FIFA World cup માં બીજા દિવસે ઉલટફેર: ચાર વખતની ચેમ્પિયન જર્મનીને જાપાને આપ્યો કારમો પરાજય

24 November 2022 09:49 AM
India Sports World
  • FIFA World cup માં બીજા દિવસે ઉલટફેર: ચાર વખતની ચેમ્પિયન જર્મનીને જાપાને આપ્યો કારમો પરાજય

♦ પ્રથમ હાફમાં ગોલ ખાધાં બાદ સેકન્ડ હાફની આઠ જ મિનિટમાં બબ્બે ગોલ કરી મેચ 2-1થી જીતી: રિત્સુ દોઅને 75મી અને તાકુમા અસાનોએ 83મી મિનિટમાં ગોલ કરી જાપાનને જીતાડ્યું

♦ 44 વર્ષ બાદ જર્મની પ્રથમ હાફમાં લીડ લીધા બાદ હાર્યું: 24 વર્ષ બાદ મેચમાં પાછળ થયા બાદ વાપસી કરીને જાપાન જીત્યું

નવીદિલ્હી, તા.24
ફીફા વર્લ્ડકપમાં ઉલટફેરનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. સતત બીજા દિવસે એશિયન ટીમે દિગ્ગજ ટીમને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. દુનિયાની 24મા નંબરની ટીમ જાપાને 11મું રેન્કીંગ ધરાવતી ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને 2-1થી પરાજય આપ્યો છે. સઉદી અરબ બાદ જાપાનની આ જીત એશિયન ટીમોના ‘પાવર’નો પૂરાવો આપે છે.

સઉદી અરબ અને જાપાન દ્વારા કરવામાં આવેલા ઉલટફેરમાં ગજબની સમાનતા જોવા મળી છે. બન્ને ટીમોએ પ્રથમ હાફમાં 1-0થી પાછળ થયા બાદ જીત મેળવી છે. બન્ને વિરુદ્ધ પ્રથમ ગોલ પેનલ્ટીથી જ થયો છે. બીજા હાફમાં વિજેતા ટીમે બે ગોલ અત્યંત ઓછા સમયમાં માર્યા છે. સઉદી અરબે જ્યાં આર્જેન્ટીના વિરુદ્ધ પાંચ મિનિટની અંદર બે ગોલ કર્યા તો જાપાને આઠ મિનિટની અંદર બબ્બે ગોલ કર્યા છે. જર્મની માટે ‘જાપાની મેસ્સી’ ગણાતા રિત્સુ દોઅન (75મી મિનિટ) અને તાકુમા અસાનો (83મી મિનિટ)એ ગોલ કર્યો હતો. જ્યારે જર્મની વતી એકમાત્ર ગોલ ઈલ્કે ગુંડોગન (33મી મિનિટ)એ કર્યો છે.

જાપાને વર્લ્ડકપના પોતાના 24 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મેચમાં પાછળ થઈ ગયા બાદ વાપસી કરીને જીત હાંસલ કરી છે. 1998થી સતત સાતમીવાર આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં રમી રહેલા જાપાને સતત બીજી અને કુલ ત્રીજીવાર પોતાનો પ્રથમ મુકાબલો જીત્યો છે.

વર્લ્ડકપમાં 44 વર્ષ બાદ જર્મનીની ટીમ પહેલાં હાફ સુધી લીડ મેળવ્યા બાદ કોઈ મુકાબલો હારી છે. આ પહેલાં આર્જેન્ટીનામાં 1978માં ઑસ્ટ્રિયા વિરુદ્ધ લીડ લીધા બાદ ટીમ 2-3થી હારી હતી. સતત બીજી અને કુલ ત્રીજીવાર જર્મનીની ટીમ પોતાનો પ્રથમ મુકાબલો હારી છે. પાછલીવાર તેને પ્રથમ મુકાબલામાં મેક્સિકોએ 0-1થી હરાવ્યું હતું. ત્યારબાદ દક્ષિણ કોરિયાએ 2-0થી હરાવીને તેને શરૂઆતમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું હતું.

આજે જોવા મળશે ‘રોનાલ્ડો મેજિક’: પોર્ટુગલની ટક્કર ઘાના સાથે
પોર્ટુગલ-ઘાના વચ્ચે આજે રમાનારી મેચમાં સૌની નજર સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઉપર ટકેલી હશે જે પોતાનો પાંચમો અને સંભવત: અંતિમ વર્લ્ડકપ રમવા ઉતરશે. 37 વર્ષીય રોનાલ્ડોએ મેન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબ છોડીને સૌને ચોંકાવી દીધા છે એટલા માટે વર્લ્ડકપનું તેનું પ્રદર્શન એ નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કે ભવિષ્યમાં તે કઈ ક્લબ સાથે જોડાશે. બીજી બાજુ ઘાનાની ટીમ પણ છૂપી રુસ્તમ હોય તેવી રીતે ઉલટફેર કરવા માટે સક્ષમ છે.

