ખાંભા ગીર વિસ્તારનાં માલધારીઓને મતદાન માટે પાંચ કિ.મી. પગપાળા પ્રવાસ

24 November 2022 12:56 PM
Amreli
  • ખાંભા ગીર વિસ્તારનાં માલધારીઓને મતદાન માટે પાંચ કિ.મી. પગપાળા પ્રવાસ

ભાણીયા, પીપળવા મતદાન મથક સુધી જવા વાહન સુવિધા નહીં

અમરેલી, તા.24
ખાંભા તાલુકાના ગીરમાં આવેલ નેસના માલધારીઓને પાંચ સાત કિ.મી. દૂર આવેલા ગીર નજીકના ગામોમાં મતદાન કરવાની ફરજ પડે છે.

ચૂંટણી પંચ દ્વારા મતદાન વધારવા જાહેરાતો કરવામાં આવે છે. તાલુકા મથકે મામલતદાર કચેરીમાં મતદાન વધારવા ચૂંટણીઝોનના બેનરો અને ચૂંટણી ઝોનમાં ફોટા પાડવાની અપીલ કરવા બોકસ બનાવી લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે.

પરંતુ ગીરમાં વસતા માલધારીઓ માટે નેસમાં ચૂંટણી મથક આવેલ ન હોવાથી મતદાન માટે જાગૃત હોવા છતાં માલધારીઓને ગીર નજીકના ભાણીયા, પીપળવા ગામે મતદાન કરવા જવાની ફરજ પડે છે.

ખાંભા તાલુકાના ગીરના જંગલમાં જાંબુડા વાળો, પાડા ગાળો, રેબડીપાટ, સાપરાનો નેસ, ભાડાણી, સીર નેસ સહિતના નેસડાઓમાં ર00 માલધારીની વસ્તીમાં પ0 જેટલા મતદારો હોય નેસડાઓમાં સરકારી આવાસ, સ્કૂલ ન હોવાથી મતદાન કેન્દ્રના અભાવે મતદારોને મત દેવા માટે પ્રથમ પુરૂષો અને બાદમાં મહિલાઓને મતદાન કરવા જવું પડે છે. કારણ કે નેસમાં માલધારીઓનો પશુઓને રાની પશુઓથી બચાવવા પરિવારના સભ્યોને નેસડામાં રહેવું પડે છે. તેમજ મતદાન મથકથી નેસડાઓ 4-પ કિ.મી. ગીરમાં દૂર દૂર હોય વાહનની સુવિધા ન હોય ઉમેદવારો દ્વારા કરાતી વાહન સુવિધામાં મત દેવા આવવું પડે છે.

ચૂંટણી તંત્ર દ્વારા શિયાળબેટમાં મતદાન કેન્દ્ર ઉભુ કરાય છે. તેમજ ગીરના જંગલમાં આવેલ બાણેજમાં એક જ મતદાર માટે મતદાન કેન્દ્ર ઉભુ કરાતું હોય ખાંભા તાલુકાના નેસડાઓના માલધારીઓ માટે ગીરના નેસડાઓમાં મતદાન કેન્દ્ર ઉભુ કરવામાં આવે તો માલધારીઓનાકિંમતી પશુધનને રેઢા મૂકવામાંથી મુકિત મળે.


Advertisement
Advertisement
Advertisement