વૈદિક જયોતિષ શાસ્ત્રને અનુસાર બધા જાતકોના જીવન પર ગ્રહોનો વિશેષ પ્રભાવ રહે છે. બધા ગ્રહો એક નિશ્ર્ચિત અંતરાલ પર રાશિ પરિવર્તનની સાથે સાથે માર્ગી, વક્રી, ઉદય અને અસ્ત રહેતા હોય છે. ગ્રહોની ચાલમાં બદલાવની અસર બધી રાશિઓના જાતકોના જીવન પર પડે છે. સુખ અને ભોગ વિલાસ પ્રદાન કરનારા શુક્ર ગ્રહનો આજે તા.21મી નવે.ના સોમવાર ઉદય થયો છે.
શુક્ર ગ્રહ 30 સપ્ટે.ના અસ્ત થયો હતો. અહીં ગ્રહોના અસ્ત થવાનો અર્થ એ છે કે જયારે કોઇ ગ્રહ સૂર્યની નજીક આવે છે ત્યારે તે ગ્રહનો પ્રભાવ ક્ષીણ થઇ જાય છે. તેને અસ્ત કહેવાય છે. ગ્રહનું અસ્ત થવા પર તે પોતાનો શુભ પ્રભાવ આપતું નથી. આ કારણે જ અસ્ત થવા પર તેને સંબંધિત બધા પ્રકારના કાર્યો થોડીવાર માટે રોકાઇ જાય છે. આજે તા.21ના શુક્રનો ઉદય થવા પર અષ્ટલક્ષ્મી રાજયોગને અત્યંત શુભ માનવામાં આવ્યો છે. આ રાજયોગનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે શુભ રહેનારો છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે અષ્ટલક્ષ્મીનો રાજયોગ અત્યંત શુભ ફળ આપનારો સાબિત થશે. આ રાજયોગ વિશેષ રૂપથી કેરિયર અને વેપારમાં સારો લાભ આપશે. જયોતિષ ગણનાને અનુસાર શુક્રનો ઉદય આ રાશિમાં 10માં ભાવમાં થયો છે. કુંડળીનો દસમો ભાવ કેરિયર અને કાર્યક્ષેત્રનો ભાવ માનવામાં આવે છે. એવામાં આ રાશિના લોકોને વેપારથી સારો નફો અને નવી યોજના જલ્દી સફળ થાય. વેપારમાં જાતકને કોઇ એવી ડીલ મળી શકે છે. જેથી જાતકનો વેપાર અનેક ગણો વધી શકે છે. નોકરીયાતો માટે પણ શુભ રહેશે.
વૃશ્ર્ચિક રાશિ
આ રાશિના જાતકો માટે શુક્રના ઉદયની સાથે બનેલો અષ્ટલક્ષ્મી રાજયોગ અત્યંત શુભ અને શાનદાર પરિણામ આપનારો સાબિત થઇ શકે છે. શુક્રનો ઉદય જાતકની રાશિમાં થવાથી અનેક ગણો લાભ મળી શકે છે. ધન લાભના અનેક અવસરો હાથમાં આવશે. આર્થિક ક્ષેત્રે સુધારો જોવા મળે. નોકરી માટે સારો સમય રહે. વેતનમાં વૃદ્ધિનો સંકેત છે. માન-સન્માન મળે. કોઇ નવી યોજના પર કામ કરવા ઇચ્છતા હોય તો લાભ મળે. શુક્ર ગ્રહનું ગોચર અને દ્રષ્ટિ જાતકની કુંડળીના સાતમા ભાવમાં થઇ રહયો છે. જેના કારણે વૈવાહિક જીવન સુમધુર રહે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે અષ્ટલક્ષ્મી રાજયોગ અત્યંત શુભ રહેનારો છે. તમારી રાશિમાં શુક્ર ગ્રહનો ઉદય નવમા ભાવે ઉદય થયો છે. કુંડળીમાં નવમો ભાવ ભાગ્ય અને વિદેશયાત્રાનો ભાવ કહેવાય છે. આ કારણથી જાતકનો રોજગાર અને વેપારમાં વૃદ્ધિ થાય. દેશ વિદેશની યાત્રાઓ પણ થઇ શકશે. જેમાં નવા-નવા અવસરોની પ્રાપ્તિ થાય. ધનલાભ થવાના સરસ સંકેત છે.