આજના મુકાબલા

મેચ  સમય
સ્વિત્ઝરલેન્ડ-કેમરુન  બપોરે 3:30
બ્રાઝીલ-સર્બિયા  રાત્રે 12:30
ઉરુગ્વે-દક્ષિણ કોરિયા  સાંજે 6:30
પોર્ટુગલ-ઘાના   રાત્રે 9:30

કોસ્ટારિકાની 7-0થી ધોલાઈ કરતું સ્પેન: સૌથી મોટો વિજય
સ્પેને પ્રથમ હાફમાં 20 મિનિટની અંદર ત્રણ ગોલ કરીને પોતાના પ્રથમ મુકાબલામાં કોસ્ટા રિકાને 7-0થી હરાવી વર્લ્ડકપની પોતાની સૌથી મોટી જીત હાંસલ કરી છે. આ પહેલાં તેણે 1998માં બુલ્ગારિયાને 6-1થી હરાવ્યું હતું. જ્યારે કોસ્ટારિકાની સૌથી મોટી હાર છે. ટૂર્નામેન્ટમાં પહેલીવાર કોઈ ટીમે સાત ગોલ કર્યા છે. 12 વર્ષથી ટ્રોફીની રાહ જોઈ રહેલી સ્પેનિશન ટીમ માટે ફેરેન ટોરેસે બે, દાની ઓલ્મો, માર્કે અસેન્સીયો, પેજ ગામી, કાર્લોસ સોલેર અને અલ્વારો મોરાતાએ એક-એક ગોલ કર્યો હતો.

ગત વર્લ્ડકપની રનર્સઅપ ક્રોએશિયા આ વખતે પ્રથમ મેચ ન જીતી શકી: મોરક્કો સામેનો મુકાબલો ડ્રો
ફીફા વર્લ્ડકપમાં પાછલા વર્લ્ડકપની ફાઈનલિસ્ટ ટીમ ક્રોએશિયાની ટક્કર મોરક્કો સામે થઈ હતી જે 0-0થી ડ્રો રહેવા પામી છે. આખા મેચમાં ક્રોએશિયાએ મોટાભાગના સમય સુધી બોલ પોતાની પાસે રાખ્યો હતો પરંતુ મોરક્કોએ મેચમાં શોટ વધુ લગાવ્યા હતા. ગ્રુપ એફનો આ પ્રથમ મુકાબલો હતો. મોરક્કોએ ક્રોએશિયા ઉપર સતત દબાણ બનાવી રાખ્યું હતું. આખી મેચમાં તેના તરફથી ગોલપોસ્ટ તરફ આઠ શોટ લગાવાયા હતા જેમાં બે ટાર્ગેટ પર ગયા પરંતુ ક્રોએશિયાના ગોલકિપરે તેને અટકાવ્યો હતો.

એડલ્ટ સ્ટારની મેક્સિકોના કેપ્ટનને ‘ખુલ્લી’ ઑફર !!
સ્ટાર મેક્સિકન ફૂટબોલર ગુઈલેર્મો ઓચોઆને એડલ્ટ વેબસાઈટસ ઑનલિફેન્સ મોડલે ‘ખુલ્લી’ ઑફર આપી છે. જો ગુઈલેર્મો ઓચોઆ મેક્સિકોને વર્લ્ડ કપ જીતાડે છે તો મોડલ વાન્ડા એસ્પિનોસા તેની સાથે ક્યારેય ન ભૂલી શકાય તેવી એક રાત પસાર કરશે !! ટેટુ આર્ટીસ્ટમાંથી ઑનલીફેન્સ સ્ટાર બનેલી વાન્ડાએ આ વાયદો ગોલકિપર ગુઈલેર્મો માટે કર્યો છે જેની અત્યારે આખા વિશ્વમાં ચર્ચા શરૂ થઈ જવા પામી છે.

વર્લ્ડકપમાં કોરોના હાહાકાર મચાવશે: ફ્રાન્સ-આર્જેન્ટીના વચ્ચે રમાશે ફાઈનલ: નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી
ફીફા વર્લ્ડકપને લઈને ભવિષ્ય ભાખવાનું શરૂ થઈ ચૂક્યું છે. આવી જ એક ભવિષ્યવાણી 36 વર્ષના એથોસ સૈલોમે કરી છે જેને મોર્ડન નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. તેણે તાજેતરમાં કરેલી ભવિષ્યવાણીઓસાચી પડી છે જેમાં કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ, બ્રિટનની મહારાણીનું નિધન સહિતનું સામેલ છે. હવે એથોસે એવી ભવિષ્યવાણી કરી છે કે કતારમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં કોરોના હાહાકાર મચાવશે અને ટૂર્નામેન્ટ રિ-શેડયુલ થઈ શકે છે. જ્યારે ટૂર્નામેન્ટના ફાઈનલમાં ફ્રાન્સ અને આર્જેન્ટીના વચ્ચે ટક્કર થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement