રાજકોટ ગુરુકુળના અમૃત મહોત્સવ નિમિતે 75 કુંડી શ્રીધર યજ્ઞ

21 November 2022 04:18 PM
Rajkot Dharmik
  • રાજકોટ ગુરુકુળના અમૃત મહોત્સવ નિમિતે 75 કુંડી શ્રીધર યજ્ઞ

યજ્ઞ શાળા કમળાકાર બનશે, કમળાકાર કુંડને શ્રીધર કહેવાય છે: 1008 જળયાગ: હજારો હરિભકતોને ભગવાનની પ્રતિમા પર જલાભિષેકનો લાભ: ગુરુકુળ અમૃત મહોત્સવ નિમિતે વિવિધ અનુષ્ઠાનોના આયોજનો

રાજકોટ,તા.21
આ યજ્ઞ પરંપરા અધ્યાત્મ પોષક છે અને સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. સૃષ્ટિના અનેક રહસ્યો પણ યજ્ઞ સાથે જોડાયેલા છે. યજ્ઞ ફૂંડોની આકૃતિઓ, યજ્ઞ ફૂંડમાં હોમાતા સમિધ- દ્રવ્યો ઘી વગેરેથી અકલ્પનીય લાભ થઇ રહ્યા છે, જે આજનું વિજ્ઞાન પણ જણાવે છે. આવી અજોડ પરંપરાનું ભગવાન શ્રી સ્વામિનારાયણે ખૂબ પોષણ અને જતન કરેલું છે . એ પરંપરા અનુસાર રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના માધ્યમથી ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ વિશેષ તેનું પ્રવર્તન કરેલું છે .
બીજા વિશ્વયુદ્ધના સમયે ઇ.સ. 1945માં જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 21 દિવસનો યજ્ઞ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કરેલ. એ સમયે નામદાર નવાબ સરકારની અનુમતિ મેળવી, એમના સાથ સહકારથી વિશ્વશાંતિ માટે યોજાએલ યજ્ઞથી પૂર્ણાહુતિના સમયે યુદ્ધની સમાપ્તિ થયેલી! નિષ્કામ યજ્ઞમાં આવી તાકાત જરૂર રહેલી છે.

આજે પણ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને પ્રેરણાથી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની વિવિધ શાખાઓમાં નિયમિત યજ્ઞયાગ આદિક થઈ રહેલ છે.

આ યજ્ઞ ભક્તોના અધ્યાત્મનો પોષક છે. મનોકામનાને પૂર્ણ કરનારો છે. વાતાવરણને શુદ્ધ કરે છે અને આરોગ્યવર્ધક છે એમ શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ કહ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75 વર્ષના અવસરે જ્યારે અમૃત મહોત્સવ ઉજવાનાર છે એ પ્રસંગે અનેકવિધ શૈક્ષણિક અને સામાજિક સેવા કાર્યોની સાથે ભક્તિમય શ્રી મહાવિષ્ણુયાગ કહેતાં યજ્ઞનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે.

75 યજમાનો સફેદ ધોતિ પહેરશે અને પીળી શાલ ઓઢીને યજ્ઞનો લાભ લેશે. પવિત્ર નિર્વ્યસની ભૂદેવો મંત્રોના ગાન સાથે યજમાનોને આહૂતિઓ અપાવશે.

આ પ્રસંગે શાસ્ત્રોમાં બતાવેલા વિવિધ યજ્ઞોની વાત રાજ્કોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિવિધ કર્મકાંડ કરાવી રહેલા કિશોરભાઈ દવેએ કહ્યું હતું કે રાજસૂય યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, વાજપેય યજ્ઞ, મારૂતિ યાગ, રૂદ્રયાગ અને વિષ્ણુયાગ વિશેષણે પ્રખ્યાત છે. તેના ફૂંડો પણ જે તે દેવોની પ્રસન્નાર્થે વિવિધ પ્રકારના હોય છે. જેમાં શ્રીધર ફૂંડ - કમળ ફૂંડ, ચોરસ ફૂંડ, અર્ધવર્તુળ આકારનો ફૂંડ, ત્રિકોણ આકારના કૂંડ, ષટકોણ ફૂંડ વગેરે આકાર પ્રકારના ફૂંડો કહેલાં છે. અહીં રાજકોટના કણકોટ મવડી રોડ ઉપર સહજાનંદનગરમાં યોજાનાર અમૃત મહોત્સવમાં શ્રીધર ફૂંડી યજ્ઞ યોજાશે. શ્રી એટલે લક્ષ્મીજી. તેમનું આસન કમળ છે. કમળાકાર ફૂંડને શ્રીધર કહે છે. 75 ફૂંડોને સમાવતી યજ્ઞશાળા પણ કમળાકાર બનાવાશે. કમળની પાંખડીઓમાં ફૂંડોની રચના કરાશે. આ યજ્ઞશાળામાં પરિવાર સહિત ગણપતિજીનું સ્થાપન, વાસ્તુદેવ સ્થાપન, યોગીની મંડળ અર્થાત મહાલક્ષ્મી સહિત 64 માતાઓનું સ્થાપન, બ્રહ્માદિ દેવો, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, ક્ષેત્રપાળ, નવ ગ્રહમંડળ, શિવજી, બ્રહ્માજી, અગ્નિ વગેરે દેવોનું સ્થાપન થશે.

યજ્ઞમાં હોમવા માટેના લાકડા પણ શાસ્ત્રો અને ઋષિમુનિઓએ પ્રતિપાદિત કરેલ જેવા કે ખેર, ઉંમરો, અધેડો, પીપળો, ખીજડો, આંકડો, ખાખરો,અડાયા છાણા વગેરે વપરાશે. જેનો સંગ્રહ એક વર્ષ પહેલાથી કરવાનો શરૂ કરાયેલ. કાષ્ટની સાથે જવ, તલ, ડાંગર, કમળકાકડી, કપૂરકાચલી, તમાલપત્ર, સુગંધવાળો, ધી તથા દૂધમાં રાંધેલ હવિષ્યાન વગેરે સામગ્રીઓ અગ્નિ નારાયણને અર્પણ કરાશે. શ્રી પુરુષસૂક્ત, વિષ્ણુસહસ્ત્રનામ, સર્વમંગલ સ્તોત્ર, જનમંગલસ્તોત્ર, વગેરે વૈદિક સ્તોત્રના ગાન સાથે યજમાનો સ્વામિનારાયણને આહૂતિઓ અર્પશે. આ સમયે પ્રગટતી ધૂમ્ર શેરો વાયુને પ્રદૂષિતતામાંથી મુક્ત કરે છે. માણસની આંખને વિશેષ જ્યોતિ પ્રદાન થાય છે. જેનાથી તેમને સુસ્પષ્ટ જોવાની શક્તિ મળે છે.

સનાતન પરંપરાના પોષણ અર્થે આયોજિત આ યજ્ઞશાળાના મહિલા પુરુષો દર્શન કરી શકશે. યજ્ઞશાળાને પ્રદક્ષિણા કરી શકશે. પરંપરાથી કહેવાય છે કે 108 પ્રદક્ષિણા કરનારને હોમ કરી રહેલા યજમાન જેટલું ફળ મળે છે.

જળાભિષેક:
અમૃત મહોત્સવ સમયે તારીખ 23 અને 24 ડિસેમ્બર દરમ્યાન સહજાનંદનગર મવડી કણકોટ રોડ ખાતે 1008 જળયાગ યોજાશે. જેમાં શિવ મંદિરમાં મહાદેવજીના લીંગ ઉપર જળનો અભિષેક થતો રહેતો હોય છે તેમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રતિમા ઉપર 1008 મહિલા પુરુષો અભિષેક કરશે. કાસ્ટના સરવાથી ભગવાન ઉપર કેસર ચંદન મિશ્રિત સુગંધિમાન જળથી અભિષેક કરાશે. ઓમ નમો ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમ: આ મંત્રના ઉચ્ચારણ સાથે ભગવાન ઉપર અભિષેક થતો રહેશે. સવારે 8:30 થી 11:30 અને બપોર પછી 2:30 થી 5:30 દરમ્યાન જળાભિષેક થશે.

અમૃત મહોત્સવના ઉપલક્ષ્યે વર્ષ દરમિયાન 1600 ઘરે જળાભિષેકનું આયોજન થયેલું. તેમાં 26 કરોડ જેટલા મંત્રો જપાયેલા. ભક્તોના હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ પ્રગટાવવા અમૃત મહોત્સવના ઉપક્રમે આવા અવનવા આયોજન સ્વામીશ્રી ધર્મવલ્લકભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસારે થયેલા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement