ડેંગ્યુના ભરડા વખતે જ સિવિલમાં લોહીની કટોકટી: ગરીબ દર્દીઓને રઝળપાટ

21 November 2022 04:57 PM
Rajkot Health
  • ડેંગ્યુના ભરડા વખતે જ સિવિલમાં લોહીની કટોકટી: ગરીબ દર્દીઓને રઝળપાટ

10ની જરૂરિયાત સામે માત્ર 1 ડૉનર ! લોહી વેચાતું લેવાની મજબૂરી

► નિયમિત રક્તદાન કરતાં દાતાઓની ‘ઉદાસીનતા’ જરૂરિયાતમંદ દર્દીઓ માટે નોંતરી રહેલી મુશ્કેલી: એ-પોઝિટીવ અને બી-પોઝીટીવ દર્દીની સોલિડ ખેંચ

► સિવિલમાં દરરોજ 70થી 75 બોટલની જરૂર સામે એકઠું થાય છે માત્ર 30 બોટલ : દૈનિક 35 જેટલા થેલેસેમિક દર્દીઓને અત્યારે કોઈ પણ ભોગે પ્રાઈવેટ બ્લડબેન્કમાંથી ખરીદવું પડતું લોહી

► હજુ ડિસેમ્બરના અંત સુધી આવી જ પરિસ્થિતિ રહેવાના ભણકારા: સામાજિક સંસ્થાઓ-રક્તદાતાઓને આગળ આવવા અપીલ: બહારગામથી આવતાં દર્દીઓની હાલત સૌથી વધુ કફોડી

રાજકોટ, તા.19
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ડબલ ઋતુ મતલબ કે સવારે ઠંડી, બપોરે ગરમી અને રાત્રે ફરી ઠંડીની સીઝનને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. ચિંતાની વાત એ છે કે આ પ્રકારના વાતાવરણમાં મચ્છરોના ડંખમાં વધારો થઈ રહ્યો હોવાથી મેલેરિયા-ડેંગ્યુનો રોગચાળામાં હદ બહારનો વધારો દેખાઈ રહ્યો છે. આ સ્થિતિમાં અત્યારે સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓ સારવાર મેળવવા માટે આવી રહ્યા છે બરાબર ત્યારે જ લોહીની જબરદસ્ત કટોકટી સર્જાઈ જતાં દર્દીઓના પરિવારજનોમાં રીતસરની રઝળપાટ જોવા મળી રહી છે. ખાસ કરીને ડેંગ્યુના રોગમાં લોહીની વધુ જરૂરિયાત રહેતી હોવાને કારણે અત્યારે ડેંગ્યુના દર્દીઓને લોહીની વધુ જરૂર પડે છે. સ્થિતિ એવી છે કે અત્યારે 10 દર્દીઓને લોહીની જરૂરિયાત સામે માત્ર એક ડૉનર લોહી આપવા માટે તૈયાર હોય છે એટલા માટે લોકોને લોહી વેચાતું લેવા મજબૂર બનવું પડી રહ્યું છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં અત્યારે એ પોઝિટીવ અને બી પોઝિટીવ લોહીની જોરદાર ખેંચ જોવા મળી રહી છે. સામાજિક સંસ્થાઓ દ્વારા નિયમિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહી રહ્યું છે પરંતુ તેમાં રક્તદાતાઓ દ્વારા રાખવામાં આવતી ઉદાસીનતા જરૂરિયાતમંદ દર્દીઓ માટે મુસિબત નોંતરી રહી છે. એક અંદાજ પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં દરરોજ 70થી 75 બોટલ લોહીની જરૂરિયાત સામે અત્યારે માંડ માંડ 25થી 30 બોટલ જેટલું જ લોહી એકઠું થઈ રહ્યું છે. આટલું ઓછું હોય તેમ સિવિલમાં દરરોજ થેલેસેમિક દર્દીઓને ચડાવવા માટે જ 35 બોટલની જરૂરિયાત છે તેટલું પણ પૂર્ણ થઈ શકતું નથી ત્યારે અન્ય દર્દીઓ માટે લોહીની વ્યવસ્થા કેવી રીતે કરવી તે એક મોટો પ્રશ્ર્ન સર્જાયેલો જ જોવા મળે છે. પાછલા એકાદ મહિનાથી આ પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી હોવાનું તેમજ હજુ ડિસેમ્બરના અંત સુધી તે યથાવત રહેશે. ત્યારબાદ લોહી એકઠું થવાના સિલસિલામાં સુધારો થઈ શકે છે.

સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના દર્દીઓ એવા હોય છે જેમને ખાનગી હોસ્પિટલોની મોંઘીદાટ સારવાર પરવડે તેમ હોતી નથી. જો કે આ દર્દીઓને જ્યારે સિવિલમાં લોહીની જરૂર પડે અને ઉપલબ્ધ ન હોય એટલે ખાનગી બ્લડ બેન્કમાંથી લેવા માટે મજબૂર બનવું પડે છે. જો તેમાં પણ બહારગામથી કોઈ દર્દી અહીં દાખલ હોય અને બહારથી લોહી લેવાનું થાય તો તેની મુશ્કેલીનો પાર રહેતો હોતો નથી કેમ કે અહીં તેની કોઈ જ ઓળખાણ હોતી નથી. આ ઉપરાંત અનેક દર્દીઓ એવા હોય છે જેમણે ઉધાર-ઉછીના કરીને લોહી ખરીદવું પડે છે. એવું પણ નથી કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન ઘટી ગયું...સામાજિક સંસ્થાઓ દ્વારા રાબેતા મુજબ અને નિયમિત રીતે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ ભૂતકાળમાં જે રીતે હોંશે હોંશે દાતાઓ રક્તદાન કરતા હતા તેવું અત્યારે થઈ રહ્યું ન હોવાથી લોહીની અછતમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ‘એ-પોઝિટીવ’ અને ‘બી-પોઝિટીવ’ લોહીની એકલી સિવિલ જ નહીં બલ્કે આખા રાજકોટમાં અછત હોવાને કારણે દર્દીઓ રીતસરના આમતેમ રઝળપાટ કરી રહ્યા છે. દરમિયાન સામાજિક સંસ્થાઓ દ્વારા અત્યારે રક્તદાતાઓને આગળ આવી વધુમાં વધુ રક્તદાન થાય તે માટેની સોશ્યલ મીડિયા સહિતના માધ્યમો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. જો રક્તદાતાઓ વધુમાં વધુ રક્તદાન કરશે તો અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચી જશે તેમ કહેવામાં પણ કોઈ અતિશ્યોક્તિ નથી.

થેલેસેમિક દર્દીઓનો મરો: લાં...બા વેઈટિંગને કારણે જીવનું જોખમ: બાળકોની સંખ્યા વધુ
લોહીની અછતની અસર સૌથી વધુ થેલેસેમિક દર્દીઓ ઉપર જોવા મળી રહી છે કેમ કે આ બીમારીના દર્દીઓને લગભગ દરરોજ લોહીની જરૂરિયાત પડતી હોય છે. અત્યારે સિવિલમાં જ 30થી 35 જેટલા થેલેસેમિક દર્દીઓને રોજ લોહી ચડાવવું પડે છે જેની સામે માંડ 25થી 30 બોટલ રક્ત એકઠું થતું હોવાને કારણે અમુક દર્દીઓ લોહી ચડાવ્યા વગરના જ રહી જાય છે. એવું પણ નથી કે જેટલું રક્ત એકઠું થાય એ બધું જ થેલેસેમિક દર્દીઓને ચડાવી દેવામાં આવે છે કેમ કે જો આમ થાય તો અન્ય બીમારીના દર્દીઓને લોહીની ઈમરજન્સીમાં જરૂર પડે ત્યારે શું કરવું ? જેથી અમુક બોટલ લોહી અલગથી સાચવવું પડી રહ્યું છે. સરવાળે અત્યારે રક્ત ઓછું એકઠું થઈ રહ્યું હોવાને લીધે દર્દીઓનો મરો થઈ રહ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement