15 કિ.મી. લાંબી અંતિમ યાત્રામાં આર્મી જવાનો, પોલીસ, એન.સી.સી. કેડરો,રાજકીય આગેવાનો જોડાયા: શ્રધ્ધાંજલી અર્પણ

24 November 2022 11:49 AM
Veraval
  • 15 કિ.મી. લાંબી અંતિમ યાત્રામાં આર્મી જવાનો, પોલીસ, એન.સી.સી. કેડરો,રાજકીય આગેવાનો જોડાયા: શ્રધ્ધાંજલી અર્પણ

ઉનાના ડમાસા ગામના વીર શહીદ જવાનનાં માનસન્માન સાથે અંતિમ સંસ્કાર: હજારો ઉમટયા

ઉના,તા.24
ઊના તાલુકાના ડમાસા ગામના બે સગા ભાઇઓ ભારત દેશની આર્મીમાં માભોમની રક્ષા માટે જોડાયેલા હોય અને તેમાં વીર શહીદ લાલજીભાઇ બાંભણીયા અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ફરજ બજાવતા હોય અને ત્યાં ટ્રેનિગ ચાલુ હોય એ દરમ્યાન ભારે બરફ અને વરસાદના કારણે તબિયત ખરાબ થતાં તાત્કાલીક આર્મી કેમ્પ માંથી કલક્તા ખાતે સારવારમાં હોય તે દરમ્યાન ચાલુ ફરજ બજાવતા વીર શહીદ લાલજીભાઇનું મૃત્યુ થતાં અને તેની જાણ માદરે વતન આવતાજ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ છવાય ગયેલ હતું. અને આ આર્મી જવાનનો મૃતદેહ માદરે વતન ઉના તાલુકાના ડમાસા ગામે આવી પહોચતા હજારોની સંખ્યામં સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી લોકો ઉમટી પડેલા અને વીર શહીદ લાલજીભાઇ બાંભણીયાને દેશ ભક્તિના ગીતો અને પુષ્પગુચ્છ દ્રારા સૈનિકની શ્રધ્ધાંજલી ગાર્ડ ઓનર સાથે આપવામાં આવી હતી.

સમગ્ર વિસ્તારના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી તેમની અંતિમ વીધીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. 15 કિ.મી. લાંબી અંતિમ યાત્રા ડમાસા ગામેથી ભારત માતાની જય નારા સાથે રાષ્ટ્રીય ધ્વજ સાથે રેલી નિકળી હતી. જેમાં આર્મી જવાનો, પોલીસ, એન સી સી કેડરના જવાનો ઉના વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, તેમજ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ તેમજ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત વિવિધ ગામના સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. અને સૈનિક પરીવારના દુખમાં ભાગીદાર બની સાંત્વાન પાઠવેલ હતી.

ડમાસા ગામેથી માન સંન્માન અને રાષ્ટ્રીય માહોલ અને વંદે માતરમના નારા સાથે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા યુવાનો આ સૈનિકનો પાર્થિવ દેહ સૈનિકના વાહનમાં લઇ નિકળેલ અને 15 કિ.મી.લાંબા રૂટ પરથી ઉના ખાતે આવેલ મોદેશ્વરના સ્મશાન ઘાટમાં રાષ્ટ્રીય સલામી સાથે ગાર્ડને રાખી અંતિમ સંસ્કાર કરાયા હતા. આ દરમ્યાન રસ્તામાં આવતા કેસરીયા, નાથળ, સીલોજ, સહીતના ગામોમાં લોકોએ વીર સૈનિકને આખરી સલામી આર્પણ કરી હતી.


Advertisement
Advertisement
Advertisement