ડબલ એન્જીન સરકારના કારણે ગુજરાતનો બુલેટ ટ્રેનની ઝડપે વિકાસ : હળવદમાં યોગીજીની વિશાળ સભા

24 November 2022 01:51 PM
Surendaranagar Elections 2022 Politics
  • ડબલ એન્જીન સરકારના કારણે ગુજરાતનો બુલેટ ટ્રેનની ઝડપે વિકાસ : હળવદમાં યોગીજીની વિશાળ સભા

ભાજપના દોડતા ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાના સમર્થનમાં યુપીના મુખ્યમંત્રીનું સંબોધન : પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી આપી સંકટ સામે લડતા મોરબીના લોકોને બિરદાવ્યા

► નરેન્દ્રભાઇ મોદીએ ધર્મસ્થળોના વિકાસ કરાવ્યા : કોંગ્રેસ હોત તો મફત વેકસીન પણ ન મળત : યુપી જેવી બહુમતી અપાવવા હાકલ : સભામાં 20 હજાર લોકો ઉમટી પડયા

ધ્રાંગધ્રા, તા. 24
હળવદ-ધ્રાંગધા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાના જબરદસ્ત લોકસંપર્ક, પ્રચાર અને જનસંપર્ક અભિયાન વચ્ચે હળવદમાં ગઇકાલે ઉત્તરપ્રદેશના હિંમતવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરસભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં મતદારો અને કાર્યકરો ઉમટી પડયા હતા. સંકટના સમયમાં શાસન કઇ રીતે થાય તેની ઝાંખી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થાય છે તે વાત મુકીને યોગીજીએ ભાજપના ઉમેદવારને મોટી લીડથી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. આ સભામાં વીસેક હજાર લોકો ઉમટી પડયા હતા.

હળવદ- ધ્રાંગધ્રા બેઠક પર ભાજપની જંગી બહુમતીથી જીત અપાવવા ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરા ગામે ગામ જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે તેમના સમર્થનમાં બુધવારે હળદવમાં હરીદર્શન પાર્ક હોટલ હરીદર્શનની બાજુના ગ્રાઉન્ડમાં ધાંગધ્રા માળિયા હાઇવે ખાતે હળવદ ખાતે બુલડોઝર બાબાના હુલામણા નામે જાણીતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જંગી સભા યોજાઈ હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ‘સંકટના સમયમાં શાસન કઈ રીતે થાય તેની ઝાંખી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થાય છે’

મુખ્યમંત્રી યોગીએ ગુજરાતીમાં ‘ધ્રાંગધા-મોરબીની જનતાને મારા રામ રામ’ કહીને કહ્યું હતું કે, ભૂકંપ,પૂર, હોનારત હોય કે ઝૂલતા પુલની દુર્ઘટના હોય મોરબીએ હંમેશા પડકારોનો સામનો કર્યો છે. યોગી આદિત્યનાથે ઝૂલતાપૂલ દુર્ઘટનાને યાદ કરી મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને મુખ્યમંત્રી આ દુર્ઘટના સમયે સતત મોરબી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું

વધુમાં મુખ્યમંત્રી યોગીજીએ કહ્યું હતું કે, કૃષ્ણ,ગાંધી,સરદાર અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈની જન્મભૂમિ એવા ગુજરાતમાં આવતા ધન્યતાની લાગણી અનુભવતા હોવાનું કહી મોરબી જિલ્લાના લોકોની જિન્દાદિલીના વખાણ કરતા કહ્યું હતું કે, ઝૂલતા પુલની દુર્ઘટનાની જેમ જ મોરબી હોનારત હોય કે વાવાઝોડું હોય કે પછી ભૂકંપ હોય મોરબીના લોકો પડકારો સામે લડીને ઉભા થયા છે

તેમણે કહ્યું હતું કે આજે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. સ્વતંત્રતાના 75 વર્ષમાં સામેલ થયો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એક સૂત્રતામાં બાંધવાનું કામ કર્યું છે. આઝાદીના અમૃત મહોત્સવમાં ઘરે ઘરે તિરંગા લગાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. જે બ્રિટને ભારત પર શાસન કર્યું. આજે એ જ ભારતનું અર્થતંત્ર વિશ્વના પાંચમા નંબરે પહોંચ્યો છે દુનિયાના 20 એવા દેશ જે સમગ્ર દુનિયાની 80% સંસાધનો હકુમત ધરાવે છે એવા 20 દેશોનું સંચાલન પણ આવતા વર્ષે પમ નરેન્દ્ર મોદી કરશે આ ગુજરાતની તાકાત છે આ ગુજરાતની પાસે છે ગુજરાતની પાસે દિવ્ય શક્તિ છે શ્રીકૃષ્ણ દ્વારકા આવ્યા ત્યારે રણછોડરાય બહેના સ્વામિનારાયણ ભગવાનનું આગમન પણ ગુજરાતમાં થયું અને સરદાર પટેલ તથા નરેન્દ્ર મોદી જેવા સપૂત ગુજરાતની ધરતીએ આપ્યા છે. આવી પવિત્ર ધરતી પર આજે આવીને હું ધન્યતા અનુભવું છું.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની છે. નરેન્દ્ર મોદી જેવા વૈશ્વિક નેતા તેનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. આ ડબલ એન્જિનની સરકારને કારણે બુલેટ ટ્રેનની ઝડપે સુરત અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીના શાસનમાં અહીં સર્વાંગી વિકાસ થયો છે.
કોંગ્રેસે સરદાર પટેલને ક્યારેય સનમાન નથી આપ્યું,ભાજપે સરદાર પટેલને સન્માન પણ આપ્યું અને તેમનું ભવ્ય સ્ટેચ્યુ પણ બનાવડાવ્યું.આજે ભારત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની નવા શિખર સર કરી રહ્યું છે. કોંગ્રેસ ભારત જોડો યાત્રા કરી રહી છે, જે ભારત જોડો નહીં ભારત તોડો યાત્રા છે. ભ્રષ્ટાચાર, રાષ્ટ્રવાદ, ગુંડાગર્દીએ કોંગ્રેસની ઓળખ છે. જયારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની એક નવી કહાની લખી રહ્યું છે. ગુજરાતમાં આંતકવાદ સદંતર નાબૂદ થયો છે. એ ઙખ મોદીની શક્તિની પ્રતીતિ કરાવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ભારતીયોની આસ્થાને કેન્દ્રમાં રાખીને ઉજ્જૈન હોય કેદારનાથ હોય કે, સોમનાથ હોય તમામ દેવનગરીઓને વિકાસના પથ પર આગળ વધારી છે. ઉજ્જૈન શહેરને મહાલોકનો દરજ્જો અપાય તેવા પ્રકારનો વિકાસ કર્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોરનો ખૂબ વિકાસ કર્યો છે. આ તમામ બાબતો તેમની કારણે શક્ય બની છે. કોંગ્રેસે શું આપ્યું? ગરીબી અરે ગરીબી ક્યારેય નાબૂદ થઈ જ ન હોત. કોંગ્રસનું શાસન હોત તો શું અયોધ્યામાં રામ મંદિર બન્યું હોત ? શું કાશી વિશ્વનાથ મંદિરની ભવ્યતા આટલી નિખરી શકી હોત ? કાશ્મીરમાં કલમ 370 હટી હોત ?

