ગોંડલમાં મેમણ વેપારીના મકાનમાં સોના-ચાંદીના દાગીના મળી રૂ.2.56 લાખની ચોરી : પાડોશી શખ્સો સામે જ ફરિયાદ

24 November 2022 11:45 AM
Gondal Crime
  • ગોંડલમાં મેમણ વેપારીના મકાનમાં સોના-ચાંદીના દાગીના મળી રૂ.2.56 લાખની ચોરી : પાડોશી શખ્સો સામે જ ફરિયાદ

ફરિયાદી તોફિકભાઈ તૈલી પરિવાર સાથે દીકરાના લગ્ન પ્રસંગમાં ગયાને પાછળથી ચોરી થઈ, નવી દુલ્હનના દાગીના અને લગ્નમાં આવેલા વહેવારના કવરની રકમની ચોરી થઈ

રાજકોટ, તા.24
ગોંડલમાં મેમણ વેપારીના મકાનમાં સોના-ચાંદીના દાગીના મળી રૂ.2.56 લાખની ચોરી થઈ છે. જેમાં પાડોશી શખ્સો સામે જ ફરિયાદ નોંધાઇ છે. ઘટનાના 3 દિવસ બાદ ગોંડલ પોલીસે નામ જોગ 4 વ્યક્તિ દાઉદ યાકુબ દયાળા, મહંમદ હુસેન ખાલિદ દયાળા, સીબતેન શબ્બીર મીઠાણી અને ક્યુમ અનિષ ડબ્બાવાલા સામે ગુનો દાખલ કર્યો છે. ગુંદાળા શેરીમાં રહેતા ફરિયાદી તોફિક તૈલી પરિવાર સાથે પ્રસંગમાં ગયાને પાછળ ચોરી થઈ હતી. બે દિવસ પહેલા ચારેય આરોપીઓનું અપહરણ કરી ચોરીની આળ મૂકી માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.

ફરિયાદમાં તોફિકભાઈ મજીદભાઈ તૈલી(મેમણ) (ઉ.વ.49)એ જણાવ્યા મુજબ તેઓ ગોંડલની ગુંદાળા શેરીમાં બરકાની મંજીલમાં રહે છે અને ગોંડલના દેવપરામાં આવેલ મુન્ના ગારમેટ નામે કાપડની હોલસેલની દુકાન ચલાવે છે. ગત તા.20ના રોજ તેમના દિકરા ફિરદોશના લગ્ન હતા, જેથી પ્રસંગ માટે મેમણ સમાજની વાડી ભાડે રાખેલ ત્યા જમણવાર તથા રિસેપ્શનનો પ્રસંગ હતો. પરીવારના તમામ સભ્યો ઘરને તાળુ મારી રાત્રીના દશેક વાગ્યે મેમણ વાડી ખાતે ગયા હતા

તે દિવસે રાત્રીના સાડા અગિયારેક વાગ્યાની આસપાસ તેમના મોટા ભાઇ મહેમુદભાઇ મહેમાનોને સુવા માટે ઘરે લાવ્યા હતા. તેમણે ઘરે પહોંચી જોયું તો ઉપરના રૂમનું બારણું તુટેલુ હતું અને તાળુ લટકતું હતું. તોફિકભાઈને જાણ થતાં પરિવારના સભ્યો સાથે ઘરે દોડી ગયા હતા. જ્યાં કબાટમાં રાખેલ તેમના દિકરાની પત્નીના સોનાના દાગીના અને લગ્નમાં વહેવારના કવર આવેલા હતા તે ગાયબ હતા. દાગીનમાં દિકરાના પત્નીનું સોનાનું પેન્ડલ સેટ લોકેટ તથા ચેઇન સહિતનું આશરે બે તોલા, સોનાની ત્રણ વીટી આશરે કુલ દોઢ તોલાની, તોફિકભાઈની પત્નીના સોનાના એરીંગ જોડી -2 આશરે એક તોલા, એક સોનાનુ પેન્ડલ આશરે અડધા તોલા, એક ચાંદીનો ચેઇન આશરે એક તોલા, એક સોનાનું બ્રેસલેટ આશરે અડધા તોલા વગેરે મળી રૂ.1.86 લાખના દાગીના અને કવરમાં આવેલ રૂ.70 હજાર રોકડાની ચોરી થઈ હતી.

તોફિકભાઈએ કહ્યું કે, લગ્ન પ્રસંગ હોય અને રાત્રે મોડું થઈ ગયું હોવાથી બીજા દિવસે સવારે મેમણ જમાતના આગેવાનોને બોલાવી અમારા ઘરે થયેલ ચોરી બાબતે વાત કરેલ અને અમે રાત્રીના દશેક વાગ્યે અમારા ઘરને તાળું મારી વાડીએ લગ્નમાં જતા હતા ત્યારે અમારા ઘરની સામે શેરીમાં અમારા ઘરની બાજુમાં રહેતા દાઉદ યાકુબ દયાળા, મહંમદહુસેન ખાલીદભાઇ દયાળા, સીબતેન શબ્બીર મીઠાણી, ક્યુમ અનીશભાઇ ડબ્બાવાલા બેઠા હતા અને ચોરી થયેલ તે દરમ્યાન ઉપરોક્ત ચારેય વ્યક્તિઓની હાજરી અમારા ઘરની નજીકમાં હોય જેથી તેના પર શંકા હોવાથી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત આપતા ફરિયાદ નોંધાવી છે.

► જમાતના આગેવાનોની હાજરીમાં આરોપીઓએ ચોરીની કબૂલાત આપી, મુદ્દામાલ પાછો ન આપતા ફરિયાદ થઈ

તોફિકભાઈએ કહ્યું કે, આરોપીઓ તેમના કૌટુંબિક છે. પાડોશી છે. તેમને મેમણ જમાતના આગેવાનો સામે લાવવામાં આવ્યા ત્યારે તેઓએ કબૂલાત આપી હતી કે તેઓએ જ ચોરી કરી છે, અને મુદ્દામાલ પરત કરી દેશે તેવી ખાતરી આપી હતી. પણ બે દિવસ પછી પણ આરોપીઓ મુદ્દામાલ પરત ન કરતા ફરિયાદ દાખલ કરવી પડી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement