લઘુમતીમાં પણ બહુમતી : સુરતની લીંબાયત બેઠક પર 44માંથી 36 ઉમેદવારો લઘુમતી સમુદાયના

24 November 2022 11:51 AM
Surat Elections 2022 Gujarat Politics Rajkot
  • લઘુમતીમાં પણ બહુમતી : સુરતની લીંબાયત બેઠક પર 44માંથી 36 ઉમેદવારો લઘુમતી સમુદાયના

રાજકીય પક્ષોએ લઘુમતી સમુદાયના ઉમેદવારને ટીકીટ આપવામાં હાથ ખેંચી રાખ્યો પરંતુ આ સમુદાયમાંથી વિધાનસભામાં જવા કરતા આપસની ટક્કરમાં વધુ રસ

રાજકોટ,તા. 24
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હજુ સુધી કોઇ પક્ષે લઘુમતી કાર્ડ ખેલવાની કોશિષ કરી નથી અને ભાજપ સ્પષ્ટપણે હિન્દુત્વની લાઇન પર ચૂંટણી લઇ જવા માગે છે તો અરવિંદ કેજરીવાલે પણ ભાજપની સામે હિન્દુત્વની લાઇન અપનાવી છે અને તેઓએ ચલણી નોટો પર લક્ષ્મી અને ગણેશની તસવીરો મુકવાની હિમાયત કરી હતી અને તે રીતે હિન્દુત્વમાં ભાજપથી પણ એક ડગલુ કમસેકમ ગુજરાતમાં રહેવા કોશિષ કરી છે.

પરંતુ સૌથી મહત્વનું એ છે કે લઘુમતી મતદારો જ્યાં વધુ હોય ત્યાં લઘુમતી ઉમેદવારો વધુ હોવાથી તેના મતોના ભાગલા પડશે તે નિશ્ર્ચિત છે. તેમાં સુરતની લીંબાયત લો કે અમદાવાદની બાપુનગર લો આ તમામ બેઠકો પર લઘુમતી ઉમેદવારોની સંખ્યા સામાન્ય ઉમેદવારો કરતા અનેકગણી વધુ છે. જેમાં અમદાવાદની બાપુનગર બેઠક પર કુલ 29 ઉમેદવારો મેદાનમાં છે અને આ બેઠક પર 28 ટકા મુસ્લીમ મતદારો છે પરંતુ 10 મુસ્લીમ ઉમેદવારો આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.

આ જ રીતે વેજલપુર બેઠક કે જેમાં જમાલપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે તેમાં 15 ઉમેદવારોમાં 9 લઘુમતી ઉમેદવારો છે. મોટાભાગના રાજકીય પક્ષોએ લઘુમતી ઉમેદવારો ઉભા રાખવામાં હાથ ખેંચી રાખ્યો છે. કોંગ્રેસે મન-કમને પણ છ લઘુમતીઓને ટીકીટ આપી છે. આમ આદમી પાર્ટીએ 3 અને ઔવેસી કે જેણે ગુજરાતમાં લીલુ કમળ ગણવામાં આવે છે તેના પક્ષે 13 ઉમેદવારો લઘુમતી સમાજના ઉભા રાખ્યા છે.

આ પક્ષ જ લઘુમતી બેઇઝ પાર્ટી છે. સુરત પુર્વમાં કોંગ્રેસના અસલમ સાયકલવાલાને હંફાવવા માટે ભાજપે આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવી લીધું અને હવે કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધી ટકકર છે અને 22 ટકા મુસ્લીમ ઉમેદવારો છે જેમાં 14માંથી 12 મુસ્લીમ ઉમેદવારો છે. દરિયાપુર વિધાનસભા કે જ્યાં 48 ટકા મુસ્લીમ મતદારો છે ત્યાં પાંચ લઘુમતી ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસના ગ્યાસુદીન શેખે 2017માં 5000 જેટલા મતોથી આ બેઠક જીતી હતી.

પણ હવે તે જોખમમાં હોવાનું માનવામાં આવે છે. સુરતની લીંબાયત બેઠકમાં 44 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 36 લઘુમતી સમાજના છે. વાગરામાં 9 ઉમેદવારો મેદાનમાં છે અને 6 લઘુમતી સમુદાયના છે. જેના કારણે આગામી વિધાનસભા ચૂંટણીમાં હવે કોઇ લઘુમતી ધારાસભ્ય હશે કે પછી એકબીજાને હરાવવાની ટક્કરમાં મુખ્ય પક્ષના ઉમેદવાર માટે માર્ગ કરી દેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement