રાજકોટ-અમદાવાદ-સુરતમાં 3000 કરોડથી વધુનું GST કૌભાંડ: અન્ય રાજ્યો સાથે પણ તાર જોડાયેલા

24 November 2022 12:35 PM
Ahmedabad Crime Gujarat Rajkot
  • રાજકોટ-અમદાવાદ-સુરતમાં 3000 કરોડથી વધુનું GST કૌભાંડ: અન્ય રાજ્યો સાથે પણ તાર જોડાયેલા

3 નવેમ્બરે ત્રણેય શહેરોમાં પોલીસે બનાવટી કંપની પર દરોડો પાડી નકલી બિલ પર ટર્નઓવર બતાવી કૌભાંડ આચરતી 33 કંપની પકડી’તી જેમાંથી 11 હતી બનાવટી: કૌભાંડનો આંકડો હજુ પણ વધવાની સંભાવના

રાજકોટ, તા.24
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જીએસટીની ચોરીના અવનવા કૌભાંડો ચાલી રહ્યાનો ખુલાસો થયો છે ત્યારે આ મામલે થોડા સમય પહેલાં જ પોલીસે રાજકોટ, અમદાવાદ અને સુરતમાં 33 જેટલી કંપનીઓ પર દરોડા પાડ્યા બાદ ત્યાંથી 3000 કરોડથી વધુનું જીએસટી કૌભાંડ પકડાયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ગત 19 ઑક્ટોબરે દાખલ થયેલી ફરિયાદમાં બોગસ બિલિંગના આધારે જીએસટી કૌભાંડ આચરતી 33 જેટલી કંપની ધ્યાન પર આવતાં પોલીસે તેના આધારે દરોડાનો દોર શરૂ કરીને મોટું જીએસટી કૌભાંડ પકડી પાડ્યું છે. આ સાથે જ કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ અંગે સુરત પોલીસ કમિશનર શરદ સિંઘલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે રાજ્યમાં બોગસ બિલિંગના આધારે 1205 કરોડના જીએસટી કૌભાંડ કેસમાં અત્યારે પૂરજોશમાં તપાસ ચાલી રહી છે. આ કૌભાંડ પકડાયા બાદ 3 નવેમ્બરે અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના અનેક શહેરોમાં બાતમીના આધારે પોલીસે બનાવટી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા.

તપાસ દરમિયાન 1200 કરોડનું જીએસટી કૌભાંડ થયું હોવાનું ખુલ્યું હતું. જો કે જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ કૌભાંડનો આંકડો વધતો ગયો હતો. અત્યાર સુધી બનાવટી બિલિંગના આધારે ત્રણ હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર કરવામાં આવ્યું હોવાનું અને 600 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવી હોવાનું ખુલ્યું છે.

આ કૌભાંડના તાર કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના 6 રાજ્યો સાથે જોડાયેલા હોવાથી પોલીસે ત્યાં પણ દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જેની અત્યારે સઘન પૂછપરછ ચાલી રહી છે. આ કૌભાંડમાં સુરત આર્થિક અપરાધ શાખા અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહ્યાનું તેમણે જણાવ્યું હતું.

વધુમાં પોલીસ કમિશનર સિંઘલે જણાવ્યું કે જે 33 કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા તેમાંથી 25 બનાવટી કંપની માત્ર સુરતમાં જ આવેલી છે અને તે કંપનીના સરનામા પર તપાસ કરતાં 11 કંપની બનાવટી હોવાનું ખુલ્યું છે. આ સરનામા ઉપર કંપની બતાવી કરોડો રૂપિયાનું ટર્નઓવર બતાવાયું હતું પરંતુ ત્યાં જઈને તપાસ કરી તો પોલીસના ધ્યાને અન્ય દુકાનો જેવી કે ટેલરની દુકાન અને હેરસલુન મળી આવ્યા હતા !


Related News

Advertisement
Advertisement
Advertisement