મોદીના નેતૃત્વમાં ભારતનું એક વિકાસીત દેશ તરીકે નિર્માણ થઈ રહ્યું છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના નિર્માણ ભારતના રાષ્ટ્રીય ગૌરવનું મંદિર હશે. કોરોના કાળમાં ફ્રિમાં રસી, ફ્રિમાં અનાજ ડબલ એન્જિનની સરકારે જ આપી છે. કોંગ્રેસની સરકાર હોત તો, ના મફતમાં રસી મળી હોત, ના ફ્રિમાં લોકોને અનાજ..કોંગ્રેસ ભારતનો વિકાસ કરી શકે તેમ નથી, તો કેમ કોંગ્રેસને પસંદ કરવી જોઈએ.

ઉત્તરપ્રદેશમાં 25 કરોડની વસ્તી છે, માર્ચ માસમાં ઉતરપ્રદેશમાં ચૂંટણી થઈ ત્યારે વિધાનસભાની 402 સીટમાંથી કોંગ્રેસને માત્ર 2 સીટ મળી હતી. મૃતદેહને કાંધ આપવા માટે પણ 4 લોકો જોઈએ જયારે ઉત્તરપ્રદેશમાં તો એટલી સીટ પણ ન મળી આવી જ હાલત ગુજરાતમાં થવી જોઈએ. એટલું કહીને ફરી ગુજરાતીમાં પૂછ્યું હતું કે શું તમે ગુજરાતની ડબલ એન્જીન સરકારને મજબૂત બનાવવા ભાજપને જીત અપાવશો? આ આહવાન કરીને હળવદ- ધ્રાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી

આ તકે પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના કારણે વિકાસ દેશનો વિકાસ થયો છે. મોદીજીએ દરેક ગરીબને અનાજ, ઘર આપીને ગરીબોની જરૂરિયાત પૂરી પાડી છે. પહેલા લાકડાના ચૂલાથી બહેનો રસોઈ ઘર ચલાવતી હતી, અત્યારે 11 કરોડ સિલિન્ડર લોકોના ઘર-ઘરમાં પહોંચાડ્યા છે. આજે દરેક ઘરમાં 24 કલાક પાણીની વ્યવસ્થા નરેન્દ્રભાઇ મોદી અને ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે કરી છે. મોરબીના વિશ્વ વિખ્યાત સીરામીક ઉધોગને યાદ કરી જણાવ્યું હતું કે આજે મોરબીનો ટાઇલ્સ ઉધોગ ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે. જે આપણા માટે ગૌરવની વાત છે. તેવું તેમણે જણાવ્યું હતું.

આ સભામાં ભાજપના પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જ્યંતિભાઈ કવાડીયાએ જણાવ્યું હતું કે,લોકો એવું કહેતા હોય છે કે સત્તા સેવાનું માધ્યમ બને તો દેશનો વિકાસ થાય. ત્યારે પ્રકાશભાઈ ખરા અર્થમાં એવા વ્યક્તિ છે જેમના માટે રાજકારણ સત્તાનું નહીં સેવાનું માધ્યમ છે. તેઓ ખરાં અર્થમાં હળવદ-ધ્રાંગધાની પ્રજાનો વિકાસ કરવા માંગે છે. ત્યારે દરેક નાગરિકની ફરજ છે કે તેમના પક્ષમાં મતદાન કરીને જંગી બહુમતીથી જીત આપે’

જયારે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીની લડત આપણે ભુલી ના શકીએ. દેશને એક કરવામાં સરદાર પટેલની ભૂમિકા આપણે ના ભુલી શકીએ. ભારતનો વિકાસ કરવામાં નરેન્દ્રભાઇ મોદીની ભૂમિકા પણ આપણે ના ભુલી શકીએ. નરેન્દ્રભાઇ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ કરીને દેશને આગળ વધાર્યો છે. ભારતનો પાંચ ગણો વિકાસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement