પુલ દુર્ઘટના : શા માટે ‘ઓરેવા’ ગ્રુપનું નામ FIRમાં નથી ? SIT નો રિપોર્ટ રજૂ કરો : હાઈકોર્ટ

24 November 2022 02:38 PM
Morbi Rajkot
  • પુલ દુર્ઘટના : શા માટે ‘ઓરેવા’ ગ્રુપનું નામ FIRમાં નથી ? SIT નો રિપોર્ટ રજૂ કરો : હાઈકોર્ટ

જો તપાસ રિપોર્ટથી સંતોષ ન થાય તો હાઈકોર્ટ અલગથી તપાસ ટીમ રચી શકશે : ઓરેવા ગ્રુપ સામે શું પગલા લેવાયા તે પણ જણાવવા તાકીદ : સમગ્ર પુલ દુર્ઘટનામાં સરકારની લીપાપોતી ખુલ્લી થાય તેવા સંકેત

રાજકોટ,તા. 24
મોરબી પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર સામે વધુ આકરુ વલણ લેવાયું છે અને ખાસ કરીને આ દુર્ઘટના માટે જવાબદાર મનાતા મોરબીના ‘ઓરેવા’ ગ્રુપ સામે શું પગલા લીધા ? અને એફઆઈઆરમાં કેમ તેમનું નામ નથી તેમ પૂછીને સરકારને ભીંસમાં મુકી દીધી છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા સુપ્રીમ કોર્ટના હવાલાથી સમગ્ર સુનાવણીને વિસ્તૃત કરવામાં આવી છે.

એક તબક્કે વળતરનો મુદ્દો ઉઠાવ્યા બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમનો રિપોર્ટ સીલબંધ કવરમાં હાઈકોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું અને અદાલતે ત્યાં સુધી કહ્યું કે જો સીટના રિપોર્ટની તપાસ સંતોષકારક નહીં લાગે તો અમે અલગ એજન્સીથી તપાસના આદેશ આપી શકીએ છીએ.

હાઈકોર્ટે ખાસ કરીને સમગ્ર તપાસમાં ઓરેવા ગ્રુપની જે રીતે બાદબાકી કરવામાં આવી છે તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને સરકારને પુછ્યું કે શા માટે ઓરેવા ગ્રુપનું નામ એફઆઈઆરમાં નથી ? સરકારે આ ગ્રુપ સામે શું પગલા લીધા છે અને સીટનો રિપોર્ટ પણ શું કહે છે ? તે તમામનો જવાબ સીલબંધ કવરમાં હાઈકોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી પુલ દુર્ઘટનામાં હજુ સુધી રાજ્ય સરકારે ફક્ત ઓરેવા ગ્રુપના મેનેજરને તથા પુલના ગાર્ડથી લઇ ટીકીટ વેચાણ કરનારા કર્મચારીઓની જ ધરપકડ કરી છે અને હાલ તમામ જ્યુડીશ્યલ કસ્ટડીમાં છે જ્યારે દુર્ઘટનાના કલાકોમાં જ ઓરેવા ગ્રુપના સંચાલકો ગૂમ થઇ ગયા છે અને હજુ સુધી તેઓ ક્યા છે તેનો કોઇ સંકેત મળ્યો નથી તેમજ રાજ્ય સરકારે પણ તે તપાસ કરવાની આવશ્યકતા સમજી નથી જેના કારણે સરકારની તપાસની આસપાસ શંકાના વમળો સર્જાયા છે. પરંતુ હાઈકોર્ટના આકરા વલણને કારણે હવે સરકાર માટે બચાવ મુશ્કેલ બની જશે.


Related News

Advertisement
Advertisement
Advertisement