જોયું નથી

► રાજ્યમાં 50% આસપાસ મતદારો 40 વર્ષથી ઓછા : પરિણામમાં મહત્વની ભૂમિકા ભજવશે

► ગત ચૂંટણીમાં ભાજપ નર્વસ નાઈન્ટીનનો ભોગ બન્યું તેમાં યુવાનો માટે બેરોજગારી, અનામત સહિતના મુદ્દાઓ મહત્વની ભૂમિકા ભજવી ગયા : વર્તમાન ચૂંટણીમાં યુવાનોને આકર્ષી શકે તેવું કશું નથી:પ્રથમ વખત નોંધાયેલા મતદારો ફક્ત 11 લાખ : 30થી 39 વર્ષના 1.21 કરોડ : 20 થી 29ના 1.02 કરોડ

રાજકોટ,તા. 21
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે પ્રથમ તબક્કાના મતદાનમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સમગ્ર ચૂંટણીમાં આ સપ્તાહમાં મહત્વનું સાબિત થશે. એક તરફ ગઇકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ગુજરાતને આવરી લેતા ચૂંટણી પ્રવાસોમાં આક્રમક રીતે પ્રચાર શરુ કર્યો છે અને આજે રાહુલ ગાંધી પણ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે અને આગામી દિવસોમાં ફરી એક વખત આવશે પરંતુ મુદ્દા વગરની આ ચૂંટણીમાં ગુજરાતમાં યુવાવર્ગ કઇ તરફ મતદાન કરે છે તેના પર સમગ્ર પરિણામનો આધાર છે.

રાજ્યમાં પ્રથમ વખત વાસ્તવિક ત્રિકોણીય જંગ ખેલાઇ રહ્યો છે અને તેમાં દિલ્હીમાંથી આમ આદમી પાર્ટી વડા અરવિંદ કેજરીવાલ જે બદલાવની વાત કરે છે તે મુખ્યત્વે ગરીબો અને સામાન્ય વર્ગને ટાર્ગેટ કરે છે. કોંગ્રેસના પ્રચારમાં ફક્ત પરિવર્તનની વાત છે અને રેવડી કલ્ચર પર આ બંને પક્ષો ચાલ્યા ગયા છે. જ્યારે ભાજપના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર અને ગુજરાતમાં વર્તમાન સરકારની કામગીરીના આધારે મત માગવામાં આવી રહ્યા છે.

પરંતુ રાજ્યસભાની ચૂંટણી હોવા છતા તેમાં ખાસ કરીને યુવાનોને આકર્ષી શકે તેવા કોઇ મુદ્દા સામે આવ્યા નથી અને સૌથી રસપ્રદ બાબત એ છે કે રાજ્યમાં 4.9 કરોડ મતદારોમાંથી ઓછામાં ઓછા 2.35 કરોડ મતદારો એવા છે કે જે 40 વર્ષ કે તેથી ઓછી ઉંમરના છે. રાજ્યમાં ચાલુ વર્ષે ફર્સ્ટ ટાઈમ વોટર એટલે કે 18-19 વર્ષના મતદાતા હોય તે 11.74 લાખ છે જ્યારે 30થી 39 વર્ષના 1.21 કરોડ અને 20 થી 29 વર્ષના 1.02 કરોડ મતદારો છે. આમ પ્રથમ વખત સિનિયર સિટીઝનમાં એન્ટ્રી કરવા જતા મતદારો અને યુવા મતદારો વચ્ચેના આ જંગ માની શકાય છે.

ચૂંટણી પંચે ખાસ કરીને જે રીતે નવા મતદારોની નોંધણી માટે ઘણી છૂટછાટો સાથે આખરી ઘડી સુધીની ઝુંબેશ ચલાવી તેના કારણે યુવા મતદારોની સંખ્યામાં વધારો થયો છે. અને રસપ્રદ બાબત એ છે કે ગુજરાતમાં વર્તમાન મતદારોમાંથી મોટાભાગના મતદારો એવા છે કે જેણે ફક્ત ભાજપની જ સરકાર જોઇ છે.

જો કે સૌથી મહત્વનું એ છે કે ગત ચૂંટણીમાં ભાજપને જ્યારે 99 બેઠક મળી તે સમયે પણ 40 વર્ષ સુધીના મતદારોની સંખ્યા સૌથી વધુ હતી અને તેમ છતા મોટાપાયે ભાજપ વિરોધી મતદાન થયું તેમાં પાટીદાર અનામત આંદોલનનો સૌથી મોટો ફાળો હોવાનું માનવામાં આવે છે પરંતુ તેના કારણે અનામતનો મુદ્દો જે સળગ્યો તે પણ ભાજપની ફેવરમાં ન હતો. આ ચૂંટણીમાં ભાજપ ઘણુ સાવધાનીથી આગળ વધી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement